લખાણ પર જાઓ

લલિતાદુઃખદર્શક

વિકિપીડિયામાંથી

લલિતાદુઃખદર્શકરણછોડભાઈ ઉદયરામ દવે કૃત ગુજરાતી નાટક છે જે ૧૮૬૬માં પ્રકાશિત થયું હતું. ગુજરાતી ભાષાનું આ પહેલું કરુણાંત નાટક છે.

ઈતિહાસ

[ફેરફાર કરો]

ભવાઇમાં આવતા કજોડાના વેશની બીભત્સતા જોઈ આઘાત પામેલા રણછોડભાઈ ઉદયરામ દવેએ ગુજરાતી રંગભૂમિને નૂતન સંસ્કરણ આપવા આ પાંચ-અંકી નાટક ૧૮૬૬માં રચીને પ્રગટ કર્યું હતું. લલિતાદુઃખદર્શક એ ગુજરાતી ભાષાનું પહેલું કરુણાંત નાટક છે.[]

પાત્રો

[ફેરફાર કરો]

નાટકના મુખ્ય પાત્રો આ પ્રમાણે છે:[]

  • જીવરાજ – ચંપાનગરીનો ધનાઢ્ય વ્યાપારી
  • કમળા – જીવરાજની પત્ની
  • લલિતા – જીવરાજની પુત્રી અને નંદનકુમારની પત્ની
  • દંભરાજ – સ્નેહપુરનો કુલીન વ્યાપારી
  • કર્કશા – દંભરાજની પત્ની
  • કજિયાબાઈ – દંભરાજની પુત્રી
  • નંદનકુમાર – દંભરાજનો પુત્ર અને લલિતાનો પતિ
  • છળદાસ – નંદનકુમારનો મિત્ર
  • કુભાન્ડી – છળદાસનો હેરક
  • પ્રિયંવદા – એક ગણિકા
  • પંથીરામ – લલિતાનો બ્રાહ્મણ
  • પૂરણમલ – એક જમાદાર અને છળદસનો મિત્ર

કથાવસ્તુ

[ફેરફાર કરો]

જીવરાજ નામના ધનિકની પુત્રી લલિતાનાં લગ્ન દંભરાજના કુળવાન પણ મૂર્ખ અને દુરાચારી પુત્ર નંદનકુમાર સાથે થયાં છે. તેને ત્યાં લલિતા આવતાં જ તેની માતા અને બહેન તરફથી ત્રાસ શરૂ થાય છે. પહેલી જ રાત્રે નંદનકુમાર લલિતાને માર મારી ઘરેણાં લઈ લે છે. પછી છળદાસની પેરવીથી લલિતાને બેભાન કરી રાતોરાત પ્રિયંવદાને ત્યાં નંદનકુમાર લઈ જાય છે. રસ્તામાં પૂરણમલ નંદન તથા છળદાસને મારી નાખે છે. લલિતા તેના સકંજામાં રહે છે. પંથીમલ તેને બચાવવા જાય છે પણ મૃત્યુ પામે છે. શિકારી પૂરણમલને મારી નાખે છે અને લલિતાને લઈ જાય છે. શિકારીને વાઘ મારી નાખતાં લલિતા ગણિકાના પંજામાં આવે છે; ત્યાંથી નાસી છૂટતાં લલિતા કુભાંડીના પંજામાં આવે છે. છેવટે લલિતા તેના માબાપને મળે છે ત્યારે તેને ભૂત ગણીને માર મારવામાં આવે છે. પછી ઓળખાણ પડતાં લલિતા ગ્રામવાસીઓને પોતાની કથની કહે છે ને મરણ પામે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ભોજક, દિનકર (૨૦૦૪). "લલિતાદુઃખદર્શક નાટક". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૮ (રિ – લૂ) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૦૫. OCLC 162213119.
  2. દવે, રણછોડભાઈ ઉદયરામ. લલિતાદુઃખદર્શક (છઠ્ઠી આવૃત્તિ). મુંબઈ: સુબોધપ્રકાશ પ્રેસ. પૃષ્ઠ ૪.
  3. ઠાકર, ધીરુભાઈ (૨૦૦૮). અભિનેય નાટકો (૩૬૦ ગુજરાતી નાટકોની રંગસૂચિ) (બીજી આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૪૪–૧૪૫. OCLC 945585883.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]