બદરુદ્દીન તૈયબજી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બદરુદ્દીન તૈયબજી
BadruddinTyabji.jpg
બદરુદ્દીન તૈયબજી (ઈ.સ. ૧૯૧૭)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ
પદ પર
૧૮૮૭
પુરોગામીદાદાભાઈ નવરોજી
અંગત વિગતો
જન્મ૧૦ ઓક્ટોબર ૧૮૪૪
મુંબઈ, બ્રિટીશ ભારત
મૃત્યુ૧૯ ઓગસ્ટ ૧૯૦૬
લંડન, યુ.કે.
માતૃ શિક્ષણ સંસ્થાલંડન યુનિવર્સિટી
મિડલ ટેમ્પલ
ધંધોવકીલ, રાજનેતા, કાર્યકર્તા

બદરુદ્દીન તૈયબજી (૧૦ ઓક્ટોબર ૧૮૪૪ — ૧૯ ઓગસ્ટ ૧૯૦૬) એક ભારતીય વકીલ અને રાજનેતા હતા. તેઓ બોમ્બે ઉચ્ચ ન્યાયાલયના પ્રથમ ભારતીય બેરિસ્ટર (કાયદાના અધિકાર ક્ષેત્રમાં વકીલનો એક પ્રકાર) તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રીજા પ્રમુખ હતા.[૧]

જીવન[ફેરફાર કરો]

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

તૈયબજીનો જન્મ ૧૦ ઓક્ટોબર ૧૮૪૪ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ સુલેમાની બોહરા સમુદાયના સભ્ય મુલ્લાહ તૈયબઅલીભાઈ મિયાંના પુત્ર હતા. તેઓ કેમ્બે (હાલ ખંભાત)ના પ્રવાસી અરબ પરિવારના વંશજ હતા.[૨] જ્યારે ભારતીય મુસલમાન સમુદાયમાં અંગ્રેજી તાલીમ એક શાપ માનવામાં આવતી હતી તે સમયે તેમના પિતાએ તેમના સાતેય પુત્રોને વધુ અભ્યાસ માટે યુરોપ મોકલ્યા હતા. તેમના મોટાભાઈ કમરુદ્દીન ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સોલિસિટર તરીકે સ્વીકૃતિ મેળવનાર પ્રથમ ભારતીય હતા. બદરુદ્દીન તૈયબજી તેમનાથી પ્રેરિત થયા હતા.[૧]

શિક્ષણ[ફેરફાર કરો]

મદરેસામાં ઉર્દૂ અને ફારસી ભાષા શીખ્યા બાદ તેમણે મુંબઈની એલફિન્સ્ટોન કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યારબાદ તેમને આંખની સારવાર માટે ફ્રાન્સ મોકલવામાં આવ્યા. ૧૮૬૦માં ૧૬ વર્ષની ઉંમરે તેમણે લંડનની ન્યૂબરી હાઈ પાર્ક કોલેજમાં પ્રવેશ મેળવ્યો.[૩]તેમના ઈંગ્લેન્ડ વસવાટ દરમિયાન તેમના પિતાએ ભારતના પૂર્વ ગવર્નર જનરલ લોર્ડ ઍલેનબરોને એક પરિચય પત્ર મોકલાવ્યો.[૧] ન્યૂબરી કોલેજ બાદ તેમણે ૧૮૬૩માં લંડન વિશ્વવિદ્યાલય અને મિડલ ટેમ્પલમાં પ્રવેશ મેળવ્યો. આંખો નબળી પડતાં ૧૮૬૪માં મુંબઈ પરત ફર્યા પરંતુ ૧૮૬૫ના ઉત્તરાર્ધમાં મિડલ ટેમ્પલ કોલેજના અભ્યાસમાં પુન: જોડાયાં અને એપ્રિલ ૧૮૬૭માં વ્યાવસાયિક વકિલાતની શરૂઆત કરી.

