અઝેરબીજાનની ટપાલ ટિકિટ અને ટપાલસેવાનો ઇતિહાસ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ટપાલ સેવકો (ટપાલી) (બાકુ, ૧૯૧૪)

અઝેરબીજાનની ટપાલ ટિકિટ અને ટપાલસેવાનો ઈતિહાસઅઝેરબીજાન ગણરાજ્યની ટપાલ ટિકિટ અને ટપાલ સેવાના ઇતિહાસનું વર્ણન કરે છે. ૧૮૦૬માં રશિયન સામ્રાજ્યમાં તેના સમાવેશથી લઈને ૧૯૧૮ની તેની સંક્ષિપ્ત સ્વતંત્રતા સુધીના (૧૯૨૦માં તે સોવિયત સંઘનું ગુલામ બન્યું હતું તથા ૧૯૯૧માં સોવિયત સંઘના વિઘટન બાદ પુન: સ્વતંત્ર બન્યું હતું.) ટપાલસેવાના વિકાસને આવરી લે છે.

રશિયન સામ્રાજ્ય[ફેરફાર કરો]

રશિયન સામ્રાજ્યકાળ દરમિયાનનું એક પોસ્ટકાર્ડ; અઝેરબીજાનથી જર્મની (૧૮૯૬)

અઝેરબીજાનની આધુનિક ટપાલસેવાની શરૂઆત ૧૯મી શતાબ્દીમાં થઈ જ્યારે અઝેરબીજાન રશિયન સામ્રાજ્યનો હિસ્સો બન્યું.[૧] પ્રથમ પોસ્ટ ઓફિસ ૧૮૧૮માં યેલિઝાવેટપોલમાં (હાલ ગાંજા) ખોલવામાં આવી.[૧] પ્રથમ ટપાલ વિનિમય સેવાનો પ્રારંભ ૧૮૨૬માં બાકુમાં થયો. દ્વિતીય ટપાલ વિનિમય સેવા નખ્ચિવન શહેરમાં શરૂ કરવામાં આવી. ત્યારબાદ ક્યુબા, શુશા, શમાખી, લંકારન, નુખા (હવે શાકી), અને સલિયાન શહેરમાં ટપાલ કેન્દ્રો (પોસ્ટ ઓફિસ) ખોલવામાં આવ્યા.[૧] ૧૮૫૮થી અઝેરબીજાન ક્ષેત્રની ટપાલસેવામાં રશિયન પોસ્ટમાર્ક અને ટપાલ ટિકિટોનો ઉપયોગ શરૂ થયો. શરૂઆતી પોસ્ટમાર્કમાં વિભિન્ન આકૃતિઓ, ચિત્રો પર છિદ્રો બનાવવામાં આવતા હતા ત્યારબાદ તેમાં શહેરના નામ અને તારીખ ઉમેરવામાં આવ્યા.

અઝેરબીજાન પ્રજાસત્તાક ગણરાજ્ય[ફેરફાર કરો]

અઝેરબીજાન પ્રજાસત્તાક ગણરાજ્ય ટપાલ ટિકિટ, ૧૯૧૯

અઝેરબીજાન પ્રજાસત્તાક ગણરાજ્યની પ્રથમ ટપાલ ટિકિટ ૧૯૧૯માં બહાર પાડવામાં આવી હતી, જેમાં ૫૦ રૂપિયા સુધીની ૧૦ જુદી જુદી સચિત્ર ટિકિટોનો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ટિકિટો બે પ્રકારે છાપવામાં આવી હતી. ૧૯૧૯માં બહાર પડાયેલી ટિકિટ સફેદ કાગળ પર છાપવામાં આવી હતી જેના પાછળના ભાગે સફેદ ગુંદર લગાવેલો હતો જ્યારે ૧૯૨૦માં બહાર પડાયેલી ટિકિટ ચામડી જેવા રંગના કાગળ પર છાપવામાં આવી હતી અને તેના પાછળના ભાગે પીળા રંગનો ગુંદર લગાવેલો હતો. ૧૯૨૦ની કેટલીક ટિકિટો ગુંદર વિનાની પણ હતી. ૧૯૧૯ની ટિકિટોનો સેટ સંગ્રાહકો માટે ખૂબ જ અમૂલ્ય છે.[૨]

