લક્ષ્મણ નાયક
લક્ષ્મણ નાયક | |
---|---|
જન્મની વિગત | ટેન્ટુલિગુમા, મદ્રાસ પ્રેસિડેન્સી(વર્તમાન કોરાપુટ જિલ્લાનો બોઇપરીગુડા બ્લોક), ઑડિશા | 22 November 1899
મૃત્યુ | 29 March 1943 બરહામપુર જેલ, ઑડિશા, ભારત | (ઉંમર 43)
લક્ષ્મણ નાયક (૨૨ નવેમ્બર ૧૮૯૯ – ૨૯ માર્ચ ૧૯૪૩) પૂર્વ ભારતમાં દક્ષિણ ઓડિશાના આદિવાસી નાગરિક અધિકાર કાર્યકર્તા હતા. તેઓ ઓડિશાની ભૂમિયા જનજાતિના હતા.[૧]
નાયક, ઓડિશાના દક્ષિણી ભાગના કોરાપુટના ઓડિયા લોક-નાયક અને તેના આદિવાસીઓમાં એક સંપ્રદાયની વ્યક્તિ હતા. તેમનો જન્મ કોરાપુટ જિલ્લાના ટેન્ટુલિગુમા ગામમાં થયો હતો અને તેમના પિતા પદલમ નાયક આદિવાસી વડા હતા અને તત્કાલીન મદ્રાસ પ્રેસિડેન્સીમાં 'જેપોર સંસ્થાનમ' હેઠળ 'મુસ્તદાર' હતા.
સ્થાનિક વહીવટ બ્રિટિશ સરકારની પેટાકંપની તરીકે કામ કરતું હતું. તેમના વહીવટ હેઠળના મહેસૂલી અધિકારીઓ, વન માર્ગદર્શકો (ગાઈડ) અને પોલીસ કોન્સ્ટેબલો દ્વારા આદિવાસીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું અને તેમને ત્રાસ આપવામાં આવતો હતો. નાયકે જેપોર સંસ્થાનમના અધિકારીઓ દ્વારા કરવામાં આવતા શોષણ સામે બળવાખોરોને સફળતાપૂર્વક સંગઠિત કર્યા હતા. આનાથી તેમને સંભવિત આદિવાસી નેતા તરીકેની ઓળખ મળી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે નાયકને તેમના દળમાં સમાવિષ્ટ કરી લીધા હતા. કોંગ્રેસના કાર્યકરો માટેના નૌપુરી તાલીમ કેન્દ્રમાં તેમની તાલીમ દરમિયાન, નાયકને કેટલાક ઝોનલ અને રાજ્ય સ્તરના નેતાઓને મળવાની અને તેમની સાથે વાતચીત કરવાની તક મળી હતી, જેના કારણે તેઓ તેમની ક્ષિતિજો વિસ્તૃત કરી શક્યા હતા. તેમની તાલીમે તેમનામાં રાષ્ટ્રવાદની ભાવના જગાવી અને સત્ય, અહિંસા અને અંગ્રેજ સરકાર સાથે શાંતિપૂર્ણ અસહકારના ગાંધીવાદી સિદ્ધાંતો સાથે તેમને પ્રેરિત કર્યા. પ્રૌઢ શિક્ષણ અને પોતાના વિસ્તારના દરેક આદિવાસી કુટુંબને મદ્યપાનથી દૂર રહેવાનો સંદેશો આપવાની સાથે તેમણે ચરખાના ઉપયોગથી ગ્રામ્ય પરિદૃશ્યમાં સંપૂર્ણ પરિવર્તન આણ્યું હતું. ૧૯૩૬માં પ્રથમ વખત યોજાયેલી ચૂંટણી દરમિયાન તેઓ કોરાપુટ સબ-ડિવિઝનમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનના નેતા બન્યા હતા.
મહાત્મા ગાંધીના આહવાનનો પ્રતિસાદ આપતા નાયકે ૨૧ ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ શોભાયાત્રાનું નેતૃત્વ કર્યું હતું અને મથિલી પોલીસ સ્ટેશન સામે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું હતું. જોકે પોલીસે પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ચાલીસ લોકો માર્યા ગયા હતા અને બસોથી વધુ લોકો ઘાયલ થયા હતા. વહીવટીતંત્રે નાયકને મિત્રની હત્યાના કેસમાં દોષી ઠેરવ્યા હતા અને ૧૩ નવેમ્બર ૧૯૪૨ના રોજ નાયકને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.[૨] તેમને ૨૯ માર્ચ ૧૯૪૩ના રોજ બરહામપુર જેલમાં ફાંસી આપવામાં આવી હતી.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://odisha.gov.in/e-magazine/Orissareview/Aug2006/engpdf/28-30.pdf
- ↑ "Ministry of Culture releases the third Comic book on stories of 20 Tribal Freedom Fighters". pib.gov.in. મેળવેલ 2022-08-05.
- ↑ Laxman Naik - The Immortal Martyr of Quit India Movement સંગ્રહિત ૧૦ એપ્રિલ ૨૦૦૯ ના રોજ વેબેક મશિન Govt. of Odisha, e-magazine.