વિશ્વ શિક્ષક દિવસ

વિકિપીડિયામાંથી
વિશ્વ શિક્ષક દિવસ
ઉજવવામાં આવે છેશૈક્ષણિક સંસ્થાઓ દ્વારા
પ્રકારઆંતરરાષ્ટ્રીય દિવસ
તારીખ૫ ઓક્ટોબર
આવૃત્તિવર્ષિક
પ્રથમ ઉજવણી૧૯૯૪
સંબંધિતશિક્ષક દિન

વિશ્વ શિક્ષક દિવસ અથવા આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ દર વર્ષે ૫ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.[૧] ૧૯૯૪થી સ્થાપિત આ દિવસ સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઇએલઓ)ની શિક્ષકોની સ્થિતિને લગતી ૧૯૬૬ની ભલામણ પર હસ્તાક્ષરની યાદ અપાવે છે.[૨][૩] આ ભલામણ વિશ્વભરના શિક્ષકોની સ્થિતિ અને પરિસ્થિતિઓને દર્શાવતા પ્રમાણભૂત-સુયોજિત સાધન તરીકે ગણવામાં આવે છે.[૪] આ ભલામણમાં શિક્ષણ કર્મચારીઓની નીતિ, ભરતી અને પ્રારંભિક તાલીમ તેમજ શિક્ષકોના સતત શિક્ષણ, તેમની રોજગારી અને કાર્યકારી પરિસ્થિતિઓને લગતા ધોરણોની રૂપરેખા આપવામાં આવી છે.[૪] વિશ્વ શિક્ષક દિવસનો ઉદ્દેશ "વિશ્વના શિક્ષકોની કદર, મૂલ્યાંકન અને સુધારણા" પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને શિક્ષકો અને શિક્ષણને લગતા મુદ્દાઓ પર વિચાર કરવાની તક પૂરી પાડવાનો છે.[૫]

ઉજવણી[ફેરફાર કરો]

વિશ્વ શિક્ષક દિનની ઉજવણી કરવા માટે યુનેસ્કો અને એજ્યુકેશન ઇન્ટરનેશનલ (એક વૈશ્વિક મહાસંઘ) દર વર્ષે એક અભિયાન ચલાવે છે, જે વિશ્વને શિક્ષકો વિશે વધુ સારી સમજ આપવા તથા વિદ્યાર્થીઓ અને સમાજના વિકાસમાં શિક્ષકોની ભૂમિકા સમજાવવામાં મદદ કરે છે.[૪] તેઓ આ હેતુને પ્રાપ્ત કરવા માટે મીડિયા સંસ્થાઓ જેવા ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરે છે. આ અભિયાન દર વર્ષે વિવિધ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ૨૦૧૭ની ઉજવણીનો વિષય "શિક્ષકોનું સશક્તિકરણ" હતો, જે અંતર્ગત ઉચ્ચ શિક્ષણ અધ્યાપન કર્મચારીઓના દરજ્જાને લગતી યુનેસ્કોની ૧૯૯૭ની ભલામણની ૨૦મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.[૨]

૨૦૧૮માં, યુનેસ્કોએ "ધ રાઇટ ટુ એજ્યુકેશન મીન્સ ધ રાઇટ ટુ અ ક્વોલિફાઇડ ટીચર"નો વિષય અપનાવ્યો હતો,[૬] જે માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા (૧૯૪૮)ની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી કરે છે અને યાદ અપાવે છે કે શિક્ષણનો અધિકાર પ્રશિક્ષિત અને લાયક શિક્ષકો વિના પ્રાપ્ત કરી શકાતો નથી.[૬] યુનેસ્કો જાહેર કરે છે કે દરેક વ્યક્તિ આ વ્યવસાયની ઉજવણી કરીને, શિક્ષકના મુદ્દાઓ વિશે જાગૃતિ લાવીને અને શિક્ષક સન્માન એ વસ્તુઓની કુદરતી વ્યવસ્થાનો એક ભાગ છે તેની ખાતરી કરીને મદદ કરી શકે છે.[૫] આ ઉપરાંત શાળાઓ અને વિદ્યાર્થીઓ આ દિવસે શિક્ષકો માટે એક ખાસ કાર્યક્રમોનું આયોજન કરે છે.

૧૦૦થી વધુ દેશો વિશ્વ શિક્ષક દિનની ઉજવણી કરે છે.[૭] પ્રત્યેક દેશ પોતાની રીતે પણ તેની ઉજવણી કરે છે જેમ કે ભારત, દર ૫ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષક દિનની ઉજવણી કરે છે.[૮] ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે ઓક્ટોબરના છેલ્લા શુક્રવારે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.[૯]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "World Teachers' Day 2021: Theme, History, Quotes, Facts | SA News". SA News Channel (અંગ્રેજીમાં). 2021-10-05. મેળવેલ 2021-10-05.
  2. http://unesdoc.unesco.org/images/0016/001604/160495e.pdf
  3. "World Teachers' Day - 5 October 2017". UNESCO (અંગ્રેજીમાં). 2017-09-13. મેળવેલ 2017-10-06.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Power, Colin (2014). The Power of Education: Education for All, Development, Globalisation and UNESCO. New York: Springer. પૃષ્ઠ 191. ISBN 9789812872210.
  5. ૫.૦ ૫.૧ "Frequently Asked and Questions | Education | United Nations Educational, Scientific and Cultural Organization". www.unesco.org (અંગ્રેજીમાં). મેળવેલ 2017-10-06.
  6. ૬.૦ ૬.૧ "World Teachers' Day 2018 International Conference". UNESCO (અંગ્રેજીમાં). 2017-12-14. મેળવેલ 2018-09-11.
  7. "World Teachers Day 2018 - National Awareness Days Events Calendar 2018 & 2019". National Awareness Days Events Calendar 2018 & 2019 (અંગ્રેજીમાં). મેળવેલ 2018-09-11.
  8. Patel, Ashok (2015). Inspire a Teacher Within. Partridge Publishing. પૃષ્ઠ 105. ISBN 9781482844153.
  9. "World Teachers' Day Queensland | About".