મરીન ડ્રાઈવ, મુંબઈ
મરીન ડ્રાઈવ એ મુંબઈ, ભારતમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ માર્ગ પર ૩ કિલોમીટર લાંબી સહેલગાહ છે. પાલોનજી મિસ્ત્રીએ આ માર્ગ અને સહેલગાહનું નિર્માણ કરાવ્યું હતું. તે કુદરતી ખાડીના કિનારે કેળાના આકારનો અને કોંક્રિટથી બનાવેલો છ લેનનો રસ્તો છે. મરીન ડ્રાઈવના ઉત્તરીય છેડે ગિરગાંવ ચોપાટી છે. બાજુમાંથી પસાર થતો માર્ગ દક્ષિણમાં આવેલા નરીમાન પોઈન્ટને ઉત્તરમાં બાબુલનાથ અને મલબાર હિલ સાથે જોડે છે.
મરીન ડ્રાઇવને 'ક્વીન્સ નેકલેસ' (રાણીનો હાર) તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું કારણ એ છે કે જ્યારે રાત્રે ઉંચાઈથી ગમે ત્યાંથી મરીન ડ્રાઇવને જોવામાં આવે ત્યારે સડક પરની લાઇટો ગળાના હારમાં પરોવેલા મોતી જેવી લાગે છે.
આ રોડનું ભાગ્યે વપરાતું સત્તાવાર નામ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ માર્ગ છે. સહેલગાહ પર હરોળબદ્ધ રીતે તાડના વૃક્ષો આવેલાં છે. મરીન ડ્રાઈવના ઉત્તરના છેડે ગિરગાંવ ચોપાટી(બિચ) છે. આ લોકપ્રિય ચોપાટી તેની ભેળપૂરી માટે પ્રખ્યાત છે. આ રસ્તા પર ઘણી રેસ્ટોરન્ટો પણ આવેલી છે. આ રસ્તાની આગળ વાલકેશ્વર આવેલું છે જે શહેરનો એક શ્રીમંત વિસ્તાર છે, જ્યાં મહારાષ્ટ્રના રાજ્યપાલનું નિવાસ પણ છે.
આ રસ્તા પર આવેલી મોટાભાગની ઇમારતો શ્રીમંત પારસીઓએ ૧૯૨૦ અને ૧૯૩૦ના અરસામાં પ્રખ્યાત આર્ટ ડેકો શૈલીમાં બાંધવી હતી. મરીન ડ્રાઇવ પરની સૌથી જૂની આર્ટ ડેકો ઇમારતોમાં કપૂર મહેલ, ઝવેર મહેલ અને કેવલ મહેલનો સમાવેશ થાય છે જે ૧૯૩૭ અને ૧૯૩૯ની વચ્ચે તે સમયે ૧૦ લાખ રૂપિયાની કુલ કિંમતે બાંધવામાં આવી હતી. [૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Meher Marfatia: Three s company on Marine Drive". mid-day (અંગ્રેજીમાં). 2018-07-29. મેળવેલ 2018-09-23.