લખાણ પર જાઓ

વાડીલાલ ડગલી

વિકિપીડિયામાંથી
વાડીલાલ ડગલી
જન્મવાડીલાલ જેચંદ ડગલી
(1926-11-20)20 November 1926
રોજિદ, ધંધુકા, ગુજરાત
મૃત્યુ6 December 1985(1985-12-06) (ઉંમર 59)
મુંબઈ
વ્યવસાયકવિ, નિબંધકાર, અર્થશાસ્ત્રી, પત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ.
માતૃ શિક્ષણ સંસ્થાયુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલે
નોંધપાત્ર સર્જનોશિયાળાની સવારનો તડકો (૧૯૭૫)
નોંધપાત્ર પુરસ્કારોનર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૭૫)
જીવનસાથીઈન્દિરા
સંતાનોડૉ. સિદ્ધાર્થ વી. ડગલી (એમડી), રેખા, મીરા

વાડીલાલ જેચંદ ડગલી (૨૦-૧૧-૧૯૨૬, ૬-૧૨-૧૯૮૫) નિબંધકાર, પત્રકાર, કવિ. જન્મ ધંધુકા તાલુકાના રોજિદ ગામે. પ્રાથમિક શિક્ષણ વેરાવળમાં, માધ્યમિક શિક્ષણ ચી. ન. વિદ્યાવિહાર, અમદાવાદમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮માં બી.એ. એ જ વર્ષે વધુ અભ્યાસ માટે અમેરિકા. અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાંથી ‘આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપાર’ વિષયમાં એમ.એ. ૧૯૫૧ માં ભારત આવી પી.ટી.આઈ.માં જોડાયા. ત્યારબાદ ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ ના ફાઈનેન્શિયલ ઍડિટર. ૧૯૬૩માં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની મુંબઈ ખાતેની હેડ ઑફિસમાં ચીફ ઑફિસર. ૧૯૫૭માં આર્થિક સાપ્તાહિક ‘કૉમર્સ’ ના તંત્રીપદે. દેશના અગ્રગ્રણ્ય અર્થશાસ્ત્રીઓમાંના એક. પંડિત સુખલાલજીના પ્રીતિભાજન. સામાન્ય જનકેળવણી માટે પરિચયપુસ્તિકાઓ પ્રગટ કરતા ‘પરિચય ટ્રસ્ટ’ ના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી. અમેરિકા અને યુરોપના દેશોની એક કરતાં વધુવાર મુલાકાત. નર્મદચન્દ્રકવિજેતા. મુંબઈમાં અવસાન.

આ લેખકનું નિબંધ ક્ષેત્રે વિશેષ પ્રદાન છે. ‘શિયાળાની સવારનો તડકો’ (૧૯૭૫) ના છત્રીસ અંગત નિબંધોમાં એમણે જાતજાતના દેશવિદેશના અનુભવો ખપમાં લઈ આત્મીયતાના સંસ્પર્શ સાથે વિચારતરેહો નિપજાવી છે. મનની ઉઘાડી બારીનું એમાં સ્પષ્ટ પ્રતિબિંબ ઝિલાયું છે. એમાં ઠીકઠીક આત્મકથાત્મક સામગ્રી પણ પડેલી છે. પોતાના અને જગતના નિરીક્ષણની સતત સભાનતા છતાં ભાષાની રોજિંદી લહેકોને કારણે એમના નિબંધોમાં તાજગી છે. ‘રંકનું આયોજન’ (૧૯૮૦)માં આર્થિક શાસ્ત્રીય નિબંધો છે. જટિલ આર્થિક સમસ્યાઓને એમાં સરલ રીતે રજૂ કરાયેલી છે. ‘કવિતા ભણી’ (૧૯૮૨)માં એમણે સાહિત્યિક નિબંધો આપ્યા છે. સાહિત્યની નેમ મનુષ્ય ભણી છે એવા સમુદાર દ્રષ્ટિકોણ સામે એમણે શાસ્ત્રીય કે વિદગ્ધ બન્યા વગર ઉષ્માપૂર્ણ અને રુચિપૂર્ણ વિવેચન અને કાવ્યાસ્વાદો આપ્યાં છે. ‘થોડા નોખા જીવ’ (૧૯૮૫)માં સંગ્રહાયેલા ચરિત્રનિબંધોમાં પંડિત સુખલાલજી, સ્વામી આનંદ, એચ. એમ. પટેલથી માંડીને ચર્ચિલ, સોલ્ઝેનિત્સિન, ચાર્લી ચેપ્લીન વગેરેના માર્મિક આલેખો છે. આ સર્વમાં ચરિત્રનાયક પરત્વેની પ્રીતિ સર્વસામાન્ય રીતે ઉપર તરી આવે છે.

