વિકિપીડિયા:વિશ્વસનીય સ્રોતો ઓળખવા

વિકિપીડિયામાંથી

વિકિપીડિયાનો લેખ વિશ્વાસપાત્ર, પ્રકાશિત સ્રોતો પર આધારીત જ હોવો જોઈએ, એ સ્રોત પર ઉપલબ્ધ એવા બધા બહુમતી અને નોંધપાત્ર લઘુમતી મંતવ્યો નો સમાવેશ થઈ ગયાની ખાત્રી કરો (જુઓ વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ). જે વિષય પર વિશ્વાસપાત્ર સ્રોતો મળી શકતા ન હોય, તે વિષયનો લેખ વિકિપીડિયા પર હોવો જોઈએ નહિ.

આ પાના પરની માર્ગદર્શિકા વિવિધ પ્રકારના સ્રોતોની વિશ્વસનીયતા પર ચર્ચા કરે છે. વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા એ સ્રોતો માટેની નીતિ છે. કોઈપણ વિગત, જે સત્યતા બાબતે પડકારાઈ હોય કે પડકારી શકાય તેમ હોય, તથા દરેક અવતરણો માટે, વાક્યમાં જ સંદર્ભો આપવાની જરૂર પડે છે. આ નીતિ મુખ્યત્વે મુખ્ય સામગ્રીના તમામ લેખો માટે લાગુ પડે છે - લેખો, યાદીઓ, અને લેખોના વિભાગો - અપવાદ વગર, અને ખાસ કરીને જીવંત વ્યક્તિઓના જીવનચરિત્રો માટે, જે જણાવે છે:

જીવંત (અથવા, કેટલાક કિસ્સાઓમાં, તાજેતરમાં મૃત) વ્યક્તિ વિશેની વિવાદાસ્પદ વિગતો જે સંદર્ભરહિત કે નબળા સંદર્ભવાળી હોય – ભલે તે વિગત નકારાત્મક, હકારાત્મક, નિષ્પક્ષ, કે પ્રશ્નાર્થ હોય – કોઈપણ જાતની ચર્ચાની રાહ જોયા વગર તુરંત હટાવવી.

આ માર્ગદર્શિકા અને સંદર્ભો અને આરોપણ સંબંધિત અમારી નીતિઓ વચ્ચે વિરોધાભાસની ઘટનામાં, નીતિઓને અગ્રતા આપી અને સંપાદકોએ ફરિયાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સ્રોતો સંબંધિત અન્ય નીતિઓ પ્રારંભિક સંશોધન નહીં અને જીવંત વ્યક્તિઓનું જીવન ચરિત્ર છે. વિશિષ્ટ સ્રોતની વિશ્વસનીયતા વિશેનાં પ્રશ્નો માટે, પ્રબંધકોના સૂચનપટ પર કે એમના ચર્ચાના પાના પર, લખી શકો છો.(હાલ અહીં અલગ સૂચનપટ રાખ્યું નથી)

વિહંગાવલોકન

વર્ણપટ દ્વારા સ્રોત વિશ્વસનીયતાની સમજ: અત્યંત વિશ્વસનીય સ્રોતો, સ્પષ્ટપણે અવિશ્વસનીય સ્રોતો, અને આ બન્નેની વચ્ચેના બહુ બધા સ્રોતો. સંપાદકે વપરાશ યોગ્ય અને અવિશ્વસનીય સ્રોતો વચ્ચે નિર્ણયપૂર્વક સીમારેખા દોરવી જરૂરી હોય છે.

