બન્ની

વિકિપીડિયામાંથી

બન્ની ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં ભારત -પાકિસ્તાન સરહદને અડીને રણકાંધીએ આવેલો વિસ્તાર છે.

૧૯૬૯ની મહેસૂલી ગામોની માપણી પ્રમાણે બન્નીનાં ૪૮ ગામોનું ક્ષેત્રફળ ૧૯૫૫૬૬.૩૮ હેકટર છે તથા ૨૦૦૫-૦૬ની સૂકા રણની માપણી પ્રમાણે રણ વિસ્તાર ૫૩૪૩૦.૮૮ મળી બન્નીનું કુલ ક્ષેત્રફળ ૨૪૮૯૯૭ .૨૬ હેકટર છે. જે કચ્છ જિલ્લોના પાંચ તાલુકાનાં ૪૨ ગામોની હદોને સ્પર્શે છે. અહીંના લોકો સિંધી મિશ્રિત કચ્છી બોલી બોલે છે. મોટા ભાગના લોકો ઇસ્લામ ધર્મ પાળે છે. જેમાં જત, મૂતવા, હાલેપોત્રા, રાયસીપોત્રા, હિંગોરજા,બંભા, સુમરા, નોડે, કોરાર, થેબા, વાઢા, શેખ તથા સૈયદ તેમજ હિન્દુ ધર્મમાં મેઘવાળ તથા વાઢા જેવા સમુદાયો વસવાટ કરે છે.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

અહીંના લોકો અંદાજિત ૭૦૦ વર્ષ પહેલાં સિંધમાથી આવેલા હોવાનું મનાય છે. અત્યારે પણ અહીં સિંધની સૂફી સંસ્કૃતિની અસર જોવા મળે છે. ૧૧ જાન્યુઆરી ૧૯૫૫ના જાહેરનામાથી બન્નીને રક્ષિત જંગલ જાહેર કરવામાં આવ્યું હતું. જૂના સમયમાં બન્ની વિસ્તારમાં લોકો ખેતી કરતા હતા. કહેવાય છે કે જ્યારે સિંધુ નદીનાં પાણી બન્નીમાંથી વહેતા ત્યારે અહીં ચોખાનું પુષ્કળ ઉત્પાદન થતું, પરંતુ ૧૮૫૬ના ભૂકંપને કારણે મોટા રણમાં કુદરતી રીતે બંધ અલ્લાહ બંધ બની જવાથી સિંધુ નદીએ વહેણ બદલતાં ખેતીને મોટો ફટકો પડ્યો.

લોકજીવન[ફેરફાર કરો]

બન્નીના લોકોનું જીવન અનેક મુશ્કેલીઓથી ભરેલું છે. રણકાધીએ આવેલો જંગલ વિસ્તાર હોવાથી અહીં સતત વેગીલા પવન ફૂંકાતા રહે છે. સ્થાનિક પાણીનો કોઇ સ્ત્રોત ન હોવાથી તંત્ર દ્વારા ૬૦થી વધુ કિ.મી. લાંબી પાઇપલાઇન બિછાવીને બન્નીને પાણી આપવામાં આવે છે. પણ, તેમાં વારંવાર ભંગાણ થવાથી દિવસો સુધી પાણી મળતું નથી. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. અહીં માણસો કરતાં પશુની સંખ્યા વધારે છે. સારા ચરિયાણ વિસ્તારને કારણે લોકોએ પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો છે. બન્ની વિસ્તારમાં રક્ષિત જંગલ હોવાથી અહીંના ગામોને મહેસૂલી દરજ્જા પ્રમાણે ગામતળ, સીમતળ, ગૌચર કે ઘાસચારો ઉગાડવા માટે પણ જમીન ફાળવવામાં આવી નથી. ગામોનો પોતાની જમીન ઉપર કોઈ કાયદેસર અધિકાર નથી. આવી સ્થિતિ હોવાને કારણે પંચાયતો રહેણાંક માટેના પ્લૉટ ફાળવી શકતી નથી તેમ જ જમીન સંબધિત સરકારી યોજનાઓના ધારાધોરણ પ્રમાંણે લાભાર્થી હોવા છતાં લોકોને લાભ મળતો નથી.

બન્ની ભેંસ[ફેરફાર કરો]

ગીર ગાયની જેમ બન્ની નસલની ભેંસને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રિય માન્યતા મળેલી છે. અહીં દરવર્ષે પશુમેળો યોજાય છે જેમાં ભેંસોની લે-વેચ થાય છે.

ઘાસિયા મેદાનો[ફેરફાર કરો]

બન્નીમાં એશિયાના સૌથી મોટા વિશાળ ઘાસિયા મેદાનો આવેલા છે. ઘાસિયા મેદાનોના કારણે આ વિસ્તાર દુનિયાભરમાં પ્રસિદ્ધ થયો છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Between sun and superstition; EXPRESS NEWS SERVICE; ૧૧ ઓગસ્ટ ૧૯૯૯; ઇન્ડિયન એક્સપ્રેસ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]