પૂના કરાર

વિકિપીડિયામાંથી

પૂના કરારમહાત્મા ગાંધી અને બાબાસાહેબ આંબેડકર વચ્ચે ૧૯૩૨માં બ્રિટિશ ભારતની ધારાસભામાં દલિતો માટે ચૂંટણી બેઠકો અનામત રાખવા અંગે દલિત વર્ગો અને ઉચ્ચ જાતિના હિન્દુ નેતાઓ વચ્ચે કરવામાં આવેલી સમજૂતી હતી. બ્રિટિશ વડા પ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા બ્રિટિશ ભારતમાં પ્રાંતીય વિધાનસભાઓના સભ્યોની ચૂંટણી માટે દલિતોને અલગ મતદારમંડળો આપવાના નિર્ણયના વિરોધમાં ગાંધીજી જેલમાં જે ઉપવાસ કરી રહ્યા હતા તેનો અંત લાવવાના સાધન તરીકે પુણેની યરવડા મધ્યસ્થ જેલમાં ૨૪ સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ દલિતો વતી ભીમરાવ આંબેડકર અને ઉચ્ચ જાતિના હિન્દુ પ્રતિનિધિ તરીકે મદન મોહન માલવીયએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા.[૧]

આ સમજૂતીએ દલિત વર્ગ માટે એક અલગ મતદારમંડળના પ્રસ્તાવને ફગાવી દીધો હતો, પરંતુ દલિત વર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા પ્રાંતીય ધારાસભાઓમાં ૭૧થી વધારીને ૧૪૮ અને કેન્દ્રીય ધારાસભાની કુલ બેઠકોની ૧૮ ટકા કરવામાં આવી હતી.[૨]

શરતો[ફેરફાર કરો]

પૂના સમજૂતીની શરતો નીચે મુજબ હતી:

૧. સામાન્ય બેઠકો સિવાય દલિતો માટે ચૂંટણી બેઠકો અનામત રહેશે. પ્રાંતીય ધારાસભાઓની બેઠકો નીચે મુજબ હતી:

મદ્રાસ રાજ્ય ૩૦
સિંધ સહિત મુંબઈ સ્ટેટ ૧૫
પંજાબ પ્રાંત
બિહાર અને ઓરિસ્સા પ્રાંત ૧૮
કેન્દ્રીય પ્રાંત ૨૦
આસામ પ્રાંત
બંગાળ ૩૦
સંયુક્ત પ્રાંત (આગ્રા અને અવધ) ૨૦
કુલ ૧૪૮

આ આંકડા રામસે મેકડોનાલ્ડના નિર્ણયમાં જાહેર કરવામાં આવેલી પ્રાંતીય પરિષદોની કુલ સંખ્યા પર આધારિત હતા.

૨. આ બેઠકો ની ચૂંટણી સંયુક્ત મતદાર મંડળો દ્વારા નીચેની પ્રક્રિયાને આધિન રહેશે –

મતવિસ્તારની સામાન્ય મતદાર યાદીમાં નોંધાયેલા દલિત વર્ગના તમામ સભ્યો એક મતદારમંડળની રચના કરશે જે એક જ મતની પદ્ધતિથી આવી દરેક અનામત બેઠકો માટે દલિત વર્ગોના ચાર ઉમેદવારોની પેનલની ચૂંટણી કરશે અને આવી પ્રાથમિક ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા ચાર વ્યક્તિઓ સામાન્ય મતદાતાઓ દ્વારા ચૂંટણી માટેના ઉમેદવારો હશે.

૩. કેન્દ્રીય ધારાસભામાં દલિત વર્ગોનું પ્રતિનિધિત્વ પણ ઉપરની કલમમાં કરવામાં આવેલ જોગવાઈ અનુસાર પ્રાથમિક ચૂંટણીની પદ્ધતિ દ્વારા સંયુક્ત મતદારમંડળો અને અનામત બેઠકોના સિદ્ધાંત પર રહેશે.

૪. કેન્દ્રીય ધારાસભામાં સામાન્ય મતદાતાઓને ફાળવવામાં આવેલી કુલ બેઠકોમાંથી ૧૮ ટકા બેઠકો દલિત વર્ગો માટે અનામત રાખવામાં આવશે.

૫. મધ્ય અને પ્રાંતીય ધારાસભાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પેનલની પ્રાથમિક ચૂંટણીની પદ્ધતિનો અંત પ્રથમ દસ વર્ષ પછી આવશે. (અપવાદ: કલમ ૬ની જોગવાઈ હેઠળ પારસ્પરિક સમજૂતી દ્વારા વહેલા સમાપ્ત કરવામાં ન આવે તેવા કિસ્સાઓમાં.)

૬. પ્રાંતીય અને કેન્દ્રીય ધારાસભાઓમાં અનામત બેઠકો દ્વારા દલિતોના પ્રતિનિધિત્વની પદ્ધતિ કલમ (૧) અને (૪)ની જોગવાઈ મુજબ સંબંધિત સમુદાયો વચ્ચે પારસ્પરિક સમજૂતી દ્વારા અન્યથા નક્કી ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

૭. લોથિયન સમિતિના અહેવાલમાં દલિત વર્ગોની કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાઓ માટેના મતાધિકાર સૂચવવામાં આવ્યા છે.

૮. સ્થાનિક સંસ્થાઓની કોઈ પણ ચૂંટણી અથવા જાહેર સેવાઓમાં નિમણૂકના સંદર્ભમાં દલિત વર્ગોના સભ્ય હોવાના આધારે કોઈની સાથે કોઈ અક્ષમતા જોડાયેલી રહેશે નહીં. જાહેર સેવાઓમાં નિમણૂક માટે નિર્ધારિત કરવામાં આવી શૈક્ષણિક લાયકાતોને આધિન આ બાબતોમાં દલિતોનું ન્યાયી પ્રતિનિધિત્વ મેળવવા નો દરેક પ્રયાસ કરવામાં આવશે.

૯. શૈક્ષણિક અનુદાનમાંથી દરેક પ્રાંતમાં દલિત વર્ગના સભ્યોને શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા માટે પૂરતી રકમ નક્કી કરવામાં આવશે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gandhi, Ambedkar and the 1932 Poona Pact". Hindustan Times (અંગ્રેજીમાં). 2019-10-01. મેળવેલ 2020-05-13.
  2. "Original text of the Poona pact". ambedkar.org. મેળવેલ 29 November 2017.