એમ. સી. ચાગલા

વિકિપીડિયામાંથી
મોહમ્મદઅલી કરીમ ચાગલા
એમ. સી. ચાગલા (ડાબે), અમેરિકાના ભારતીય રાજદૂત તરીકે પ્રેસીડેન્ટ જ્હોન એફ કેનેડી સાથે વ્હાઇટ હાઉસ ખાતે, ૨૨ મે ૧૯૬૧.
વિદેશ મંત્રી
પદ પર
૧૪ નવેમ્બર ૧૯૬૬ – ૫ સપ્ટેમ્બર ૧૯૬૭
પુરોગામીસ્વર્ણ સિંઘ
અનુગામીઈન્દિરા ગાંધી
માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય
પદ પર
૨૧ નવેમ્બર ૧૯૬૩ – ૧૩ નવેમ્બર ૧૯૬૬
પુરોગામીહુમાયું કબીર
અનુગામીફકરુદ્દીન અલી અહેમદ
યુનાઇટેડ કિંગડમમાં ભારતના ઉચ્ચાયુક્ત
પદ પર
એપ્રિલ ૧૯૬૨ – સપ્ટેમ્બર ૧૯૬૩
અમેરિકામાં ભારતના રાજદૂત
પદ પર
૧૯૫૮ – ૧૯૬૧
પુરોગામીગગનવિહારી લલ્લુભાઈ મહેતા
અનુગામીબી. કે. નહેરૂ
બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
પદ પર
૧૯૪૭ – ૧૯૫૮
અનુગામીહસુમાત્રી ખૂબચંદ ચૈનાની
અંગત વિગતો
જન્મ(1900-09-30)30 September 1900
મુંબઈ, મુંબઈ રાજ્ય, બ્રિટીશ ભારત
મૃત્યુ9 February 1981(1981-02-09) (ઉંમર 80)
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણસંસ્થાલિંકન કોલેજ, ઓક્સફોર્ડ

મોહમ્મદઅલી કરીમ ચાગલા (૩૦ સપ્ટેમ્બર ૧૯૦૦ – ૯ ફેબ્રુઆરી ૧૯૮૧) એ ભારતીય ન્યાયવિદ, રાજનીતિજ્ઞ અને કેબિનેટ મંત્રી હતા જેઓ ૧૯૪૭થી ૧૯૫૮ સુધી બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યરત રહ્યા.[૧]

સક્રિય જીવન અને કારકિર્દી[ફેરફાર કરો]

૩૦ સપ્ટેમ્બર ૧૯૦૦ના રોજ એક સંપન્ન ગુજરાતી ઇસ્માઇલી ખોજા પરીવારમાં જન્મેલા ચાગલાને ૧૯૦૫માં તેમની માતાના અવસાનને કારણે બાળપણથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલ અને કોલેજમાં થયું. ત્યારબાદ તેમણે ૧૯૧૮ – ૧૯૨૧ના ગાળામાં લિંકન કોલેજ, ઓક્સફોર્ડ ખાતે આધુનિક ઇતિહાસનો અભ્યાસ કરી ૧૯૨૧માં સ્નાતક તથા ૧૯૨૫માં અનુસ્નાતકની પદવી મેળવી.[૨] ૧૯૨૨માં તેમને બાર ઓફ ધ બોમ્બે હાઈકોર્ટમાં ભરતી કરવામાં આવ્યા જ્યાં તેમને જમશેદજી કાંગા અને મહમદ અલી ઝીણા સાથે કામ કરવાનો મોકો મળ્યો.

શરૂઆતમાં અન્ય રાષ્ટ્રવાદીઓની જેમ જ ચાગલા પણ મહમદ અલી ઝીણાના રાષ્ટ્રવાદી વિચારોથી પ્રેરીત થઈ ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના સભ્ય બન્યા. તેમણે મુંબઈમાં સાત વર્ષ સુધી ઝીણાના હાથ નીચે કામ કર્યું. જોકે ઝીણાએ અલગ મુસ્લિમ રાષ્ટ્રની માંગ શરૂ કર્યા બાદ તેમણે ઝીણા સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા.[૩] ચાગલાએ અન્ય કેટલાક સહયોગીઓની મદદથી મુંબઈમાં મુસ્લિમ રાષ્ટ્રવાદી પાર્ટીની સ્થાપના કરી હતી. ૧૯૨૭માં ગવર્મેન્ટ લો કોલેજ, મુંબઈમાં કાયદાના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા જ્યાં તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે કામ કર્યું. ૧૯૪૧માં તેઓ બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે વરણી પામ્યા, ૧૯૪૮માં મુખ્ય ન્યાયાધીશ બન્યા અને ૧૯૫૮ સુધી પોતાના પદ પર કાર્યરત રહ્યા. આ દરમિયાન પોતાના લેખન તથા વક્તવ્યમાં તેઓ ભારતીય સ્વતંત્રતા સંઘર્ષના કારણો અને સાંપ્રદાયિક દ્વિ–રાષ્ટ્ર વિચારધારાના વિરોધમાં દૃઢતાથી પોતાની વાત રજૂ કરતા રહ્યા.[૪]

