વ્યક્તિત્વ માપન

વિકિપીડિયામાંથી

વ્યક્તિત્વ માપન એટલે જે-તે વ્યક્તિમાં રહેલ જુદા જુદા વ્યક્તિત્વગુણોનું મૂલ્યાંકન કરવું.[૧] વ્યક્તિત્વ માપનનાં તમામ સાધનોમાં કે પદ્ધતિઓમાં વ્યક્તિને એક એવી પ્રમાણિત પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે કે જેમાં તે વ્યક્તિની કંઈક પ્રતિક્રિયાઓ ઊપજે છે. આ પ્રતિક્રિયાઓ જે તે વ્યક્તિના વ્યક્તિત્વને પ્રગટ કરે છે એમ માનવામાં આવે છે અને આ પ્રતિક્રિયાઓને આધારે જ તે વ્યક્તિના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવામાં આવે છે.[૨]

વ્યક્તિના વ્યક્તિત્વનું માપન કયા હેતુસર કરવામાં આવે છે તે અનુસાર સંબંધિત વ્યક્તિત્વગુણ વિશેનું માપનસાધન પસંદ કરવામાં આવે છે. સામાન્યપણે વ્યક્તિને શૈક્ષણિક, વ્યાવસાયિક માર્ગદર્શનની જરૂર હોય, કર્મચારીઓની વ્યવસાય-નોકરી માટે પસંદગી કરવાની હોય, માનસિક સમસ્યાઓ માટે સલાહ આપવાની હોય, માનસોપચાર કરવાનો હોય કે વ્યક્તિત્વનો સૈદ્ધાંતિક અભ્યાસ કરવાનો હોય ત્યારે વ્યક્તિત્વગુણોના માપનની જરૂરિયાત ઊભી થાય છે અને તે માટે મનોવિજ્ઞાનીઓ તેને અનુરૂપ માપન-સાધનોનો ઉપયોગ કરે છે.[૧]

માપન[ફેરફાર કરો]

વ્યક્તિત્વનું માપન કે મૂલ્યાંકન કરવાની ઘણી રીતો અસ્તિત્વમાં આવી છે. આ રીતો ત્રણ વિભાગમાં વહેંચી શકાય: (૧) આત્મનિવેદન, જેમાં વ્યક્તિએ પોતે પોતાના ગમા-અણગમા, માન્યતાઓ વગેરે દર્શાવવાના હોય છે, આ રીતમાં ચેક-લીસ્ટ, પ્રશ્નાવલિ વગેરેનો સમાવેશ થાય છે. (૨) નિરીક્ષણની રીતો, જેમાં વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં મુકાય ત્યારે તે કેવું વર્તન કરે છે તેનું અન્ય કોઈ નિરીક્ષણ કરે છે. અને (૩)પ્રક્ષેપણ-પ્રયુક્તિઓ, જેમાં વ્યક્તિને એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે કે જેથી તેનું મન આડકતરી રીતે કે અજાણપણે પોતાના મનોવ્યાપારોને છતા કરે છે; જેમ કે રૉર્શોકની શાહીના ડાઘાની કસોટી.[૩]

આત્મનિવેદન[ફેરફાર કરો]

  1. તમને અંધારામાં બીક લાગે છે ? હા/ના.
  2. તમારું માથું વારંવાર દુખે છે ? હા/ના

અથવા

  1. તમને શરદી થાય છે ?

ઘણી વાર/કેટલીક વાર/કોઈક વાર/ભાગ્યે જ/કદી નહિ.

  1. તમને એમ લાગે છે કે તમારાં માબાપ તમને સમજતાં નથી ?

ઘણી વાર/કેટલીક વાર/કોઈક વાર/ભાગ્યે જ/કદી નહિ.

  1. તમને વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ થાય છે ?

ઘણી વાર/કેટલીક વાર/કોઈક વાર/ભાગ્યે જ/કદી નહિ.

આવાં ચેક-લિસ્ટ તથા પ્રશ્નાવલિઓના ઉત્તર વ્યક્તિએ પોતે આપવાના હોવાથી તેમાં વ્યક્તિ પોતે વધુ સારો દેખાવા સમાજમાન્ય પ્રત્યાચારો તરફ ઢળે છે અને તેથી તે આત્મલક્ષી બને છે.[૩]

નિરીક્ષણની રીતો[ફેરફાર કરો]

આ પ્રકારની રીતોમાં વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં મુકાય ત્યારે કેવું વર્તન કરે છે તેનું અન્ય કોઈ વ્યક્તિ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે. જેમ કે, વ્યક્તિ અભ્યાસ કરતી હોય ત્યારે તેના શિક્ષકો કે અધ્યાપકો અને તે વ્યવસાયમાં હોય ત્યારે તેના ઉપરી અધિકારી તેના વર્તનનું મૂલ્યાંકન કરે છે. આ પદ્ધતી વસ્તુલક્ષી (objective) હોવા છતાં તેમાં મૂલ્યાંકન કરનાર વ્યક્તિના ગમા-અણગમાની અસર આવી જાય છે. કેટલીક વાર ખાસ પ્રકારની પરિસ્થિતિમાં મૂકી તેના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવે છે; દાખલા તરીકે પ્રામાણિકપણું શોધવા વ્યક્તિના માર્ગમાં દસ રૂપિયા કે સો રૂપિયાની નોટ ફેંકવામાં આવે છે, અને વ્યક્તિ ત્યાંથી પસાર થતાં શું કરે છે તેનું નિરીક્ષણ કરી મૂલ્યાંકન કરવામાં આવે છે.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ પરીખ, ભાનુપ્રસાદ અમૃતલાલ (April 2006). "વ્યક્તિત્વ (personality)". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ 21 (વૉ - ષ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૭-૫૮. OCLC 162213102.
  2. પરીખ, ડૉ. બી. એ. (2014). પ્રગત સામાન્ય મનોવિજ્ઞાન (4th આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૪૯૩-૫૦૩. ISBN 978-81-929772-6-3.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ દેસાઈ, કૃષ્ણકાન્ત ગોપાળજી (2000). "બુદ્ધિ અને બુદ્ધિમાપન". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૩ (બ - બો). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૪૩-૬૪૪. OCLC 248968520.