શ્રી યોગેશ્વરજી

વિકિપીડિયામાંથી

શ્રી યોગેશ્વરજી એક વિરલ સંત સાહિત્યકાર હતા. તેઓ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામે જન્મ્યા હતા. માત્ર નવ વરસની નાની ઉંમરે તેમણે પિતાનું છત્ર ગુમાવ્યું હતુ. તે પછી તેમને મુંબઇ ખાતે આવેલા એક અનાથાશ્રમમાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. કોલેજના અભ્યાસ બાદ તેમણે ઇશ્વરની શોધમાં હિમાલય તરફ પ્રયાણ કર્યું. બે દાયકાની એકાંતિક સાધના પછી તેમણે જનસમુદાયમાં વિચરણ કરવાનો પ્રારંભ કર્યો. ગુજરાતી ભાષામાં તેમણે એકસોથીય વધુ ગ્રંથો લખ્યા. તેમની પદ્ય રચનાઓમાં સરળ ગીતા (ભગવદ ગીતાનો ગુજરાતી અનુવાદ), શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુસહસ્ત્રનામ, રામચરિતમાનસ વિગેરેના કાવ્યાનુવાદ મુખ્ય છે. આરતી, આલાપ, અનંત સૂર, બિંદુ, તર્પણ, દ્યુતિ, સાંઈસંગીત, હિમાલય અમારો વિગેરે તેમના પ્રસિધ્ધ કાવ્યસંગ્રહો છે. ગાંધી ગૌરવ એ મહાત્મા ગાંધીજી પરનું તેમનું મહાકાવ્ય છે. તેમણે અનેક ભજનો, સ્તુતિઓ અને આરતીઓની પણ રચના કરી છે. અગિયારસોથી વધુ પૃષ્ઠો ધરાવતી પ્રકાશના પંથે નામે તેમની આત્મકથા અધ્યાત્મ માર્ગના જીજ્ઞાસુઓને અમૂલ્ય માર્ગદર્શન પુરુ પાડે છે. તેમના આ પુસ્તકનો હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ પણ થયો છે. હિમાલયના પત્રો નામે તેમનો પત્રસંગ્રહ પણ પ્રસિધ્ધ થયો છે. રમણ મહર્ષિના જીવન અને કાર્ય પરનો તેમનો દળદાર ગ્રંથ પણ જીજ્ઞાસુઓમાં લોકપ્રિય થયો છે.