ખાખરો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ખાખરો અથવા કેસૂડો
ખાખરો/કેસૂડો
જૈવિક વર્ગીકરણ
જગત: Plantae
વિભાગ: સપુષ્પ વનસ્પતિ
વર્ગ: મેગ્નોલિઓપ્સિડા
ગૌત્ર: ફેબેલ્સ
કુળ: ફેબેસી
ઉપકુળ: ફેબોઈડી
સમૂહ: ફેસિઓલી
પ્રજાતિ: બ્યુટિયા (Butea)
જાતિ: મોનોસ્પર્મા (monosperma)
દ્વિપદ નામ
બ્યુટિયા મોનોસ્પર્મા (Butea monosperma)
લેમાર્ક (Jean-Baptiste Lamarck), ટોબર્ટ (Paul Hermann Wilhelm Taubert), 1894
પર્યાયવાચીઓ

બ્યુટિયા ફ્રોન્ડોઝા (Butea frondosa) Roxb. ex Willd.
Erythrina monosperma Lam.[૧]
Plaso monosperma

ખાખરો અથવા કેસૂડો કે ખાખરિયા, ખાકડા, ખાખડો, ખાખર અથવા પલાશ એક જાતનું સુંદર ફૂલો ધરાવતું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિધ્ન, લક્ષતરુ, પલાશ, રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે.

તે એક મધ્યમ કદનું આશરે ૨૦ થી ૪૦ ફૂટ ઊંચું, પાનખરનું વૃક્ષ છે. પર્ણો ત્રણ પર્ણિકાઓ ધરાવતા પીંછાકાર છે અને ૮-૧૬ સે.મી. લાંબો પર્ણદંડ ધરાવે છે, તથા દરેક પર્ણિકાની લંબાઈની ૧૦-૨૦ સેમી જેટલી હોય છે. પુષ્પો ૨.૫ સે.મી. લાંબા, ઘાટ્ટા કેસરી કે પીળા રંગનાં હોય છે અને ૧૫-૨૦ સે.મી. લાંબા કલગી પુષ્પવિન્યાસમાં ખીલે છે. તેનાં ફળ, શીંગ રૂપે આવે છે, જે ૧૫-૨૦ સે.મી. લાંબી અને ૪-૫ સે.મી. જાડી હોય છે.[૨] તેનું થડ વાંકું અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. પાંદડાં ત્રણ-ત્રણનાં ઝુમખામાં હોય છે. પાંદડાંની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. પાંદડાની નીચેની સપાટીમાં નસો ચોખ્ખી દેખાય છે. નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પાદડાં ખરવા માંડે અને જાન્યુઆરીમાં બધાં ખરી પડે છે. એપ્રિલ અથવા મે માસમાં નવાં પાન આવે તે પહેલા મહા-ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ)માં તેના પુષ્પો આવવાની શરૂઆત થઈ જાય છે[૩].

કેસૂડાનાં ફૂલને ઝારખંડ રાજ્યમાં રાજફૂલ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે[૪].

ઉપયોગ[ફેરફાર કરો]

આ વૃક્ષ કાળી માટીમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. ખારાશવાળી માટી તેને અનુકૂળ છે. તેમાંથી નીકળતો ગુંદર ઔષધિ તરીકે તેમ જ ચામડું રંગવામાં તથા કમાવવામાં ઉપયોગી છે. તેનાં કુમળાં મૂળમાંથી એક જાતના રેસા નીકળે છે, જેનાં દોરડાં અને દેશી ચંપલ બને છે. અંદરની છાલમાંથી નીકળતા રેસાનાં દોરડાં અને કાગળ બને છે. તેનાં પાનનાં પતરાળાં બનાવાય છે. ખાતર તરીકે તેનાં પાન ઘણાં સારાં છે. તેનાં બિયામાંથી સ્વચ્છ તેલ નીકળે છે. તેનાં ફૂલ ઉકાળી તેમાં ફટકડી નાખવાથી સુંદર પીળો રંગ થાય છે. દેખાવમાં સાગને મળતું તેનું લાકડું બાંધકામમાં ઉપયોગી છે. બંદૂકનો દારૂ અને કોલસા બનાવવામાં તે કામ આવે છે. બે વર્ષના કુમળાં વૃક્ષનાં મૂળ કેટલાક ગરીબ લોકો શેકીને ખાય છે, પણ મૂળ કાચાં ખવાય તો ચકરી આવે.

