શિખરિણી

વિકિપીડિયામાંથી

શિખરિણી એ એક સંસ્કૃત છંદ છે. આ છંદમાં આરંભે શિખરનાં આરોહણ અને પછી અવરોહણનો લય આવતો હોવાથી તેનું નામ શિખરિણી છે.[૧]

બંધારણ[ફેરફાર કરો]

શિખરિણી છંદના દરેક ચરણમાં ૧૭ અક્ષરો હોય છે, અને તેનું બંધારણ ય, મ, ન, સ, ભ ગણ ને લગા છે. તેના દરેક ચરણમાં ૬ અને ૧૧ (ચરણાંતે) અક્ષરે યતિ આવે છે.[૧]

ઉદાહરણ તરીકે:

સખી મેં કલ્પી'તી પ્રથમ કવિતાના ઉદય શી,
અજાણી ક્યાંથીયે ઊતરી અણધારી રચી જતી
 — ઉમાશંકર જોશી; 'સખી મેં કલ્પી'તી'

ખંડ શિખરિણી[ફેરફાર કરો]

શિખરિણી છંદના આરંભના છ અક્ષરોના યતિખંડને બેવડાવીને અને પછી આખું ચરણ ઉત્તરખંડમાં બેવડાવામાં આવે તો તે 'ખંડ શિખરિણી' છંદ બને છે અહીં ભાવ પ્રમાણે ખંડો બેવડાવવામાં આવે છે.[૧]

કવિ કાન્તના 'ઉદગાર' કાવ્યને 'ખંડ શિખરિણી'નો સુંદર નમૂનો ગણવામાં આવે છે:

'વસ્યો હૈયે તારે
રહ્યો એ આધારે
પ્રિયે! તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!
નહિ તદપિ ઉદ્વેગ મુજને;
નયન નીરખે માત્ર તુજને.'

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ મારુ, રમણીકલાલ (૨૦૧૫). ગુજરાતી ભાષાનું પિંગળ. ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ ૧૫૧–૧૫૫. ISBN 978-93-83317-46-2.