લખાણ પર જાઓ

કૃતજ્ઞતા

વિકિપીડિયામાંથી

કૃતજ્ઞતા , આભારવશતા , અથવા પ્રશંસા એ વ્યક્તિએ જે લાભ મેળવ્યા છે અથવા મેળવવાની છે તેના માટેની સ્વીકારદર્શક એવી હકારાત્મક ભાવના અથવા અભિગમ છે. કૅલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધક ડેવિસ, રોબર્ટ ડેવિસ અનુસાર, કૃતજ્ઞતા ધરવા માટે ત્રણ બાબતો આવશ્યક છેઃ એક કૃતજ્ઞ વ્યક્તિએ એ રીતે વ્યવહાર કરવો જરૂરી છે જે 1) તેના માટે ખર્ચાળ/ અઘરો હોય, 2) મેળવનાર માટે મૂલ્યવાન હોય, અને 3) ઈરાદાપૂર્વક બદલામાં આપવામાં આવ્યો હોય.[] ગ્રેટિટ્યૂડ (કૃતજ્ઞતા) શબ્દની વ્યુત્પત્તિ લેટિન શબ્દ ગ્રેટિયા પરથી થઈ છે, જે ગ્રેસ (કૃપા), ગ્રેટફુલનેસ (આભારવશતા), અને ગ્રેશિયસનેસ (કૃપાળુતા) સાથે સંકળાયેલો છે.[] આ લેટિન મૂળ "દયાળુપણું, ઉદારતા, અને ભેટ આપવાનું અને મેળવવાનું સૌંદર્ય"ના ખ્યાલો તરફ અંગુલિનિર્દેશ કરે છે[] ઐતિહાસિક રીતે, કૃતજ્ઞતાનો અનુભવ એ અનેક વિશ્વ ધર્મોનું કેન્દ્ર રહ્યો છે,[] અને એડમ સ્મિથ જેવા નૈતિક ફિલસૂફોએ તેના પર વિસ્તૃત વિચાર કર્યો છે.[] અલબત્ત, મનોવિજ્ઞાનમાં કૃતજ્ઞતા પરનો વ્યવસ્થિત અભ્યાસ હજી 2000ના વર્ષથી શરૂ થયો છે, આમ બનવાનું સંભવતઃ કારણ એ પરંપરાગત રીતે મનોવિજ્ઞાન હંમેશાં હકારાત્મક ભાવનાઓ કરતાં હતાશાને સમજવા પર જ વધુ કેન્દ્રિત રહ્યું હતું તે હોઈ શકે. જો કે, હકારાત્મક મનોવિજ્ઞાન અભિયાનના પગલે,[] કૃતજ્ઞતા મનોવૈજ્ઞાનિક સંશોધનની મુખ્યધારાના કેન્દ્રબિંદું સમાન બની ગઈ છે.[] મનોવિજ્ઞાનમાં, કૃતજ્ઞતા પરનો અભ્યાસ કૃતજ્ઞતાની ભાવનાનો અલ્પકાલીન અનુભવ (જે-તે તબક્કા પૂરતી સીમિત કૃતજ્ઞતા), લોકો કેટલી વખતે, કેટલા અંતરાલે કૃતજ્ઞતા અનુભવે છે તે અંગેના વૈયક્તિક તફાવતો (વિશિષ્ટ કૃતજ્ઞતા), અને આ બંને પાસાં વચ્ચેનો સંબંધ સમજવા પર કેન્દ્રિત છે.[][]

એક ભાવના તરીકે કૃતજ્ઞતા

[ફેરફાર કરો]