કારકિર્દી[ફેરફાર કરો]

સ્વદેશ આગમન[ફેરફાર કરો]

તૈયબજી ૧૮૬૭માં ભારત પાછા ફર્યા અને બોમ્બે ઉચ્ચ ન્યાયાલયના પ્રથમ ભારતીય બેરિસ્ટર બન્યા.[૧]

૧૮૭૩માં મુંબઈ મહાનગરપાલિકાના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા. ૧૮૭૫–૧૯૦૫ દરમિયાન તેઓ મુંબઈ વિશ્વવિદ્યાલયના સેનેટ સભ્ય રહ્યા. ૧૮૮૨માં મુંબઈ વિધાન પરિષદમાં પસંદગી પામ્યા પરંતુ ખરાબ સ્વાસ્થ્યના પગલે ૧૮૮૬માં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.[૧]૧૮૮૫માં ફિરોઝશાહ મહેતા અને કાશીનાથ ત્ર્યંબક તેલંગ સાથે મળીને બોમ્બે પ્રેસીડેન્સી એસોશિએશનની સ્થાપના કરી તથા વર્ષના અંતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મુંબઈ ખાતેની પહેલી બેઠકનું આયોજન કર્યું.[૧]

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ[ફેરફાર કરો]

બદરુદ્દીન અને તેમના મોટાભાઈ કમરુદ્દીન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં મહત્ત્વપૂર્ણ રીતે સંકળાયેલા હતા. તૈયબજીએ હિંદુ અને મુસલમાન બન્નેનું સમર્થન પ્રાપ્ત કરવાના કોંગ્રેસના ઉદ્દેશોમાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી. ૧૮૮૭–૮૮માં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે તેમણે મુસલમાનોને સંગઠિત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.[૪]શહેરના મુસલમાનો વચ્ચે સામાજીક સંપર્કને ઉત્તેજન આપવા માટે તૈયબજીએ મુંબઈમાં ઈસ્લામ ક્લબ અને ઈસ્લામ જીમખાનાની (મરીન ડ્રાઈવ) સ્થાપનામાં વિશેષ ભૂમિકા ભજવી હતી.[૧]

મુસલમાનોએ કોંગ્રેસનો બહિષ્કાર કરવો જોઈએ એવી આલોચનાના જવાબમાં તૈયબજીએ બધા જ પ્રકારના સાંપ્રદાયિક પૂર્વગ્રહોના બહિષ્કારની હાકલ કરી હતી.[૫] મુસલમાનોને કોંગ્રેસની તરફેણમાં લાવવા માટે તેમણે ૧૮૮૮ના અલ્હાબાદ અધિવેશનમાં એક પ્રસ્તાવ (પ્રસ્તાવ ૧૩) રજૂ કર્યો જે અંતર્ગત વિષય સમિતિ એવા કોઈ પણ વિષયને ચર્ચા માટે મંજૂરી નહિ આપે જેમાં હિંદુ–મુસ્લિમ પ્રતિનિધિઓની સમિતિ અલગ અલગ મત ધરાવતી હોય.[૬] આ પ્રસ્તાવને પરિણામે મુસલમાનો કોંગ્રેસ તરફ પાછા ફર્યા પરંતુ કોંગ્રેસની પ્રવૃત્તિઓ હિંદુ–મુસ્લિમ સહમતી હોય તેવા મુદ્દાઓ પુરતી સીમીત થઈ રહી.

તૈયબજીના આ પગલાં પછી પણ ઘણા મુસ્લિમ પ્રતિનિધિઓને કોંગ્રેસની પ્રતિનિધિત્ત્વ કરવાની ક્ષમતા પર સંદેહ હતો. તેમના મુખ્ય આલોચક સૈયદ અહમદ ખાને તૈયબજીને લખેલા એક ખુલ્લા પત્રમાં જણાવ્યું કે, "હું મારા દોસ્ત બદરુદ્દીન તૈયબજીને પૂછવા માંગું છું કે, હિંદુ–મુસલમાન સહમત હોય એવા કોંગ્રેસના પ્રસ્તાવના ક્ષુલ્લક મુદ્દાઓને બાજું પર રાખી મને એ જણાવે કે કોંગ્રેસના કયા મૌલિક રાજનૈતિક સિદ્ધાંતો મુસલમાનોના વિરુદ્ધમાં નથી.<[૭]

