વિઠ્ઠલભાઈ હવેલી
વિઠ્ઠલભાઈ હવેલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વસો ખાતે આવેલી હવેલી છે.[૧] તેનું નિર્માણ ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં કરવામાં આવ્યું હતું.[૨] તેમાં સુંદર નક્કાશીદાર કાષ્ઠ સ્તંભો, બારસાખ, મોભ,[upper-alpha ૧] છત અને દરવાજાઓ સાથે ચાર માળ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]હવેલી એ રાજ્યના ૧૯મી સદીના ઉત્તરાર્ધના નાગરિક સ્થાપત્યનું ઉદાહરણ છે.[૨][૧] તેનું નિર્માણ ૧૮૭૨માં કરવામાં આવ્યું હતું.[૩] ૧૯૯૯ થી ૨૦૦૧ દરમિયાન હવેલીનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.[૨][૪]
તે રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-142) છે.
વાસ્તુકલા
[ફેરફાર કરો]હવેલી એક ચોરસ પડથાર પર બાંધેલું એક વિશાળ ભવ્ય મકાન છે. તે ચાર માળની ઇમારત છે જે કાષ્ઠસ્તંભો અને મોભથી બનેલી છે, જેની વચ્ચેની જગ્યાઓ ઇંટોથી ભરેલી છે અને દિવાલો બનાવવા માટે ચૂનાથી પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. લાકડાના દરવાજા, બારીઓ અને છજાની સાથેના લાકડાને બારીક રીતે કોતરવામાં આવ્યા છે. મુખ્ય પ્રવેશદ્વાર, તેના ઝરૂખા અને થાંભલીઓ સાથેનો શેરી તરફનો અગ્રભાગ ખૂબ જ આકર્ષક રીતે કોતરવામાં આવ્યો છે. મુખ્ય પ્રવેશદ્વારની મધ્યમાં ગણેશ કોતરવામાં આવેલ છે. હવેલીનું ખુલ્લું મધ્ય પ્રાંગણ વરંડાની થાંભલીઓથી ઘેરાયેલું છે. આંગણામાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકી છે. ભોંયતળિયે બે મોટી પરસાળ અને વિવિધ કદના તેર ઓરડાઓ છે. આંતરિક થાંભલાઓ પથ્થરના પાયા ધરાવે છે તથા કાષ્ઠ સ્તંભશિખરો અને ટેકણખાંભીઓ પર ફૂલો અને ભૌમિતિક આકારોની બારીક કોતરણી કરવામાં આવી છે. ભોંયતળિયાની જાળીવાળી બારીઓના ચોકઠા વિવિધ ભાતથી કોતરેલા છે જેમાં કૃષ્ણ અને વિષ્ણુ સહિત વિવિધ હિન્દુ દેવતાઓના ચિત્રો છે.[૧]
પ્રથમ માળે આવેલા મુખ્ય ખંડમાં સારી રીતે શણગારેલી લાકડાની છત છે. પ્રથમ માળે આવેલા અન્ય ઓરડાઓમાં ફૂલો, ભૌમિતિક આકારો અને અન્ય વૈવિધ્યપૂર્ણ ભાતવાળી છત છે. બીજા માળના મુખ્ય ખંડની છત ફૂલોની ભાતથી પ્રચુર રીતે કોતરવામાં આવી છે જેમાં હાથીદાંતનું જડતર કરેલ છે. આ પ્રથમ અને દ્વિતીય માળના ઝરૂખાને પ્રાણીઓના આકારમાં કોતરવામાં આવેલી કાષ્ઠટેકણો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. સૌથી ઉપરનો માળ દક્ષિણ સિવાયની ત્રણે બાજુએ ખુલ્લો છે. આ માળ પરના ઓરડાઓમાં સુશોભિત કમાનો અને ખૂણિયાઓ સાથેનો અગ્રખંડ છે. હીંચકા માટે સુંદર રીતે કોતરવામાં આવેલા કડાં છે.[૧]
નોંધ
[ફેરફાર કરો]- ↑ ઇમારતની છતને ટેકો આપવા માટે ઉપયોગમાં લેવાતો ચોરસ લાકડા અથવા ધાતુનો લાંબો, મજબૂત ટુકડો
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Mitra, Debala, સંપાદક (1984). "VIII. Architectural Survey" (PDF). Indian Archaeology 1981-82 - A Review. New Delhi: Archaeological Survey of India: 111–113.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "VIII. Preservation of Monument" (PDF). Indian Archaeology 2000-01 - A Review. New Delhi: Archaeological Survey of India: 295. 2006.
- ↑ "An Indian craftsman walks through the Vitthalbhai Ni Haveli in Vaso..." Getty Images (અંગ્રેજીમાં). મેળવેલ 2022-06-03.
- ↑ "VIII. Preservation of Monument" (PDF). Indian Archaeology 1999-2000 - A Review. New Delhi: Archaeological Survey of India: 340. 2005.