બાઘ ગુફાઓ

વિકિપીડિયામાંથી
બાઘ ગુફાઓ

બાઘ ગુફાઓ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા ધાર જિલ્લાના કુક્ષી તાલુકામાં વિંધ્યાચળ પર્વતમાળામાં દુર્ગમ વિસ્તારમાં આવેલી છે. આ ગુફાઓ કુદરતી રચના નથી, પણ ભારતીય શિલ્પ સ્થાપ્ત્ય કલા મુજબ પથ્થર કોતરીને બનાવવામાં આવેલ છે. આ ગુફાઓ તેનાં ભીંતચિત્રો માટે પ્રખ્યાત છે. બૌદ્ધ ધર્મનો વિકાસ ક્રમ અહીંના વિસ્તારમાં મંદ પડતાં વાઘ આ ગુફાઓમાં રહેતા હોવાથી તેનું નામ બાઘ ગુફા પડ્યું છે. આ ગુફાઓ પ્રાચીન માનવામાં આવે છે, પરંતુ તેનો ચોક્કસ સમય આપવામાં આવ્યો નથી.

આ ગુફાઓના સમુહમાં કુલ ૯ (નવ) ગુફાઓ આવેલી છે. પહેલી ગુફા ગૃહ ગુફા કહેવાય છે. બીજી ગુફા પાંડવ ગુફા કહેવાય છે. આ ગુફા બધી જ ગુફાઓ કરતાં મોટી અને સુરક્ષિત પણ છે. બૌદ્ધ ભિક્ષુકોના રહેઠાણની વ્યવસ્થા ધરાવતી ત્રીજી ગુફાનું નામ હાથી ગુફા છે. પછીની ચોથી ગુફા રંગમહેલ છે અને પાંચમા નંબરે આવેલી ગુફા ભિક્ષુકોને પ્રવચન આપવા માટે છે. પાંચમી અને છઠ્ઠી ગુફા એકબીજાને મળેલી છે અને આ બન્ને ગુફાઓ વચ્ચે સભામંડપ આવેલ છે, જે ૪૬ ફૂટ જેટલી પહોળાઈ ધરાવે છે. આ ગુફાઓ રેતીલા પર્વતને કોતરીને બનાવવામાં આવેલી હોઈ અંદર કેટલીક જગાએ પાણીના ઝરા પણ જોવા મળે છે. ગુફાનો ગર્ભ ભાગ ખૂબ જ ઠંડકવાળો છે.

સાતમી, આઠમી અને નવમી ગુફાઓની સ્થિતિ જર્જરીત છે, જે માત્ર અવશેષરૂપે જ બચી છે.

ઈ. સ. ૧૯૫૩ના વર્ષમાં ભારત સરકારે આ સ્થળને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરી, તેની જવાબદારી પુરાતત્ત્વ વિભાગને સુપરત કરી છે.

આ સ્થળ ઈન્દૌરથી આશરે ૧૫૦ કિલોમીટર તેમ જ જિલ્લા મથક ધાર શહેરથી આશરે ૯૭ કિલોમીટર જેટલા અંતરે આવેલી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Coordinates: 22°19′21.63″N 74°48′22.36″E / 22.3226750°N 74.8062111°E / 22.3226750; 74.8062111