અઝેરબીજાન સોવિયત પ્રજાસત્તાક ગણરાજ્ય (ASSR)[ફેરફાર કરો]

અઝેરબીજાન સોવિયત પ્રજાસત્તાક ગણરાજ્ય (ASSR) ટપાલ ટિકિટ, ૧૯૨૧

૨૭ એપ્રિલ ૧૯૨૦ના રોજ સોવિયત સૈન્ય રાજધાની બાકુમાં પ્રવેશ્યું અને અઝેરબાઇજાન સોવિયતનો હિસ્સો બન્યું.અઝેરબીજાન સોવિયત પ્રજાસત્તાક ગણરાજ્ય (ASSR)ની પ્રથમ ટપાલ ટિકિટ ૧૯૨૧માં બહાર પાડવામાં આવી જેમાં એક તેલ કૂવો અને મસ્જિદ સહિત સ્થાનિક અને રાજનૈતિક દૃશ્યો દર્શાવતી ૧૫ ટપાલ ટિકિટોનો એક સમૂહ (સેટ) બહાર પાડવામાં આવ્યો હતો. ઉપરાંત દુષ્કાળ રાહત માટે પણ કેટલીક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.[૨] સોવિયત સંઘના વિવિધ હિસ્સાઓને દર્શાવતી કેટલીક ટપાલ ટિકિટોને પણ ગણરાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ હતી. સોવિયત શાસનના સમય દરમિયાન અઝેરબીજાન સંબંધિત કુલ ૬૦થી પણ વધુ ટપાલ ટિકિટો સોવિયત સંઘ દ્વારા બહાર પાડવામાં આવી છે જેમાં વ્યક્તિત્ત્વો, ઈમારતો, વનસ્પતિ, પ્રાણીઓ વગેનો સમાવેશ થાય છે.[૨]

ટ્રાન્સકોકેશિયાન સમાજવાદી સંઘાત્મક ગણરાજ્ય (TSFSR)[ફેરફાર કરો]

ટાન્સકોકેશિયાન સમાજવાદી સંઘાત્મક ગણરાજ્ય ટપાલ ટિકિટ, ૧૯૨૩

૧૨ માર્ચ ૧૯૨૨ના રોજ અઝેરબીજાન, આર્મેનિયા અને જ્યોર્જીયા ટ્રાન્સકોકેશિયાન સમાજવાદી સંઘાત્મક ગણરાજ્ય તરીકે એક સંઘ સ્વરૂપે જોડાયા. અઝેરબીજાનની ટિકિટો પર મુદ્રિત અઝેરી મુદ્રા પર ટ્રાન્સકોકેશિયાન રુબલ અંકિત કરવામાં આવ્યા. ૧૯૨૩માં સમગ્ર સંઘપ્રદેશમાં આ ઓવરપ્રિન્ટડ ટિકિટો ઉપયોગમાં લેવાની શરૂઆત કરવામાં આવી. ૧ ઓક્ટોબર ૧૯૨૩થી અઝેરબીજાન પ્રજાસત્તાક ગણરાજ્ય (ASSR)ની તમામ ટપાલ ટિકિટો રદ્દ કરીને ટ્રાન્સકોકેશિયાન સમાજવાદી સંઘાત્મક ગણરાજ્ય (TSFSR)ની નવી ટિકિટો ઉપયોગમાં લેવામાં આવી. આ નવી ટપાલ ટિકિટો ૧૯૩૬માં ASSRના દ્વિતીય પુનર્ગઠન સુધી ચલણમાં રહી. ASSRની ટપાલ ટિકિટો સોવિયત ટપાલ ટિકીટો સાથે જ સમગ્ર દેશમાં બહાર પાડવામાં આવી હતી જે ૧૯૯૧ના ASSR અને સોવિયત સંઘના વિઘટન સુધી ચલણમાં રહી.[૨]