આ પ્રકારની તીખી આલોચનાઓ બાદ પણ તૈયબજીએ ભારતીયોના સામૂહિક હિતોના નિર્દેશન માટે કોંગ્રેસની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને સાંપ્રદાયિક સહયોગનું ઉદાહરણ પુરૂ પાડ્યું. ૧૮૮૭ના કોંગ્રેસના મદ્રાસ અધિવેશનમાં અધ્યક્ષીય પ્રવચનમાં તેમણે સદસ્યોને વિશ્વાસ અપાવતાં જણાવ્યું કે, "હું કેવળ મારી વ્યક્તિગત હેસિયતથી તો નહિ પરંતુ અંજુમ–એ–ઈસ્લામ (મુંબઈ)ના પ્રતિનિધિ તરીકે એ વાત માનવા તૈયાર નથી કે ભારતના વિભિન્ન સમુદાયોની સ્થિતિ અને સંબંધોમાં — ચાહે તે હિંદુ હોય, મુસલમાન, પારસી કે ઈસાઈ હોય—એવું કશું પણ હોય કે જે એક સમુદાયના નેતાઓને એ મહાન સામાન્ય સુધારાઓ, એ મહાન સામાન્ય અધિકારો પ્રાપ્ત કરવાના પ્રયાસોમાં બીજાથી વિરુદ્ધ ઊભા રહેવાની પ્રેરણા આપતા હોય, જે આપણા સહુના લાભ માટે છે. અને હું આશ્વસ્ત મહેસૂસ કરું છું કે કેવળ ઈમાનદારી અને સર્વસંમતિથી સરકાર પર દબાણ કરીને જ તે મેળવી શકાશે.[૮]તેમની ગણના ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદારવાદી મુસલમાન નેતાઓમાં થાય છે.[૨]

શેષ જીવન[ફેરફાર કરો]

જૂન ૧૮૯૫માં તૈયબજીને બોમ્બે ઉચ્ચ ન્યાયાલયના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૧૯૦૨માં બોમ્બે ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળનારા પ્રથમ ભારતીય બન્યા. તૈયબજી સ્ત્રી સ્વાતંત્ર્યના ક્ષેત્રમાં પણ સક્રીય હતા અને તેમણે પરદા પ્રથાને કમજોર કરવાના પ્રયાસ કર્યા.

અવસાન[ફેરફાર કરો]

૧૯૦૬માં ઈંગ્લેન્ડમાં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ "Badruddin-Tyabji profile". The Open University website. Retrieved 26 August 2019. Check date values in: |accessdate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Anonymous (૧૯૨૬). Eminent Mussalmans (૧ આવૃત્તિ.). Madras: G.A. Natesan & Co. pp. ૯૭–૧૧૨. Check date values in: |year= (મદદ)
  3. Three departed patriots : Sketches of the lives and careers of the late Ananda Mohun Bose, Badruddin Tyabji, W. C. Bonnerjee with their portraits and copious extracts from their speeches and with appreciations. Madras: G. A. Natesan and Company. 1910. pp. 19–50. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |year= (મદદ)
  4. Karlitzky, Maren (2004-01-01). "Continuity and Change in the Relationship between Congress and the Muslim Élite: A Case Study of the Tyabji Family". Oriente Moderno. 23 (84): 161–175. JSTOR 25817923. Check date values in: |date= (મદદ)
  5. "Profile of Badruddin Tyabji". Indian National Congress website (અંગ્રેજી માં). the original માંથી 28 September 2011 પર સંગ્રહિત. Retrieved 26 August 2019. Unknown parameter |url-status= ignored (મદદ); Check date values in: |access-date=, |archive-date= (મદદ)
  6. Robinson, Francis (1974). Separatism among Indian Muslims: The politics of the United Provinces' Muslims 1860-1923. Cambridge University Press. pp. 116–117. Check date values in: |year= (મદદ)
  7. Khan, Sayyid Ahmad. "Sir Syed Ahmed's Reply to Mr. Budruddin Tyabji". www.columbia.edu. Retrieved 2017-05-01. Check date values in: |access-date= (મદદ)
  8. Tyabji, Badruddin. "Presidential speech to the Indian National Congress, 1887". www.columbia.edu. Retrieved 2017-05-01. Check date values in: |access-date= (મદદ)