લખાણ પર જાઓ

પુલિન બિહારી દાસ

વિકિપીડિયામાંથી
પુલિન બિહારી દાસ
જન્મની વિગત(1877-01-28)28 January 1877
લોનસિંહ, શરિયતપુર, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૃત્યુ17 August 1949(1949-08-17) (ઉંમર 72)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયક્રાંતિકારી
માતા-પિતાનબા કુમાર દાસ

પુલિન બિહારી દાસ (૨૮ જાન્યુઆરી ૧૮૭૭ – ૧૭ ઓગસ્ટ ૧૯૪૯) એક બંગાળી ક્રાંતિકારી અને ઢાકા અનુશીલન સમિતિના સ્થાપક-પ્રમુખ હતા.

પ્રાંરભિક જીવન

[ફેરફાર કરો]

પુલિન એક મધ્યમ વર્ગના બંગાળી હિન્દુ પરિવારમાંથી આવતા હતા. તેમ છતાં તેમની પાસે કેટલીક જમીનની મિલકત હતી, તેઓ મોટે ભાગે વસાહતી નોકરીમાં કાર્યરત હતા. તેમના પિતા મદારીપુરની સબ-ડિવિઝનલ કોર્ટમાં એડવોકેટ હતા. તેના એક કાકા ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતા જ્યારે બીજા મુનસિફ હતા. પુલિનનો જન્મ વર્ષ ૧૮૭૭માં શરિયતપુર જિલ્લાના લોનસિંહ ગામમાં નબા કુમાર દાસને ત્યાં થયો હતો.[૧]

પુલિનબિહારીએ ૧૮૯૪માં ફરીદપુર જિલ્લા શાળામાંથી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. તેઓ ઢાકા કોલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે પ્રયોગશાળા સહાયક તરીકે કાર્ય કરતા હતા. બાળપણથી જ પુલિનબિહારી શરીર સૌષ્ઠવ તરફ આકર્ષાયા હતા. તેઓ ખૂબ જ સારા લઠ્ઠ લડવૈયા હતા. કોલકાતામાં સરલા દેવીના અખાડાની સફળતાથી પ્રેરિત થઈને તેમણે ૧૯૦૩માં ટિકાટૂલીમાં એક અખાડાની શરૂઆત કરી હતી.[૧] ૧૯૦૫માં તેમણે પ્રખ્યાત લઠ્ઠ લડવૈયા મુર્તઝા હેઠળ તલવારબાજી અને લાઠી ખેલની તાલીમ લીધી હતી.

ક્રાંતિકારી પ્રવૃત્તિ

[ફેરફાર કરો]
પુલિન બિહારી દાસે અભ્યાસ કર્યો હતો તે ફરીદપુર જિલ્લા શાળાનું મકાન

સપ્ટેમ્બર, ૧૯૦૬માં બિપિનચંદ્ર પાલ અને પ્રમથનાથ મિત્રએ પૂર્વ બંગાળ અને આસામ જેવા નવનિર્મિત પ્રાંતની મુલાકાત લીધી.[૨] તેમના ભાષાણોથી પ્રભાવિત થઈને પુલિનબિહારી રાષ્ટ્રવાદી કાર્યક્રમો તરફ વળ્યા હતા.[૨] ત્યાર બાદ અનુશીલન સમિતિની ઢાકા શાખાના આયોજન માટે તેમને નામાંકિત કરવામાં આવ્યા હતા. ઓક્ટોબરમાં,[૩] પુલિને ૮૦ યુવાનો સાથે મળીને ઢાકા અનુશીલન સમિતિની સ્થાપના કરી હતી.

પુલિન બિહારીએ ઢાકામાં નેશનલ સ્કૂલની સ્થાપના કરી હતી. તે મૂળભૂત રીતે ક્રાંતિકારી બળ વધારવા માટેના તાલીમના મેદાન તરીકે બનાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં વિદ્યાર્થીઓને લાઠીઓ અને લાકડાની તલવારોથી તાલીમ આપવામાં આવી હતી. પછીથી તેમને ખંજરથી અને છેવટે પિસ્તોલ અને રિવોલ્વરથી તૈયાર કરવામાં આવ્યા હતા.

પુલિને ઢાકાના તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ બેસિલ કોપ્લેસ્ટન એલનને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતું. ૨૩ ડિસેમ્બર, ૧૯૦૭ના રોજ જ્યારે એલન ઇંગ્લેન્ડ પરત ફરી રહ્યા હતા ત્યારે ગોલુન્ડો રેલવે સ્ટેશન પર તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.[૩] ૧૯૦૮ની શરૂઆતમાં, પુલિને સનસનાટીભરી બારાહ લૂટનું આયોજન કર્યું હતું. ઢાકા જિલ્લાના નવાબગંજ પોલીસ સ્ટેશન હેઠળના બલ્લાહના જમીનદારના નિવાસસ્થાને ક્રાન્તિકારીઓના એક જૂથે ધોળા દિવસે આ બહાદુરીભરી લૂંટ ચલાવી હતી. આ ભંડોળનો ઉપયોગ શસ્ત્રો અને દારૂગોળો ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.