કૃતજ્ઞતા એ એક એવી ભાવના છે જે લોકોમાં મદદ મેળવ્યા પછી, તેઓ પરિસ્થિતિનું અર્થઘટન કઈ રીતે કરે છે, તેના આધારે ઊભી થતી હોય છે. ખાસ કરીને કૃતજ્ઞતાનો અનુભવ ત્યારે થાય છે જ્યારે લોકોને એમ લાગે કે તેમને મળેલી મદદ એ (અ) તેમના માટે મૂલ્યવાન/અગત્યની છે, (બ) તેમને મદદ કરનાર માટે મોંઘી/મહત્ત્વની છે, અને (ક) મદદ કરનારે હિતકારી કે સદ્ભાવી ઈરાદાથી મદદ કરી છે (કોઈ છૂપા ઈરાદાઓથી નહીં).[][] જ્યારે તેમને મદદ આપવામાં આવી હતી તેવી જ કોઈ પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવે, ત્યારે જુદા જુદા લોકો પરિસ્થિતિને મૂલ્ય, કિંમત, અને હિતકારી/સદ્ભાવનાપૂર્ણ ઈરાદાઓની સાપેક્ષે તદ્દન ભિન્ન રીતે જુએ છે, અને આ બાબત શા માટે લોકો તેમને મળેલી મદદ પછી જુદા જુદા સ્તરની કૃતજ્ઞતા અનુભવે છે તેનો ખુલાસો આપે છે).[][૧૦] જે લોકો જીવનમાં સામાન્ય રીતે વધુ કૃતજ્ઞતા અનુભવે છે તે સ્વભાવગત રીતે મદદને વધુ કીમતી, વધુ હિતકારક, અને વધુ હિતકારી/સદ્ભાવપૂર્વક અપાયેલી માનતા હોય છે; અને આ સ્વભાવગત પૂર્વગ્રહ શા માટે કેટલાક લોકો અન્યો કરતાં વધુ કૃતજ્ઞતા અનુભવતા હોય છે તેનું સ્પષ્ટીકરણ આપે છે.[]

કૃતજ્ઞતા અને ઉપકારવશતા

[ફેરફાર કરો]

કૃતજ્ઞતા અને ઉપકારવશતા એક જ નથી. ભલે બંને ભાવનાઓ મદદ મળ્યા પછી ઊભી થતી હોય, ઉપકારવશતા ત્યારે ઊભી થાય છે જ્યારે વ્યક્તિને એમ લાગતું હોય કે તેઓ ઉપકાર તળે દબાયેલા છે અને તેમણે એ મદદનો બદલો વાળવા માટે, વળતરરૂપે કશુંક કરવાનું છે.[૧૧] બંને ભાવનાઓ જુદી જુદી ક્રિયાઓ તરફ દોરે છે; ઉપકારવશતા વ્યક્તિને તેને જેની મદદ મળી હોય તે વ્યક્તિનો ભેટો ટાળવા માટે પ્રેરે છે, જ્યારે કૃતજ્ઞતા વ્યક્તિને તેમને મદદ કરનારને વારંવાર મળવા માટે અને તેમની સાથેના સંબંધોને દૃઢ કરવા માટે પ્રેરે છે.[૧૨][૧૩]

વર્તણૂક કે વ્યવહારના અભિપ્રેરક તરીકે કૃતજ્ઞતા

[ફેરફાર કરો]

દાતાઓમાં ભવિષ્યની સમાજતરફી વર્તણૂક દૃઢ કરવા માટે પણ કૃતજ્ઞતા મદદરૂપ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, એક પ્રયોગમાં જાણવા મળ્યું હતું કે પોતાના ગ્રાહકોને બોલાવીને આભાર માનનાર એક ઘરેણાંની દુકાનમાં તે પછી ખરીદીમાં 70%નો વધારો જોવા મળ્યો. તેની સરખામણીમાં, જે ગ્રાહકોનો આભાર માનવામાં આવ્યો અને તેમને વેચાણ અંગેની માહિતી આપવામાં આવી, ત્યાં ખરીદીમાં માત્ર 30%નો વધારો જોવા મળ્યો, અને જ્યાં ગ્રાહકોને બોલવાયા જ નહીં ત્યાં બિલકુલ વધારો જોવા મળ્યો નહીં.[૧૪] બીજા એક અભ્યાસમાં, એક રેસ્ટોરન્ટના નિયમિત ગ્રાહકોને જ્યારે તેમના આવ્યાની નોંધ સાથે "થેન્ક યૂ" સેવકો લખીને આપતાં ત્યારે તેમને મોટી બક્ષિસ મળતી.[૧૫]