લેખ હંમેશા વિશ્વસનીય, ત્રાહિત, સત્યતા-ચકાસણી અને ચોક્કસાઈ માટે આદરપાત્ર ગણાતા પ્રસિદ્ધ સ્રોતો પર આધારીત હોવો જોઈએ. આનો અર્થ એ છે કે આપણે માત્ર વિશ્વસનીય લેખકોના મંતવ્યો પ્રકાશિત કરીએ છીએ, નહિ કે વિકીપિડીયનના મંતવ્યો કે જેમણે પોતાને માટે પ્રાથમિક સ્ત્રોત સામગ્રી વાંચી અને સમજાવી છે. નીચે આપેલા ઉદાહરણોમાં માત્ર આવશ્યક પ્રકારોના વિશ્વસનીય સ્રોતો અને સ્રોત વિશ્વસનીયતાના કેટલાક મુદ્દાઓને આવરી લેવાયા છે, તે સંપૂર્ણ મુદ્દાઓ નથી જ. યોગ્ય સ્રોતો હંમેશા પૂર્વાપર સંબંધ પર આધાર રાખે છે; સામાન્ય બુદ્ધી અને સંપાદકીય નિર્ણયો આ પ્રક્રિયાના અનિવાર્ય ભાગ છે.

સ્રોતની વ્યાખ્યા

શબ્દ "સ્ત્રોત" જ્યારે વિકિપીડિયા પર સંદર્ભરૂપે ટાંકવાના હોય ત્યારે ત્રણ સંબંધિત અર્થો ધરાવે છે:

  • સ્વયં કૃતિ કે રચનાનો ભાગ (લેખ, પુસ્તક)
  • રચનાકાર (લેખક, પત્રકાર)
  • રચનાનો પ્રકાશક (ઉદાહરણ તરીકે, અબક પ્રકાશન કે કખગ વિશ્વવિદ્યાલય મુદ્રણાલય વ.)

આ ત્રણમાંથી કોઈ પણ વિશ્વસનીયતાને અસર કરી શકે છે. વિશ્વસનીય સૂત્રો વિશ્વસનીય પ્રકાશન પ્રક્રિયા સાથે સામગ્રી પ્રકાશિત કરી શકે છે, લેખકો કે જેઓ આ વિષયના સંબંધમાં અધિકૃત ગણવામાં આવે છે, અથવા બંને. આ લાયકાત અન્ય લોકો માટે સ્પષ્ટ હોવી જોઈએ.

પ્રકાશિતની વ્યાખ્યા

શબ્દ પ્રકાશિત સામાન્ય રીતે લેખીત સામગ્રી, છપાયેલા કે ઓનલાઈન સ્વરૂપમાં, સાથે સંકળાયેલ છે. જો કે, દૃશ્ય, શ્રાવ્ય અને મલ્ટિમિડીયા સામગ્રીઓ જે રેકોર્ડ કરવામાં આવી હોય અને પછી કોઈ પ્રતિષ્ઠિત પક્ષ દ્વારા પ્રસારિત, વિતરણ અથવા સંગ્રહ કરવામાં આવી હોય, તે પણ વિશ્વસનીય સ્ત્રોત તરીકેના જરૂરી માપદંડને પૂરી કરી શકે છે. લેખીત સ્રોતોની જેમ જ, દૃશ્ય-શ્રાવ્ય સ્રોતો પણ વિશ્વસનીય ત્રાહિત પક્ષ દ્વારા પ્રકાશિત થયેલા અને યોગ્ય રીતે ટંકાયેલા હોવા જોઈએ. વધારામાં, જે તે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમની એક નકલ કોઈપણ ઠેકાણે સંગ્રહમાં અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ, જો કે એ સંગ્રહિત નકલ ઈન્ટરનેટની પહોંચમાં જ હોય એ જરૂરી નથી.

સંદર્ભ બાબતો

સ્રોતની વિશ્વસનીયતા સંદર્ભ પર આધારિત છે. દરેક સ્રોતનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ કે તે વિવાદાસ્પદ લેખમાં ઉલ્લેખવા માટે વિશ્વસનીય છે કે નહીં અને તે સામગ્રી માટે યોગ્ય સ્રોત છે કે નહીં. સામાન્ય રીતે, જ્યાં સત્યતા ચકાસણી, કાનૂની મુદ્દાઓનું વિશ્લેષણ અને લખાણની તપાસમાં જેમ વધુ લોકો સંકળાયેલા હોય તેમ તે પ્રકાશન વધુ વિશ્વસનીય ગણાય. કોઈ અન્યથા વિશ્વસનીય સ્રોત દ્વારા પસાર કરવામાં આવેલી માહિતી કે જે પ્રકાશનના મુખ્ય વિષયો સાથે સંબંધિત નથી તે વિશ્વસનીય હોઈ શકતી નથી; સંપાદકોએ જ્યાં શક્ય હોય ત્યાં હાથ પરના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરનારા સ્રોતોનો ઉલ્લેખ કરવો જોઈએ. સ્ત્રોતો વિકિપીડિયાના લેખમાં માહિતી જે રીતે રજૂ થઈ છે તે રીતની જ હોવાને સીધું સમર્થન આપતા હોવા જોઈએ.

