વિલિયમ હેઝલિટ
વિલિયમ હેઝલિટ | |
---|---|
૧૮૦૨ની આસપાસનું આત્મચિત્ર | |
જન્મ | મેડસ્ટોન, કેન્ટ, ઇંગ્લેન્ડ | 10 April 1778
મૃત્યુ | 18 September 1830 સોહો, લંડન, ઇંગ્લેન્ડ | (ઉંમર 52)
વ્યવસાય | નિબંધકાર, વિવેચક, ચિત્રકાર, તત્ત્વચિંતક |
રાષ્ટ્રીયતા | બ્રિટીશ |
શિક્ષણ | ન્યૂ કૉલેજ ઍટ હકની |
નોંધપાત્ર સર્જનો | કૅરેક્ટર્સ ઇન શેક્સપિયર્સ પ્લેઝ, ટેબલ ટૉક, ધ સ્પિરિટ ઑફ્ ધી એજ, નોટ્સ ઑન એ જર્ની થ્રો ફ્રાન્સ ઍન્ડ ઇટાલી |
વિલિયમ હેઝલિટ (૧૦ એપ્રિલ ૧૭૭૮ – ૧૮ સપ્ટેમ્બર ૧૮૩૦) અંગ્રેજ લેખક, નિબંધકાર, વિવેચક, ચિત્રકાર અને તત્ત્વચિંતક હતા.
જીવન
[ફેરફાર કરો]વિલિયમ હેઝલિટનો જન્મ ૧૦ એપ્રિલ ૧૭૭૮ના રોજ મેડસ્ટોન, કેન્ટ (ઇંગ્લેન્ડ) ખાતે થયો હતો. તેમના પિતા યુનિટેરિયન મિનિસ્ટર હતા. પિતાની ઈચ્છા અનુસાર હેઝલિટે ૧૭૯૩માં હેકનીની યુનિટેરિયન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. હેઝલીટને તત્ત્વજ્ઞાન અને રાજકારણમાં વિશેષ રસ હતિ. ૧૭૯૮માં કોલરિજ અને વર્ડ્ઝવર્થ સાથે એમની મુલાકાત થઈ હતી, જેના દ્વાર એમના જીવનમાં ભારે પરિવર્તન આવ્યું. ૧૮૦૨માં એમણે ચિત્રકાર થવા માતે પૅરિસમાં અભ્યાસ કર્યો હતો. પરંતુ એ માતેની યોગ્યતા એમનામાં ન હોવાથી એમણે એનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ એમણે એમનું સમગ્ર ધ્યાન સાહિત્ય પર કેન્દ્રિત કર્યું હતું.[૧]
૧૮૦૮માં હેઝલિટે સારા સ્ટોડાર્ટ સાથે લગ્ન કર્યું હતુ. આ લગ્ન નિષ્ફળ જવાથી એમણે ૧૮૨૨માં લગ્નવિચ્છેદ કર્યો. ૧૮૨૪માં એમણે મિસિસ બ્રિજવૉટર સાથે દ્વિતીય લગ્ન કર્યું. આ લગ્ન પણ નિષ્ફળ જવાથી એમણે ૧૮૨૪માં લગ્નવિચ્છેદ કર્યો હતો.[૧]
પ્રદાન
[ફેરફાર કરો]૧૮૦૫માં એમણે એમનો પ્રથમ નિબંધગ્રંથ 'એસે ઑન ધ પ્રિન્સિપલ્સ ઑફ્ હ્યૂમન ઍક્શન' પ્રગટ કર્યો, અને ત્યારબાદ એમણે તત્ત્વજ્ઞાન અને રાજકારણ અંગેના કેટલાક નિબંધોનું પ્રકાશન કર્યું. એમણે ૧૮૧૨માં 'મૉર્નિંગ ક્રૉનિકલ', ૧૮૧૪ દરમિયાન 'એડિનબરો રિવ્યૂ'માં તથા અન્ય સામયિકોમાં રિપોર્ટર તરીકે કાર્ય કર્યું. ૧૮૧૭માં એમણે એમનો સાહિત્યિક લખાણોનો પ્રથમ સંગ્રહ 'ધ રાઉન્ડ ટેબલ' પ્રગટ કર્યો. એ જ વર્ષમાં એમણે એમના પ્રસિદ્ધ વિવેચનગ્રંથ 'કૅરેક્ટર્સ ઑફ્ શેક્સપિયર્સ પ્લેઝ'નું પ્રકાશન કર્યું. ત્યારબાદ ૧૮૧૮, ૧૮૧૯ અને ૧૮૨૦માં એમણે અનુક્રમે 'ઑન ધી ઇંગ્લિશ પોએટ્સ', 'ઑન ધી ઇંગ્લિશ કૉમિક કૅરેક્ટર્સ' અને 'ઑન ધી ડ્રામેટિક લિટરેચર ઑફ્ ધી એઇજ ઑફ્ ક્વીન એલિઝાબેથ'નું પ્રકાશન કર્યું. ૧૮૨૧માં પ્રગટ થયેલ 'ટેબલ ટૉક' અને ૧૮૨૫માં પ્રગટ થયેલ 'ધ સ્પિરિટ ઑફ્ ધી એજ'માં એમણે શેલી અને અન્ય સમકાલીનો વિશે ટીકાત્મક વિવેચન કર્યું છે. ૧૮૨૮–૩૦ દરમિયાન એમણે ચાર ગ્રંથોમાં નેપોલિયન બોનાપાર્ટનું જીવનચરિત્ર લખ્યું. ૧૮૩૦માં એમણે ચિત્રકાર ટિશયનનું જીવનચરિત્ર 'ધ લાઇફ ઑફ્ ટિશિયન' નામે પ્રગટ કર્યું.[૧]
હેઝલિટનાં જીવનમાં અને વિવેચનમા ફ્રેન્ચ ક્રાંતિનો ખૂબ જ પ્રભાવ હતો. ફ્રેન્ચ ક્રાંતિનાં મૂલ્યો પ્રત્યે એમણે આયુષ્યના અંત સુધી સંપૂર્ણ નિષ્ઠા હતી. શેક્સપીયર અને એલિઝાબેથના યુગનાં નાટકો વિશેનું એમનું વિવેચન એ અંગ્રેજી વિવેચન-સાહિત્યમાં એમનું મૂલ્યવાન પ્રદાન ગણવામાં આવે છે.[૧]
ગુજરાતી સાહિત્યમાં
[ફેરફાર કરો]નર્મદે પોતાના નિબંધ 'કવિ અને કવિતા' (૧૮૫૮)માં હેઝલિટના કાવ્યસિદ્ધાંતનો સંદર્ભ લીધેલો છે.[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ભગત, નિરંજન (૨૦૦૯). "હેઝલિટ, વિલિયમ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૫ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૩૬–૫૩૭. OCLC 644237506.
- ↑ Das, Sisir Kumar (2005). "Chapter 7 - Poetry : Old and New". History of Indian Literature (1800–1910), Western Impact : Indian Response. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 145. ISBN 978-81-7201-006-5.