બહેચરભાઈ પટેલ

વિકિપીડિયામાંથી

બહેચરભાઈ રણછોડભાઈ પટેલ (ઉપનામ: સ્થિતપ્રજ્ઞ; જન્મ ૨૧ જુલાઈ ૧૯૩૬) ગુજરાતી લેખક અને વિવેચક છે.

જીવન[ફેરફાર કરો]

બહેચરભાઈ પટેલનો જન્મ ૨૧ જુલાઈ ૧૯૩૬ના રોજ કઠલાલમાં થયો હતો. ૧૯૫૫માં એસ.એસ.સી. થયા બાદ તેમણે ૧૯૫૯માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ૧૯૬૧માં એ જ વિષયોમાં એમ.એ.ની ડીગ્રીઓ મેળવી. તેમણે ૧૯૬૬માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી 'કાશીસુત શેઘજી – એક અધ્યયન' એ વિષય પર પીએચ.ડી.ની ડીગ્રી મેળવી. તેમણે ૧૯૬૩થી ૧૯૬૯ સુધી વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી અને ૧૯૭૯થી વિવિધ કૉલેજોમાં આચાર્ય તરીકે ફરજ બજાવી અને છેલ્લે દેસાઈ સી. એમ. આર્ટ્સ કૉલેજ, વિરમગામ ખાતેથી નિવૃત્ત થયા.[૧]

પ્રદાન[ફેરફાર કરો]

બહેચરભાઈ પટેલે સાહિત્યનાં લગભગ સઘળાં સ્વરૂપોમાં લેખન કરી ચાલીશ જેટલા પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. તેમણે પોતાના પુસ્તકોમાં કાવ્યશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, સાહિત્યસિદ્ધાંતો, સાહિત્યસ્વરૂપો, સાહિત્યનો ઇતિહાસ તેમ જ મધ્યકાલીન ભક્તકવિઓ તથા એમની કવિતા સમીક્ષા કરી છે.[૧]

વિવેચનક્ષેત્રે એમણે 'રસિક કવિ દયારામ' (૧૯૬૭), 'ભારતીય સાહિત્યમીમાંસા' (૧૯૭૨), 'ભક્તકવિ રણછોડ' (૧૯૭૩), 'કાશીસુત શેઘજી: એક અધ્યયન' (૧૯૭૪; મહાનિબંધ), ‘સાહિત્યવિવેચન' (૧૯૭૪), 'પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાના સીમાસ્તંભો' (૧૯૭૪, '૭૯, '૯૩, '૦૧), 'સંશોધન અને અધ્યયન' (૧૯૭૬), 'આવિષ્કાર' (૧૯૭૮) જેવાં પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત 'સાહિત્યમાં સૌંદર્ય અને પ્રેમ' (૧૯૯૧), 'સૌંદર્યલોક' (૧૯૯૨), 'પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર' (૧૯૯૩), 'નવલકથા: સ્વરૂપ અને વિકાસ' (અન્ય સાથે, ૧૯૯૬), 'સાહિત્યમીમાંસા' (૨૦૦૦), 'સૌંદર્યશાસ્ત્ર' (૨૦૦૦), 'ભારતીય સાહિત્યમીમાંસા' (૨૦૦૧), 'પ્રભાવ' (૨૦૦૧), 'મહારસ' (૨૦૦૩), 'કૈવલ્ય જ્ઞાનસંપ્રદાય: સિદ્ધાંત અને સાહિત્ય' (૨૦૦૫), 'અભિયોગ' (૨૦૦૬), 'કૈવલ્યપદ' (૨૦૦૭), 'ગુજરાતી સાહિત્યના ઈતિહાસવિષયક પુસ્તકો, મધ્યકાલીન સાહિત્ય: ઐતિહાસિક અધ્યયન' (૧૯૭૫), 'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' (૧૯૯૩), 'અર્વાચીન ગુજરાતી સાહિત્ય' (૧૯૯૪), 'મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ' (અન્ય સાથે, ૧૯૯૬) જેવાં પુસ્તકો આપ્યાં છે.[૧]

કલ્પનોત્થ (fiction) સાહિત્યમાં એમણે નવલકથા, કવિતા, ચરિત્ર, નિબંધ અને બાળસાહિત્ય જેવાં સ્વરૂપોમાં લેખન કર્યું છે. 'નહિ દ્વાર, નહિ દીવાલ' (૧૯૭૨), 'અદિતિ' (૧૯૮૨) અને 'અંતરનાં વહેણ' (૨૦૦૦) એ એમની નવલકથાઓ છે. 'પ્રતીતિ' (૧૯૯૭) એ એમનો કાવ્યસંગ્રહ છે. આ ઉપરાંત એમણે જીવનચરિત્રો 'મહામૃત્યુ' (૧૯૯૯) અને 'પરમાર૨થિર્યા પ્રાણ' (૨૦૦૩); રેખાચિત્રોનો સંગ્રહ 'પિતા, માતા, બંધુ' અને લેખસંગ્રહો 'દિવ્યસંપત્તિ' (૧૯૯૩), ‘આત્માનાં અમી' (૧૯૯૭), 'ગીતામૃત' (૧૯૯૮), 'શિક્ષાપત્રી : આચારસંહિતા' (૧૯૯૯) આપ્યા છે.[૧]

બાળસાહિત્યમાં એમણે 'બાળલીલા', 'રમકડાં' (૧૯૯૭), 'બાલબોધ' (૧૯૯૯), 'જયહિંદ-જયભારત-વંદેમાતરમ્' (૨૦૦૧), 'સોનાનો ડુંગર' (૨૦૦૩), 'નાનપણાનાં નેહ' (૨૦૦૪), 'નમસ્તે ગુરુજી' (૨૦૦૯) જેવી પુસ્તિકાઓ આપી છે. તેમના સંપાદનોમાં 'રણછોડનાં પદો' (૧૯૭૩), કાશીસુત શેધજીકૃત 'રુક્મિણીહરણ' (૧૯૭૪), સારંગદાસના 'બારમાસ' (૧૯૭૬), નરભેરામકૃત 'અંબરીષનાં પદો' (૧૯૭૬)નો સમાવેશ થાય છે.[૧]

સન્માન[ફેરફાર કરો]

તેમના 'જય ભારત' બાળકાવ્યસંગ્રહને ૨૦૦૧માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ કુરકુટિયા, ઇતુભાઈ (November 2018). દેસાઈ, પારૂલ કંદર્પ (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (૧૯૩૬થી ૧૯૫૦): સ્વાતંત્ર્યોત્તર યુગ-૨. 8 (ખંડ ૨). અમદાવાદ: કે. એલ. સ્ટડી સેન્ટર, ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૩૧૫–૩૧૬. ISBN 978-81-939074-1-2.