નવા-જૂના બાબતો

ખાસ કરીને વૈજ્ઞાનિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં, જૂના સ્રોતો અચોક્કસ હોઈ શકે છે કારણ કે નવી માહિતી પ્રકાશમાં લાવવામાં આવી હોઈ શકે છે, નવા સિદ્ધાંતો સૂચિત કરવામાં આવ્યા હોઈ શકે છે અથવા શબ્દભંડોળ બદલવામાં આવ્યું હોઈ શકે છે. રાજકારણ અથવા ફેશન, કાયદા અથવા વલણો જેવા ક્ષેત્રોમાં જૂના દાવાઓ ખોટા હોઈ શકે છે. જૂના સ્ત્રોતોને કદાચ સ્થાનાંતરિત તો કરવામાં આવ્યા નથી ને તે બાબતની ચકાસણી દ્વારા ખાતરી કરો, ખાસ કરીને જો તે વિષયમાં છેલ્લા થોડાક વર્ષોમાં નવી શોધ અથવા વિકાસ થયો હોય તો. ખાસ કરીને, દવાઓ વિષયક ઉલ્લેખોમાં એકદમ નવા કે તાજા સ્રોત ટાંકવાની ભલામણ કરવામાં આવે છે.

ઘણી વખત, કેટલાંક સ્રોતો સંદર્ભ તરીકે ટાંકવા માટે વધુ પડતા નવા હોય છે, જેમ કે તાજા સમાચાર (બ્રેકિંગ ન્યુઝ) (જ્યાં એ પછીના અહેવાલો વધુ સચોટ હોઈ શકે છે), અને લાંબા સમયથી રુઢ માન્યતાઓને ખોટી ઠેરવતા પ્રાથમિક સ્રોતો અથવા નવી શોધો (આવા કિસ્સાઓમાં નવી શોધ પદ્ધતિ માન્ય હોવાનું ફલિત થાય કે અપાયેલો વિચાર યોગ્ય ઠરાવાય તેવા વધુ અભ્યાસની રાહ જોવી જોઈએ.)

ઐતિહાસિક ઘટનાઓના સંદર્ભમાં, જૂના અહેવાલો (ઘટનાની નજીકના, પરંતુ જે તે સમયે તે "તાજા સમાચાર" હોવાની ક્ષતિ ધરાવતા હોય એટલાં બધાં નજીકનાં નહીં) માં મોટાભાગની વિગતો હોય છે, અને વારંવાર નકલ અને સારાંશ દ્વારા થતી ભૂલોની શક્યતા (પાઠાંતર ભેદ) તેમાં ઓછી હોય છે. જો કે, નવા દ્વિતિય શ્રેણીનાં અને ત્રાહિત સ્રોતો પ્રાથમિક સ્રોતોમાંથી વધુ માહિતીઓ એકઠ્ઠી કરી અને તકરારનું નિરાકરણ લાવવાનું ઉત્તમ કામ કરી શકે છે, આધુનિક જ્ઞાનની મદદથી બાબતને સાચી રીતે વર્ણવી શકે છે જે કદાચ જૂના સ્રોતો કરી શકતા નથી, અથવા તો સ્રોતોનાં લખાણ સમયનાં વિરોધાભાસો કે પૂર્વગ્રહોથી અલિપ્ત હોઈ શકે છે.

નવા કે જૂના, કોઈપણ સ્ત્રોતો સાંપ્રત લોકો માટે સંવેદનશીલ હોઇ શકે છે, અને સાવચેતીપૂર્ણ સંપાદન દ્વારા તેને સંતુલિત કરવાની જરૂરી હોય છે.