ધર્મ માં[ફેરફાર કરો]

ચંદ્રનું આ પવિત્ર વૃક્ષ છે. કહેવાય છે કે સોમરસ પીધેલા ગરુડનાં પીંછાંમાંથી તેની ઉત્પત્તિ થઈ છે. સોમરસનો તેમાં અંશ હોવાથી કેટલીક ધાર્મિક ક્રિયામાં તેનો ઉપયોગ થાય છે. તેનાં સૂકાં લાકડાં યજ્ઞમાં હોમાય છે. કેટલાંક પવિત્ર વાસણ અને બ્રહ્મચારીનો દંડ તેના લાકડામાંથી બનાવાય છે. જનોઈ આપતી વખતે કેશ કાપ્યા પછી બ્રહ્મચારીને પલાશના પતરાળામાં જમવું પડે છે. તે પતરાળું ત્રણ પાનના સમૂહનું બનેલું હોય છે, જેમાં મધ્યનું પાંદડું વિષ્ણુ, ડાબું બ્રહ્મા અને જમણું શિવ મનાય છે.

ઔષધ તરીકે[ફેરફાર કરો]

ખાખરો ઉષ્ણ, તૂરો, વૃષ્ય, અગ્નિદીપક, સારક, કડવો, સ્નિગ્ધ, ગ્રાહક તથા ભગ્નસંધાનકારક છે. વ્રણ, ગુલ્મ, કૃતિ, પ્લીહા, સંગ્રહણી, અર્શ, વાયુ, કફ, યોનિરોગ અને પિત્તરોગનો નાશ કરનાર કહેવાય છે. તેનાં સ્વાદુ, કડવાં, ઉષ્ણ, તૂરાં, વાતુલ, ગ્રાહક, શીતળ તથા તીખાં ફૂલ તૃષા, દાહ, પિત્ત, કફ, રક્તદોષ, કોઢ અને મૂત્રકૃચ્છ્રનો નાશ કરનાર મનાય છે. તેનાં ફળ રુક્ષ, લઘુ, ઉષ્ણ તથા પાક કાળે તીખાં હોય અને કફ, વાયુ, કૃમિ કોઢ, ગુલ્મ, પ્રમેહ, અર્શ તથા શૂળના રોગ ઉપર વપરાય. તેનાં સ્નિગ્ધ, ઉષ્ણ અને તીખાં બીયાં કફ તથા કૃમિનો નાશ કરે છે.

કવિતા[ફેરફાર કરો]

ખીલ્યો પલાશ પુર બ્હારમાં રે લોલ,
સઘળી ખીલી છે વનવેલ;
ટહુકે શી આમ્રકુંજ કોકિલા રે લોલ,
ટહુકે મયુર અને ઢેલ !
બંધુ બેનીઓ ! ચાલો વસંતૠતુ માણવા.
--- સ્વ. નરહરિ ભટ્ટ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. હક્સલી, એ., ed. (૧૯૯૨). New RHS Dictionary of Gardening. Macmillan ISBN 0-333-47494-5.
  3. ભગવ્દ્ગોમંડલ, સર ભગવદ સિંહજી
  4. http://www.flowersofindia.net/misc/state_flora.html

સ્ત્રોત[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડળ
  • હિંદી વિકિપીડિયા

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિસ્રોત
વિકિસ્રોતમાં ખાખરોને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.