યોગેશ્વર

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
યોગેશ્વર
જન્મની વિગત૧૫-૦૮-૧૯૨૧
સરોડા (તા. ધોળકા), ગુજરાત
મૃત્યુની વિગત૧૮-૦૩-૧૯૮૪ (૬૨ વર્ષ)
મૃત્યુનું કારણહ્રદય રોગ
રહેઠાણઅસ્થાયી
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયસંત, યોગી, સાહિત્યકાર (કવિ, લેખક)
માતા-પિતાજડાવબેન-મણિલાલ ભટ્ટ
વેબસાઇટhttp://www.swargarohan.org/
હસ્તાક્ષર

યોગેશ્વરજી ગુજરાતમાં વીસમી સદીમાં થઇ ગયેલા યોગી, સંત અને સાહિત્યકાર હતા.[૧]તેમને ગુજરાતી ભાષામાં ૧૦૦ કરતા પણ વધુ ગ્રંથો અર્પણ કર્યા છે. સંન્યાસ કે રૂઢિગત ચાલી આવતી ભગવા વસ્ત્રોની પ્રણાલિકાને અનુસર્યા વગર તથા કોઈ દેહધારી ગુરૂની સહાયતા વિના કેવળ મા જગદંબા પર અપ્રતિમ શ્રદ્ધા રાખી, અધ્યાત્મ જગતના શિખરો સર કર્યા હતા.

જીવન[ફેરફાર કરો]

૧૫ ઓગસ્ટ, ૧૯૨૧ ના રોજ અમદાવાદના ધોળકા તાલુકાના સરોડા ગામે સાધારણ બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. યોગેશ્વરજીએ માત્ર નવ વર્ષની કુમળી વયે પિતાનું છત્ર ગુમાવ્યું હતું. એમને આગળ અભ્યાસ માટે મુંબઈની લેડી નોર્થકોટ ઓર્ફનેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોહમયી મુંબઈ નગરીના એમના નિવાસ દરમ્યાન પૂર્વના પ્રબળ આધ્યાત્મિક સંસ્કારોના સુપરિણામ સ્વરૂપે એમને મા જગદંબાના દર્શનની લગની લાગી. એકાંત શોધીને ધ્યાનસ્થ થવામાં કે પ્રકૃતિના ખોળે કલાકો સુધી 'મા' ના દર્શન માટે વિરહાતુર પોકારો પાડવામાં એમનો સમય વ્યતીત થવા લાગ્યો. જ્યારે દર્શન અને સંનિધિની ઝંખના અતિ પ્રબળ બની ત્યારે એમણે અભ્યાસનો ત્યાગ કરી ઉચ્ચ સાધના માટે હિમાલય જવાનો નિર્ણય લીધો. એ સમયે એમની વય માત્ર વીસ વરસની હતી.

ઋષિમુનિસેવિત અને પુરાણપ્રસિદ્ધ હિમાલયની ભૂમિમાં બે દાયકાથી વધુ નિવાસ કરી એમણે એકાંતિક સાધના દ્વારા પરમાત્માની અનુભૂતિ અને સિદ્ધિપ્રાપ્તિ કરી હતી. હિમાલયવાસ દરમ્યાન એમને મળેલા અનેકવિધ આધ્યાત્મિક અનુભવો, સિદ્ધ અને સમર્થ સંતોના દર્શન-સમાગમ તથા શાસ્ત્રાધ્યયને પરિણામે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમને પ્રાર્થના પર અતુટ વિશ્વાસ હતો. ગાંધીજીને આદર્શ માનતા હતા.

યોગેશ્વરજીમાં દેશપ્રેમ ઠસોઠસ ભરેલો હતો. આધ્યાત્મિક માર્ગે આગળ વધી દેશ માટે કંઈક કરી છૂટવાની તેમની મનીષા એમના અનેકવિધ સર્જનોમાં પેખી શકાય છે. આજીવન ખાદીના વસ્ત્રો ધારણ કરી સંસારમાં જળકમળવત્ રહેનાર આ વિરક્ત બ્રહ્મચારી મહાપુરુષે સાધનાકાળ દરમ્યાન અને એ પછી પોતાના જનનીને હંમેશા સાથે રાખ્યા. સાધુ-સંત-સંન્યાસીઓમાં તેઓ માતૃભક્ત મહાત્મા તરીકે પ્રસિદ્ધ હતા.