૧૯૦૮માં ભૂપેશચંદ્ર નાગ, શ્યામ સુંદર ચક્રવર્તી, કૃષ્ણકુમાર મિત્રા, સુબોધ મલ્લિક અને અશ્વિની દત્તા સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને મોન્ટગોમરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ૧૯૧૦માં જેલમાંથી મુક્ત થયા પછી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને નવજીવન આપવાનું શરૂ કર્યું. આ જ અરસામાં ઢાકા જૂથે કોલકાતા જૂથથી સ્વતંત્ર રીતે કામ કરવાનું શરૂ કર્યું. પ્રમથનાથ મિત્રાના નિધન બાદ બંને જૂથ અલગ થઇ ગયા હતા.

જુલાઈ, ૧૯૧૦માં, પુલિનની અન્ય ૪૬ ક્રાંતિકારીઓ સાથે રાજદ્રોહના આરોપસર ફરીથી ધરપકડ કરવામાં આવી. પાછળથી બીજા ૪૪ ક્રાંતિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઢાકા ષડયંત્ર તરીકે જાણીતા આ કેસમાં સુનાવણી બાદ પુલિનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમની બદલી સેલ્યુલર જેલમાં કરવામાં આવી, જ્યાં તેઓ હેમચંદ્ર દાસ, બારિન્દ્રકુમાર ઘોષ અને વિનાયક સાવરકર જેવા ક્રાંતિકારીઓની સંગતમાં હતા.

પ્રથમ વિશ્વ યુદ્ધ પછી પુલિનની સજામાં ઘટાડો કરવામાં આવ્યો અને ૧૯૧૮માં તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો, પરંતુ બીજા વર્ષ સુધી તેમને નજરકેદમાં રાખવામાં આવ્યો. ૧૯૧૯માં જ્યારે તેમને સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવ્યા, ત્યારે તેમણે ફરી એકવાર સમિતિની પ્રવૃત્તિઓને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ તેના સભ્યો વેરવિખેર થઈ ગયા હતાઅને પુલિનના પ્રયાસોને નજીવો પ્રતિસાદ મળ્યો હતો. નાગપુર કોંગ્રેસ અને બાદમાં કોલકાતા અધિવેશનમાં બચી ગયેલા ક્રાંતિકારીઓમાંના મોટા ભાગનાએ મોહનદાસ ગાંધીની નેતાગીરીનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો અને અસહકારની ચળવળને ટેકો આપવાનું નક્કી કર્યું. જો કે, પુલિન અડગ રહ્યા અને ગાંધીજીના આદર્શો અને નેતાગીરીને સ્વીકારવાનો ઇનકાર કર્યો. તે સમયે સમિતિ એક પ્રતિબંધિત સંગઠન હોવાથી, તેમણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે ૧૯૨૦માં ભારત સેવક સંઘની સ્થાપના કરી હતી. બેરિસ્ટર એસ.આર.દાસના આશ્રય હેઠળ તેમણે બે સામયિકો હક કથા અને સ્વરાજપ્રકાશિત કર્યા, જેના દ્વારા તેમણે ક્રાંતિકારી વિચારોનો પ્રસાર કરવાનું શરૂ કર્યું. તેમણે કોંગ્રેસની અહિંસાની નીતિની ટીકા કરવાનું શરૂ કર્યું. સમિતિ ગુપ્ત રીતે જ અસ્તિત્વમાં રહી, તેમ છતાં, સમિતિ સાથેના તેમના મતભેદો સપાટી પર આવવા લાગ્યા. તેમણે સમિતિ સાથેના તેમના તમામ સંબંધો કાપી નાખ્યા, ભારત સેવક સંઘને વિખેરી નાખ્યો અને ૧૯૨૨માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા.

૧૯૨૮માં તેમણે કોલકાતાના મેછુઆબજારમાં બંગિયા બાયાયમ સમિતિની સ્થાપના કરી હતી. તે શારીરિક સંસ્કૃતિની સંસ્થા હતી અને અસરકારક રીતે એક અખાડો હતો જ્યાં તેમણે યુવાનોને લાકડી ચલાવવા, તલવારબાજી અને કુસ્તીમાં તાલીમ આપવાનું શરૂ કર્યું.

વિરાસત

[ફેરફાર કરો]

કલકત્તા વિશ્વવિદ્યાલય દ્વારા તેમના સન્માનમાં પુલિન બિહારી દાસ સ્મૃતિ પદક તરીકે ઓળખાતો એક સ્મૃતિ ચંદ્રક આપવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Sengupta, S. (ed.) (1988). Samsad Bangali Charitabhidhan (in Bengali), Calcutta: Sahitya Samsad, pp.288
  2. ૨.૦ ૨.૧ Political Agitators in India. પૃષ્ઠ 67.
  3. Basil Copleston Allen. Dacca. The Pioneer Press. પૃષ્ઠ 53.