કાશી વિશ્વનાથ મંદિર, વડોદરા
કાશી વિશ્વનાથ મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેર ખાતે લાલબાગ વિસ્તારમાં આવેલ છે. આ ઐતિહાસિક મંદિરની સ્થાપના લગભગ ૧૨૦ વર્ષ પહેલા સયાજીરાવ ગાયકવાડ મહારાજના શાસન દરમિયાન થઈ હતી.[૧].
આ મંદિરનું સંચાલન વર્તમાન સમયમાં એક ટ્રસ્ટ કરી રહ્યું છે. કાશી વિશ્વનાથ મંદિર ગાયકવાડ મહારાજના લક્ષ્મી વિલાસ મહેલની બરાબર સામે આવેલું છે. મંદિરનું પ્રવેશદ્વાર અત્યંત સુંદર અને નકશીકામવાળું છે. અહીં કાળા પથ્થરમાંથી નિર્મિત નંદીની સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલ છે. તેની સાથે જ સૌભાગ્યના પ્રતિક મનાતા કાચબાની પ્રતિમા પણ છે. નંદીની પ્રતિમાની સ્વામી વલ્લભરાવ તેમ જ સ્વામી ચિદાનંદજીની પાષાણ પ્રતિમાઓ પણ સ્થાપિત છે.
મુખ્ય મંદિર બે ભાગમાં વહેંચાયેલ છે, જેના પહેલા ભાગમાં એક વિશાળ કક્ષ છે. આ કક્ષમાં સત્સંગ અને પૂજા માટે શ્રદ્ધાળુઓ એકત્રિત થાય છે. બીજા ભાગમાં મંદિરનું સફેદ સંગમરમર વડે નિર્મિત ગર્ભગૃહ આવેલ છે. ગર્ભગૃહની મધ્યમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, જેના આધાર પર ચાંદીનુ પોલીશ કરવામાં આવ્યુ છે. ગર્ભગૃહ ખાતે શ્રધ્ધાળુઓ માટે પ્રવેશ નિષેધ છે. શિવલિંગ પર જળ, દૂધ વગેરેના અભિષેક માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે.
સત્સંગ ભવનના સ્તંભો પર અને મંદિરની દિવાલો પર વિવિધ દેવી-દેવતાઓની સુંદર અને આકર્ષક મૂર્તિઓનું નકશીકામ કરવામાં આવેલ છે. મંદિરની છત પર વિવિધ દેવી દેવતાઓની સુંદર અને ધ્યાનાર્ષક મૂર્તિઓ કોતરવામાં આવેલ છે, સાથે જ સુંદર અને મનમોહક નકશીકામ પણ છત પર કરવામાં આવેલ છે[૨].
મંદિર પરિસરમાં હનુમાન મંદિર અને સોમનાથ મહાદેવનું મંદિર પણ છે. અન્ય એક નાના મંદિરમાં સ્વામી ચિદાનંદ સરસ્વતીની ચરણ પાદુકાઓ સ્થાપિત છે. શ્રાવણ મહિનાના દરેક શનિવાર અને સોમવારના દિવસોમાં અહીં મેળો ભરાય છે. મહાશિવરાત્રીના દિવસે પણ મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. મંદિરમાં તીર્થયાત્રીઓ તેમ જ સાધુસંતો માટે રહેવાની અને ભોજનની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "વડોદરાનુ કાશી વિશ્વનાથ મંદિર". ગુજરાતી વેબદુનિયા. મેળવેલ ૧૪ જાન્યુઆરી ૨૦૧૮.
- ↑ "વડોદરાનુ કાશી વિશ્વનાથ મંદિર". ગુજરાત પર્યટન (ગુજરાતના જોવાલાયક સ્થળો). ૧૯ ૦ગસ્ટ ૨૦૦૯. મેળવેલ ૧૪ જાન્યુઆરી ૨૦૧૮. Check date values in:
|date=
(મદદ)