અઝેરબીજાન ગણરાજ્ય[ફેરફાર કરો]

અઝેરબીજાન ગણરાજ્યની પ્રથમ ટપાલ ટિકિટ, ૧૯૯૨

૧૯ નવેમ્બર ૧૯૯૦ના રોજ અઝેરબીજાન પ્રજાસત્તાક ગણરાજ્ય (ASSR)નું નામ બદલીને અઝેરબીજાન ગણરાજ્ય કરવામાં આવ્યું. ૧૮ ઓગસ્ટ ૧૯૯૧ના રોજ તે એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું અને ૨૬ માર્ચ ૧૯૯૨ના રોજ તેની આઝાદીના ઉપલક્ષમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી. મોટાભાગના પૂર્વ સોવિયત ગણરાજ્યોથી વિપરીત અઝેરબીજાનને સ્વતંત્રતા બાદ ટપાલ સેવાની જરૂરિયાતોને પહોંચી વળવા સોવિયત ટિકિટોને ઓવરપ્રિન્ટ નહોતી કરી.[૩] રાષ્ટ્રીય ટપાલ સેવા એઝારપોસ્ટની સ્થાપના ૧૯૯૨માં કરવામાં આવી જેનું ૧૯૯૮માં પુનર્ગઠન કરવામાં આવ્યું અને ૨૦૦૪થી રાષ્ટ્રીય ટપાલ સંચાલક (નેશનલ પોસ્ટલ ઓપરેટર) તરીકે કાર્યરત છે.[૪] રાષ્ટ્રીય ટપાલ ટિકિટ કંપની અઝેરમાર્કા ૧૯૯૨થી જ કાર્યરત છે અને તમામ અઝેરબીજાન ટપાલ ટિકિટોના ઉત્પાદન અને વેચાણની જવાબદારી સંભાળે છે.[૫]૧ એપ્રિલ ૧૯૯૩થી અઝેરબીજાન 'યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનું સદસ્ય છે.[૬] અઝેરમાર્કા દ્વારા સામયિક અને સ્થાનિય વિષયોને દર્શાવતી વિભિન્ન ડેફિનેટીવ અને સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવી છે.[૭][૮] ૧૯૯૩માં પ્રથમ વ્યક્તિલક્ષી ટિકિટ (પર્સનાલીટી સ્ટેમ્પ) બહાર પાડવામાં આવી હતી જે અઝેરબીજાનના ત્રીજા રાષ્ટ્રપ્રમુખ હૈદર અલિયેવના ચિત્રને દર્શાવતી હતી.

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ "Mail - History and development". Ministry of Communications and Information Technologies of the Republic of Azerbaijan.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Stanley Gibbons Stamp Catalogue Part 10 Russia. 6th edition. London: Stanley Gibbons, 2008, pp.353-376. ISBN 0-85259-652-9
 3. Miller, Rick. "Overprinted Soviet stamps: quest or quagmire?". Linn's Stamp News. મૂળ માંથી 2009-07-01 પર સંગ્રહિત.
 4. "Home page". Azərpoçt. મૂળ માંથી 2011-03-09 પર સંગ્રહિત.
 5. "Post stamps". Azermarka. મૂળ માંથી 2012-03-21 પર સંગ્રહિત.
 6. "Azerbaijan". Universal Postal Union. મૂળ માંથી 2019-06-26 પર સંગ્રહિત.
 7. "First day cover". Azermarka. મૂળ માંથી 2018-09-28 પર સંગ્રહિત.
 8. "Envelopes with stamps". Azermarka. મૂળ માંથી 2018-09-28 પર સંગ્રહિત.

સંદર્ભસૂચિ[ફેરફાર કરો]

 • Stanley Gibbons Ltd: various catalogues
 • Dobin, Manfred (1993). Postmarks of Russian Empire (Pre adhesive period). Standard Kollektion. ISBN 978-5-85-387022-2.
 • Rossiter, Stuart & Fowler, John (1991). World History Stamp Atlas (reprint આવૃત્તિ). Black Cat. ISBN 0-7481-0309-0.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]