ચાગલા ૧૯૪૬માં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પહેલા ભારતીય પ્રતિનિધિમંડળનો હિસ્સો રહ્યા. ૪ ઓક્ટોબર થી ૧૦ ડિસેમ્બર ૧૯૫૬ સુધી તેમણે તત્કાલીન મુંબઈ રાજ્યના કાર્યવાહક ગવર્નર (રાજ્યપાલ) તરીકે કાર્ય કર્યું. મુખ્ય ન્યાયાધીશ તરીકેના તેમના કાર્યકાળ બાદ તેઓ વિવાદાસ્પદ હરિદાસ મુંધરા એલ આઈ સી કૌભાંડ સંબંધે નાણામંત્રી ટી. ટી. ક્રિષ્ણામાચારીની તપાસ કરનાર આયોગ રૂપે કાર્ય કર્યું અને નાણામંત્રીને પોતાના પદ પરથી રાજીનામું આપવા મજબૂર કર્યા. સપ્ટેમ્બર ૧૯૫૭ થી ૧૯૫૯ દરમિયાન તેઓ હેગ ખાતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસના ઍડ–હોક ન્યાયાધીશ બન્યા.

સેવાનિવૃત્તિ બાદ તેમણે ૧૯૫૮ થી ૧૯૬૧ સુધી અમેરિકામાં ભારતીય રાજદૂત તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેમણે એપ્રિલ ૧૯૬૨ થી સપ્ટેમ્બર ૧૯૬૩ સુધી યુનાઇટેડ કિંગડમમાં ભારતના ઉચ્ચાયુક્ત તરીકે ફરજ બજાવી. યુ.કે.થી પરત ફરતાં તેમને કેબિનેટ મંત્રીના પદ માટે પ્રસ્તાવ મળ્યો જે તેમને સ્વીકારી લેતાં ૧૯૬૩ થી ૧૯૬૬ સુધી શિક્ષણ મંત્રી તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ નવેમ્બર ૧૯૬૬ થી સપ્ટેમ્બર ૧૯૬૭ સુધી વિદેશ મંત્રાલયમાં સેવારત રહી સરકારી સેવાઓ છોડી દીધી. શેષ જીવન વર્ષોમાં તેઓ કાયદાના ક્ષેત્રમાં સક્રીય રહ્યા.

અંગત જીવન અને પરીવાર[ફેરફાર કરો]

૧૯૩૦માં ચાગલાએ તેમના જ સમુદાયના અને તેમની સમકક્ષ સાધનસંપન્ન પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારની મહેરુનિસા ધારસી જીવરાજ સાથે ભારતીય પરંપરા મુજબ લગ્ન કર્યા. ચાગલા દંપતિને બે પુત્રો જહાંગીર (૧૯૩૪) અને ઇકબાલ (૧૯૩૯) તથા બે પુત્રીઓ હુસનારા (૧૯૩૨) અને નુરૂ સહિત ચાર સંતાનો હતા. તેમના પુત્ર ઇકબાલ ચાગલા વકીલ બન્યા જેમની પુત્રી (એમ. સી. ચાગલાની પૌત્રી) રોહિકા તાતા સન્સના ચેરમેન સાયરસ મિસ્ત્રીના પત્ની છે. ઇકબાલના પુત્ર રિયાજ (જ. ૧૯૭૦) જુલાઈ ૨૦૧૭માં બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા.[૫]

અંતિમ વર્ષો અને અવસાન[ફેરફાર કરો]

ભારતીય ટપાલ ટિકિટ પર ચાગલા (૨૦૦૪)

૧૯૭૩માં ચાગલાએ તેમની આત્મકથા રોસીઝ ઇન ડિસેમ્બર પ્રકાશિત કરી. તેમણે કટોકટીનો પૂરજોશમાં વિરોધ કર્યો. ૯ ફેબ્રુઆરી ૧૯૮૧ના રોજ હૃદય બંધ પડી જવાના કારણે ૮૧ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. પારંપરીક મુસ્લિમ દફનવિધિની જગ્યાએ તેમની ઇચ્છા મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના સન્માનમાં બોમ્બે ઉચ્ચ ન્યાયાલય બંધ રાખવામાં આવ્યું હતું તથા તેમની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૯૮૫માં ઉચ્ચ ન્યાયાલયમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. પ્રતિમાના શિલાલેખ પર આ પ્રમાણે શબ્દો અંકિત કરેલા છે, "એક મહાન ન્યાયાધીશ, એક મહાન નાગરિક અને એથી પણ વિશેષ એક મહાન મનુષ્ય."

પૂરક વાંચન[ફેરફાર કરો]

  • Roses In December, an autobiography, M.C. Chagla, Tenth Edition, Bharatiya Vidya Bhavan, 2000, ISBN 81-7276-203-8

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Chandrachud, Abhinav (7 February 2014). "My dear Chagla". Frontline. મેળવેલ 8 September 2017.
  2. "M. C. Chagla | Making Britain". www.open.ac.uk (અંગ્રેજીમાં). મેળવેલ 2018-11-28.
  3. Chagla, M.C. (1 January 1982). Roses in December (9th આવૃત્તિ). Mumbai: Bharatiya Vidya Bhavan.
  4. Iyer, V.R.Krishna (22 October 2000). "A person par excellence". The Hindu. મેળવેલ 8 September 2017.
  5. "When the country's best legal minds came together to celebrate Riaz Chagla's Bombay HC appointment". The Economic Times. 6 July 2017.