અંબાજીનો મેળો
અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે યોજાય છે. પાલનપુરથી ૫૦ કિલોમીટર દુર અંબાજીમાં દર પૂનમે મેળા જેવું જ વાતાવરણ સર્જાય છે.[૧] પણ, બધામાં કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂનમના દિવસે અહી મોટા મેળા યોજાય છે. જેમાં 'ભાદરવી પૂનમનો મેળો' ખુબ મહત્વપૂર્ણ અને મોટો મેળો છે.[૨]
સમય
[ફેરફાર કરો]ભાદરવી પુનમનો આ મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત ત્રણ દિવસ સુધી ભરાય છે. આ દિવસે લાખો લોકો માતાના દર્શન માટે ઉમટી પડે છે. આ સમયે અસંખ્ય લોકો અહીં પગપાળા યાત્રા કરીને આવતા હોય છે.[૨]
મેળાનું મહત્તવ અને સગવડ
[ફેરફાર કરો]અહીં ભક્તો ઊંચા અવાજે શક્રાદય સ્તુતિનું પઠન કરી માતાજીને પ્રાર્થના કરે છે. પૂર્ણિમાના દિવસે માતાજીને વિવિધ શણગારો સજી શોભાયમાન કરવામાં આવે છે. ત્યારે બ્રાહ્મણો સપ્તશતીનું પઠન કરતા હોય છે. ભાદરવી પૂનમે ગુજરાતમાંથી તેમજ દેશના અન્ય રાજ્યો અને વિદેશથીમાંથી પણ અંબાજી માતાના ભક્તો દર્શન કરવા આવતા છે. અહી મંદિરમાં કોઈ પ્રતિમા કે ચિત્રની પૂજા કરવામાં આવતી નથી પણ 'શ્રી વિસાયંત્ર'નું પૂજન કરવામાં આવે છે.[૩] પોષી પૂનમ કે જે દિવસે માતાજી પ્રગટ થયા એવું મનાય છે. ચૈત્રી પૂનમ અને શરદ પૂર્ણિમાના દિવસે પણ લોકો ધાર્મિક વિધિ કરી પૂજા અને હવન કરે છે તથા મેળો પણ ભરાય છે. પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શને કરવા આવતા વિવિધ સંઘો દ્વારા અહી ભવાઈ અને ચાચર ચોકમાં રાસગરબાનું અદ્ભુત આયોજન કરવામાં છે.[૧] અહીં મંદિર પરિસરમાં જ ઢોલ-પખવાજના તાલે માતાજીના ભક્તો સરસ રાસગરબા રમે છે. અંબાજીના આ મહામેળામાં ૨૫ લાખથી વધુ ભક્તો માતાજીના દર્શને કરવા આવે છે. આ પવિત્ર મહાપર્વના દિવસોમાં અંબાજી જતા તમામ રસ્તાઓ યાત્રાળુઓથી ભરેલા હોય છે.[૨]
આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર અને અંબાજી ગામને પણ શણગારવામાં આવે છે. માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. હવે દર રવિવારે પણ અંબાજી ખાતે મેળા જેવો માહોલ સર્જાય છે.
સગવડ
[ફેરફાર કરો]ભાદરવી પૂનમના દિવસે મંદિરમાં અને મેળામાં દર્શનાર્થીઓનો ભારે ધસારો રહે છે. રસ્તામાં ઠેર ઠેર પ્રસાદી, ચુંદડી, શ્રીફળ, કંકુ, પુષ્પ વગેરેની દુકાનો મોટી સંખ્યામાં જોવાય છે. માતાજીને ચુંદડી ચડાવવા માટે સાડીઓની દુકાનોમાં પણ ભીડ જોવા મળે છે. ખાણી-પીણીનાં સ્ટોલ પણ કામચલાઉ ધોરણે ઉભા કરવામાં આવે છે. આ વિસ્તારની આદિવાસી મહીલાઓ છૂંદણા છૂદાવવાની અને બંગડીઓની શોખીન છે. વિવિધ પ્રકારનાં રમકડાંની દૂકાનો પણ લગાવવામાં આવે છે. વિવિધ સંસ્થાઓ અને સેવાકેન્દ્રો દ્વારા યાત્રાળુઓને વિસામો ખાવાની સુવિધા, ચા-નાસ્તો અને જમવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. મેળાના દિવસોમાં અને અન્ય સમયે પણ શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.[૨] લોકના સ્વાસ્થ્ય માટે અહી હોસ્પીટલની પણ સવિધા મળી રહે છે.[૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ ૫૭-૫૮.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ કાલરીયા, અશોક (2019–20). ગુજરાતના લોકોત્સવો અને મેળા. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૨૪-૨૫.CS1 maint: date format (link)
- ↑ ૩.૦ ૩.૧ "અંબાજી મંદિર વિશેની આ વાતોની તમને ખબર છે?". Divya Bhaskar. 2011-09-07. મેળવેલ 2020-11-26.