ગુજરાતના પ્રમુખ શહેરો ઉપરાંત અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા તથા ઝાંબિયાના વિવિધ શહેરના શ્રોતાઓને મળ્યું હતું. શ્રી યોગેશ્વરજી સર્વધર્મ સમભાવમાં માનતા હતા તથા નાત, જાત કે સંપ્રદાયના વાડાઓથી પર હતા. એથી જ એમને રામકૃષ્ણ મિશન, થિયોસોફિકલ સોસાયટી, સત્ય સાંઈ સેન્ટર, ડીવાઈન લાઈફ સેન્ટર વિગેરેમાં તથા જૈન, શીખ કે ખ્રિસ્તી ધર્મના ધર્મસ્થાનો કે સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં એકસમાન આદરથી આમંત્રિત કરવામાં આવતા હતા. ગુજરાત અને ગુજરાત બહારની કોલેજો, સ્કુલો તથા યુનિવર્સીટીમાં એમણે પોતાના અનુભવાત્મક જ્ઞાનનો પ્રસાદ વહેંચ્યો હતો. આજે વિશ્વભરમાં તેમનો બહોળો પ્રસંશક અનુયાયી વર્ગ છે.

તેમને નાનપણથી જ આધ્યાત્મિક સાધનાની ફલશ્રુતિ સ્વરૂપે ૧૯૪૪મા પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું. જે અંગે તેમણે પોતાની આત્મકથા પ્રકાશના પંથેમાં ઉલ્લેક કર્યો છે. છતાં ૩૩ વર્ષ સુધી તેમને આ માહિતી છુપાવી રાખ્યા બાદ તેઓ પોતે પૂર્વ જન્મમાં રામકૃષ્ણ પરમહંસ હોવાનું જાહેર કર્યું હતું.[૨]

૧૮ માર્ચ, ૧૯૮૪ ના રોજ તેમણે શ્રીમદ્ ભાગવત પર પ્રવચન કરતાં સ્થુલ દેહનો ત્યાગ કર્યો હતો.

સાહિત્ય[ફેરફાર કરો]

શાળાજીવન દરમ્યાન રોજનીશી લખવાની ટેવથી શરૂ થયેલી તેમની સાહિત્યયાત્રા ક્રમશઃ વિકાસ પામી સોથીયે વધુ ગ્રંથોના સર્જનનું નિમિત્ત બની. એમના બહુપ્રસિદ્ધ સર્જનોમાં તુલસીદાસના રામચરિતમાનસનો સમશ્લોકી પદ્યાનુવાદ; ગાંધીજીની જન્મશતાબ્દી નિમિત્તે એમને અંજલિ આપતા લખાયેલ મહાકાવ્ય 'ગાંધીગૌરવ'; ભગવદ્ ગીતા, ગોપીગીત, શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ વિગેરેનો સરળ સમશ્લોકી પદ્યાનુવાદ; અગિયારસો પૃષ્ઠોમાં વિસ્તરેલી એમની સુપ્રસિદ્ધ આત્મકથા 'પ્રકાશના પંથે'; રમણ મહર્ષિના જીવન અને કાર્યો પરનો બેનમુન ગ્રંથ; તથા મહાભારત, રામાયણ, ભાગવત, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, યોગસૂત્ર જેવા ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા અનેકવિધ ગ્રંથો પરની ટિપ્પણીનો સમાવેશ કરી શકાય. તેમની સિદ્ધ કલમે ગુજરાતી સાહિત્યને ચિંતનાત્મક લેખો, પ્રેરણાદાયી પત્રો, ભાવભરપૂર ભજનો, કમનીય કવિતાઓ, મધુરા બાળગીતો, અદભૂત ગદ્યકાવ્યો, સાધકોના પ્રશ્નોનું સમાધાન કરતી આધ્યાત્મિક પ્રશ્નોત્તરીઓ, સંતપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો, વાર્તાસંગ્રહો, નવલકથાઓ તથા નવલિકાઓ પણ પ્રદાન કરી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. 'પ્રકાશના પંથે, યોગેશ્વરજીની આત્મકથા, પ્રકાશક:-પોતે, પ્રાપ્ય સ્થાન:- સ્વર્ગારોહણ, દાંતા રોડ, અંબાજી
  2. આધ્યાત્મ માસિક, અંક-૧, પૃષ્ઠ-૧૦,૧૧, વર્ષ-૧૯૭૯,લેખના લેખક- સ્વામી બ્રહ્મસ્વરૂપજી

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]