લખાણ પર જાઓ

પ્રતિજ્ઞાયૌગંધરાયણ

વિકિપીડિયામાંથી

પ્રતિજ્ઞાયૌગંધરાયણ એ સંસ્કૃત કવિ ભાસ રચિત નાટક છે.

કથાવસ્તુ

[ફેરફાર કરો]

વત્સ દેશના રાજા ઉદયન અને વાસવદત્તાની વાત વર્ણવતું આ નાટક ચાર અંકનું છે. આ નાટકમાં વીરરસ પ્રધાન છે અને પ્રધાન યૌગંધરાયણનું પાત્ર મુખ્ય છે. આ રાજનીતિપ્રધાન આ નાટકમાં મૂળ વાર્તામાં ભાસે ઘણા ફેરફારો કર્યા છે.[]

પ્રથમ અંકમાં ઉદયન નીલહસ્તીના શિકારે ગયો એ પછી એના પ્રધાન યૌગંધરાયણને એની પાછળના ષડયંત્રની ખબર મળે છે અને તે દૂતને મોકલે તે પહેલાં જ ઉદયન પકડાવાના સમાચાર યૌગંધરાયણને મળે છે. એની ખબર પડતાં રાજમાતા યૌગંધરાયણને ઉદયનને છોડાવવા વિનંતિ કરે છે અને યોગંધરાયણ ઉદયનને છોડાવવાની પ્રતિજ્ઞા લે છે.[]

બીજા અંકમાં ઉજ્જૈનનો રાજા પ્રદ્યોત મહાસેન અને રાણી અંગારવતી વચ્ચે રાજકુમારી વાસવદત્તાનાં લગ્ન કરવા વિશે વાતચીત થાય છે. એટલામાં વત્સરાજ ઉદયન કેદ પકડાયાના સમાચાર આવે છે. આથી ઉદયનનો રાજકુમારને છાજે તેવો સત્કાર જેલમાં કરવા પ્રદ્યોત મહાસેન ભલામણ કરે છે. રાણી તેને વાસવદત્તા માટે યોગ્ય વર ગણાવે છે, છતાં મહાસેન તે ઉદ્દ્ંડ છે અને પોતે કરેલા સન્માનને તે ગણકારતો નથી એમ કહે છે. વાસવદત્તાને હજી નાની વયની ગણાવી રાણી અંગારવતી તેના લગ્નની ઉતાવળ કરવી જરૂરી નથી એમ કહે છે. ઉજ્જયિનીમાં ગાંડાનો વેશ લીધેલા પ્રધાન યૌગંધરાયણ, શ્રમણનો વેશ લીધેલા રુમણ્વાન્ અને વિદૂષક વસંતક એ ત્રણેય વચ્ચે ભાગોળે આવેલા મંદિરમાં બપોરે ખાનગી વાતચીત થાય છે. વિદૂષક એમ જણાવે છે કે ઉદયન વાસવદત્તાના પ્રેમમાં હોવાથી કેદમાંથી ભાગી જવા તૈયાર નથી. આથી યૌગંધરાયણ ઘોષવતી વીણા, ભદ્રવતી નામની હાથણી અને વાસવદત્તા સાથે ઉદયનનું અપહરણ કરવાની પ્રતિજ્ઞા લે છે.[]

ચોથા અંકમાં યૌગંધરાયણ જુદા જુદા વેશમાં પોતાના સૈનિકોને પ્રધાંત મહાસેનને ત્યાં ગોઠવી દે છે. દારૂ પીને ગાંડા થયેલા હાથીને કાબૂમાં લેવા કેદમાંથી છોડવામાં આવતાં ભદ્રવતી હાથણી પર બેસીને વાસવદત્તા અને ઉદયન ભાગી જાય છે. એ પછી પ્રદ્યોત મહાસનની સેનાને રોકવા યૌગંધરાયણ પોતાના સૈનિકો સાથે જઈને તેની સાથે યુદ્ધ કરે છે, તલવાર ભાંગી જતાં યૌગંધરાયણ કેદ પકડાયા પછી પ્રદ્યોત મહાસેનના પ્રધાન ભરતરોહતક સાથે ઉગ્ર બોલાચાલી કરે છે. એટલામાં પ્રદ્યોત મહાસેન વાસવદત્તાના ઉદયન સાથેનાં લગ્ન માન્ય રાખતી સુવર્ણની ઝારી કંચુકી દ્વારા મોકલે છે. તેનો સ્વીકાર કરી યૌગંધરાયણ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરે છે અને એની સંતોષ અનુભવે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ શાસ્ત્રી, પ્ર. ઉ. (૨૦૦૧). "ભાસ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૪ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૩૦. OCLC 313768978.