‘સહજ’ (૧૯૭૬) એમનો, સાહિત્યપ્રીતિ ધરાવતા સહૃદયનો કાવ્યસંગ્રહ છે. એમાંની છાંદસ-અછાંદસ મળીને કુલ અડસઠ રચનાઓમાં ‘માંહ્યલાની મુસાફરી’ છે અને ‘સચ્ચાઈની શોધ’ પણ છે. ક્યાંક સહજ લયસૂઝ પ્રગટ થઈ છે, ક્યાંક કલ્પનનિષ્ઠ ભાષાની સ્વાભાવિકતા જોવાય છે.

આ ઉપરાંત ‘સૂનાં સુકાન’ (૧૯૫૪) યશવંત દોશી સાથે લખેલી એમની નવલકથા છે. યશવંત દોશી સાથે કે. એ. અબ્બાસના પુસ્તક ‘એન્ડ વન ડિડ નોટ કમ બૅક’ નો અનુવાદ ‘ડૉ. કોટનીસ’ (૧૯૪૯) નામે આપ્યો છે. ‘સૌનો લાડકવાયો’ (૧૯૪૭) યશવંત દોશી સાથે એમણે કરેલું ઝવેરચંદ મેઘાણી સમૃતિગ્રંથનું સંપાદન છે. એમના નામે ‘એઝરા પાઉન્ડ’, ‘સોલ્ઝેનિત્સિન’, ‘પંડિત સુખલાલજી’ વગેરે કુલ વીસેક પરિચયપુસ્તિકાઓ છે.

અંગ્રેજી માં બાર જેટલાં પુસ્તકો એમણે સંપાદિત કર્યા છે; અને ૧૯૬૭ થી આરંભી છેક સુધી ‘કૉમર્સ’ સાપ્તાહિકમાં ‘ઍડિટર્સ નોટબુક’ કૉલમમાં સતત વ્યક્તિઓ અને ઘટનાઓ પરત્વેનાં લખાણોમાં માર્મિક પ્રતિક્રિયાઓ દર્શાવી છે.

શિયાળાની સવારનો તડકો (૧૯૭૫) : વાડીલાલ ડગલીનો અંગત નિબંધોનો સંગ્રહ. લેખકના અંગત જીવનની ઘણી હકીકતો અહીં વણાઈ ગઈ છે એ સાચું, પણ પોતાના અંગત જીવનને ખોલવું એ લેખકનો ઉદ્દેશ નથી. વાસ્તવમાં આ હકીકતો લેખકના મનમાં જે વિચારસંક્રમણ ચાલે છે તેને વ્યક્ત કરવાનું આલંબન બને છે; એટલે આપણે લેખકના ભાવવિશ્વથી ઓછાં, વિચારવિશ્વથી ઝાઝાં પરિચિત થઈએ છીએ. માતાપિતાના સંતાનો સાથેના સંબંધથી માંડી સંસ્કૃતિ, ધર્મ, સંસ્થાકીય નીતિરીતિઓ, વૈયક્તિક જીવનની ટેવો ઇત્યાદિ ઘણા વિષયો પરના લેખકના મૌલિક, પ્રેરક, ક્યારેક ઉત્તેજક ને છતાં વ્યવહારુ વિચારો જાણવા મળે છે. સમાજ અને રાષ્ટ્ર માટે ઊંડો પ્રેમ, મૂલ્યોના જતનની ચિંતા, નિર્ભીકતા અને નિખાલસતા એ લેખકના વૈચારિક ગુણો આ નિબંધોમાંથી પ્રગટ થાય છે. ‘ત્યાગની ટોપી’, ‘બાળકો માટે સમય ક્યાં છે ?’, ‘શિયાળાની સવારનો તડકો’, ‘આધ્યાત્મિકતાની શેખી’, ‘તાણનું સંગીત’, ‘મોંઘી સાદગી’, ‘હા-નો ભય’, ‘ના કહેવાની કળા’ ઇત્યાદિ લેખો આંના દ્રષ્ટાંત છે. સૂત્રાનત્મક ગદ્ય વિચારોની સચોટ અભિવ્યક્તિ અર્થે અહીં ઉપકારક નીવડ્યું છે.

થોડા નોખા જીવ (૧૯૮૫) : વાડીલાલ ડગલીનો સચિત્ર ચરિત્ર નિબંધોનો સંગ્રહ. અહીં દાદાસાહેબ માવળંકર, પ્રો. ત્રિભુવનદાસ ગજ્જર, ગગનવિહારી મહેતા, સ્વામી આનંદ, એચ. એમ. પટેલ અને પંડિત સુખલાલજી જેવા ભારતીય તેમ જ થોમસ માન, ચાર્લી ચેપ્લિન, વિન્સ્ટન ચર્ચિલ, સોલ્ઝેનિત્સન, ફ્રેન્ક મોરાઈસ અને ટીટો જેવા વિદેશી મહાનુભાવોનાં ચરિત્રો સંગૃહીત છે. વ્યક્તિના જીવનપ્રસંગોનું પ્રેરણામૂલક નિરૂપણ અને સમગ્રતયા થતું ચરિત્રસંકીર્તન એ આ સંગ્રહની ધ્યાન ખેંચતી લાક્ષણિકતા છે.

સન્માન

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્ય પરિષદ પર પરિચય