સખી મેં કલ્પી'તી

વિકિપીડિયામાંથી

સખી મેં કલ્પી'તીગુજરાતી કવિ ઉમાશંકર જોશી લિખિત સૉનેટ-કાવ્ય છે.

પાર્શ્વભૂમિ[ફેરફાર કરો]

આ કાવ્ય ૧ ડિસેમ્બર ૧૯૩૭ના દિવસે રચાયું હતું.[૧] આ કાવ્ય ત્યારબાદ તેમના ૧૯૩૯માં પ્રગટ થયેલ 'નિશીથ' કાવ્યસંગ્રહમાં પ્રગટ થયું હતું.[૨]

બંધારણ[ફેરફાર કરો]

આ કાવ્ય શિખરિણી છંદમાં રચવામાં આવ્યું છે.[૨]

કાવ્ય[ફેરફાર કરો]

આ રચના કલ્પનાથી આરંભાઈને ઝંખના અને વાંછનાને સ્પર્શતી આ રચના અત્યંત લાગણીપૂર્વક આપણને વાસ્તવ સુધી લઈ જાય છે.[૧]

કાવ્યના આરંભે કવિ 'જીવનસાથીની રમણીય કલ્પના' વિશે વાત કરે છે. સખી (જીવનસાથી)ની રમણીય કલ્પના કેવી છે? એ વિશે કવિ કહે છે: 'પ્રથમ કવિતાના ઉદય શી'. પ્રથમ કવિતાનો એ ઉદય કેવો છે એના વિશે કવિ બીજી પંક્તિમાં જણાવે છે કે જ્યાંથી એ કવિતા આવે છે એ સ્થળ – એ પ્રદેશ અજાણ્યો છે. એટલું જ નહીં, એ સ્વયં પણ આવી છે ત્યારે આરંભે અપરિચિત હોય છે. અજાણી છે ને ક્યાંથી ઊતરી આવે છે એની ખબર નથી પડતી. કવિતા અણધારી આવે છે ને હૃદયમાં ઊર્મિમાલા રચી જાય છે. મધુર લય અને મંજુલ રવવાળી એ સરવાણી આવે છે ત્યારે સમગ્ર અસ્તિત્વને આરપાર ઝંકૃત કરી મૂકે છે અને જાય છે ત્યારે પણ ચિરંતન પ્રસન્નતાની મત્ત મ્હેક મૂકતી જાય છે. — આ રીતે કવિ જણાવે છે કે 'હે સખી ! તું આવી હોઈશ એવું મેં કલ્પ્યું'તું'.[૧]

હે સખી, મેં તને કેવી ઝંખી'તી ! — એ વિશે આગળ કવિ જણાવે છે કે: જલધર ધનુષ્યથી ઝૂલતી. સ્વયં સૌંદર્ય જ હોઈશ તું. દેખાય નહીં છતાં જેનો અણસાર આવે એવી મીઠી અવનવલ રંગોની લટ જેવી, હૃદયમાં પ્રતિબિંબિત થઈને મારા અણુએ અણુમાં આલેખાતી જતી. આત્મામાં — મારા અંતરમાં સ્ફુરતી કોઈ સ્વપ્નસુરભિ સમી.[૧]

હે સખી ! તારે માટેની મારી વાંછના કેવી હતી ? — એના જવાબમાં કવિ કહે છે કે: તું જાણે વિરલ રસલીલાની સાક્ષાત પ્રતિમા હોય, હૃદયમાં જ પ્રગટતા રહેતા સ્વયંભૂ ભાવોનું જાણે નમણું નિવાસસ્થાન હોય તથા જે સ્વપ્ન હજુ અધૂરાં છે, એમ નહીં, હજુ જે સ્વપ્ન સેવવાનાં જ બાકી છે એવા સ્વપ્નોના સુમધુર સંપુટ જેવી તું હોય.[૧]

આવી કલ્પના-ઝંખના-વાંછના જેને વિશે હતી એ સખી(જીવનસાથી)ના આગમનનો અવસર આવ્યો એ ત્યારે કવિને કલ્પનાને બદલે વાસ્તવિકતાનો સ્પર્શ થયો. એ વાસ્તવિકતા કેવી હતી ? એની અનુભૂતિ વિશે વાત કરતા કહે છે કે, 'મળી ત્યારે જાણ્યું : મનુજ મુજ શી...' — 'ઓહ ! આ તો મારા જેવી જ – સામાન્ય મનુષ્યો હોય છે એવી જ છે, અને છેલ્લી પંક્તિમાં કવિ કહે છે —

'...પૂર્ણ પણ ના.
છતાં કલ્પનાથીય મધુરતર હૈયાની રચના.'

આ પંક્તિમાં કવિ જણાવે છે કે: 'મારી કલ્પનાથીય મધુરતર તારા હૈયાંની રચના છે'.[૧]

વિવેચન[ફેરફાર કરો]

પ્રાધ્યાપક-લેખક સમીર ભટ્ટ નોંધે છે કે, 'પ્રિયતમાના રૂપની અવનવી કલ્પના કરતો નાયક છેલ્લે [વાસ્તવિકતા સામે આવે છે ત્યારે] નિરાશ નથી થતો' પણ 'પ્રિયજનનો સુંદર સ્વિકાર કરે છે'.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ રામાનુજ, માધવ (જાન્યુઆરી–ફેબ્રુઆરી ૨૦૧૧). જોષી, યોગેશ (સંપાદક). "સ્વીકારની ભવ્યતા: સખી મેં કલ્પી'તી" (PDF). પરબ. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૮૮–૮૯.
  2. ૨.૦ ૨.૧ પટેલ, સંગીતાબેન જેઠાભાઈ (૨૦૧૫). "પ્રકરણ ૫: ઉમાશંકર જોશીનાં સૉનેટમાં પ્રણયનિરૂપણ" (PDF). ગુજરાતી સૉનેટમાં પ્રણય નિરૂપણ [પસંદગીના કવિઓની સૉનેટ રચનાઓના સંદર્ભે] (Ph.D.). સુરત: ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત. પૃષ્ઠ ૧૭૦–૧૭૨. hdl:10603/77021.
  3. ભટ્ટ, સમીર (એપ્રીલ–સપ્ટેમ્બર ૨૦૧૬). "ઉમાશંકર જોશીનાં સૉનેટ". વિદ્યાપીઠ. ખંડ ૫૪ અંક ૨–૩. પૃષ્ઠ ૧૭–૧૮. ISSN 0976-5794. Check date values in: |year= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]