પ્રતુલચંદ્ર ગાંગુલી
પ્રતુલચંદ્ર ગાંગુલી (૧૬ એપ્રિલ, ૧૮૮૪ નારાયણગંજ – ૫ જુલાઈ, ૧૯૫૭ કોલકાતા) એક ભારતીય ક્રાંતિકારી હતા.
જીવન પરિચય
[ફેરફાર કરો]પ્રતુલચંદ્રનો જન્મ ૧૬ એપ્રિલ ૧૮૮૪ના નારાયણગંજમાં થયો હતો, જે અત્યારે બાંગ્લાદેશમાં છે. તેઓ અનુશીલન સમિતિના સભ્ય હતા. અનુશીલન સમિતિની ઢાકા શાખાના મુખ્ય આયોજક પુલિન બિહારી દાસની ધરપકડ બાદ પ્રતુલ અને ત્રૈલોક્યનાથ ચક્રવર્તીએ અનુશીલન સમિતિનો હવાલો સંભાળી લીધો હતો અને સંગઠનનું પુનર્ગઠન કર્યું હતું. તેમના પર બારિસલ ષડયંત્ર કેસમાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો અને ૧૯૧૪માં તેમને ૧૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી, જો કે આ પહેલા જ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. ૧૯૨૨માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ પણ તેઓ ક્રાંતિકારી જોડાણો જાળવવામાં સફળ રહ્યા હતા અને ક્રાંતિકારીઓને મદદ કરવાનું ચાલુ રાખ્યું હતું. પ્રતુલ ઢાકા જિલ્લા કોંગ્રેસ સમિતિ, બંગાળ કોંગ્રેસ સમિતિ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા હતા. તેઓ ૧૯૨૯માં અને ૧૯૩૭માં બંગાળ વિધાનસભા માટે ચૂંટાયા હતા. પ્રતુલ ગાંગુલીએ ૧૯૪૭માં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હતી અને ૫ જુલાઈ ૧૯૫૭ના રોજ કોલકાતામાં તેમનું અવસાન થયું હતું.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Heroes of anti Imperialist (British) Movement", Muktadhara, 9 May 2001, archived from the original on 16 June 2013, https://web.archive.org/web/20130616013537/http://muktadhara.net/antibritish.html