કૃતજ્ઞતાના મુખ્ય સૈદ્ધાન્તિક અભિગમો

[ફેરફાર કરો]

તાજેતરમાં આધ્યાત્મિકતા અને કૃતજ્ઞતા વચ્ચેની કડી અભ્યાસ માટેનો લોકપ્રિય વિષય બની ગઈ છે. આ બંને લાક્ષણિકતાઓ ચોક્કસ જ એકબીજા પર અવલંબિત નથી, પણ અભ્યાસો એવું દર્શાવે છે કે આધ્યાત્મિકતા એક વ્યક્તિની કૃતજ્ઞતા અનુભવવાની ક્ષમતામાં વધારો કરવા સક્ષમ છે અને તેથી, જે લોકો ધાર્મિક સેવાઓમાં નિયમિતપણે હાજરી આપે છે અથવા તો ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય હોય છે, તેઓ તેમનાં જીવનનાં તમામ ક્ષેત્રોમાં વધુ કૃતજ્ઞતાનો ભાવ ધરાવતા હોય તેવી શક્યતા છે.[][૧૬] ક્રિશ્ચિયન, બૌદ્ધ, મુસ્લિમ, યહૂદી, અને હિંદુ પરંપરાઓમાં કૃતજ્ઞતાને. એક બહુમૂલ્ય માનવ વલણ તરીકે જોવામાં આવે છે.[૧૭] કૃતજ્ઞતા સાથે ઈશ્વરની પૂજા કરવાની બાબત આવા ધર્મોમાં સામાન્ય છે અને તેથી, કૃતજ્ઞતાની વિભાવના ધાર્મિક લખાણો, ઉપદેશો અને પરંપરાઓમાં વ્યાપ્ત જોવા મળે છે. આ જ કારણે, ધર્મો જે સૌથી સામાન્ય બાબતોમાંથી એકને પોતાના અનુયાયીઓમાં જગાડવા અને જાળવી રાખવા ઇચ્છે છે તે કૃતજ્ઞતા છે અને તેને સર્વસામાન્ય ધાર્મિક લાગણી તરીકે જોવામાં આવે છે.[૧૮]

કૃતજ્ઞતા અંગેની હિબ્રાઈક સંકલ્પનાઓ

[ફેરફાર કરો]

યહૂદી ધર્મમાં, કૃતજ્ઞતા એ ઉપાસનાનું અનિવાર્ય અંગ છે અને એક પૂજારીના જીવનના દરેક પાસાનો હિસ્સો છે. હિબ્રૂ વિશ્વદૃષ્ટિ અનુસાર, તમામ બાબતો ઈશ્વરમાંથી આવે છે અને તેથી, યહૂદી ધર્મના અનુયાયીઓ માટે કૃતજ્ઞતા એ અત્યંત અગત્યની છે. હિબ્રૂ ધર્મગ્રંથો કૃતજ્ઞતાની વિભાવનાથી છલોછલ છે. તેમનાં પ્રાર્થનાસ્તોત્રોમાંનાં બે ઉદાહરણો – "ઓ સ્વામી, મારા પ્રભુ, હું હરહંમેશ તારો આભાર માનતો રહીશ," અને "હું મારા પૂરા હૃદયથી ઈશ્વરનો આભાર માનીશ" (Ps. 30:12; Ps. 9:1). શેમાથી શરૂ થતી યહૂદી પ્રાર્થનાઓમાં પણ મોટા ભાગે કૃતજ્ઞતાને સામેલ કરવામાં આવે છે, જેમાં ઉપાસક કૃતજ્ઞતાવશ થઈને કહે છે, "તમારે તમારા પૂરા હૃદયથી, તમારા પૂરા આત્માથી, અને તમારી પૂરી શક્તિથી, શાશ્વતને, તમારા ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ" (Deut. 6:5). સમાપન પ્રાર્થના, એલેનુ, પણ યહૂદી લોકોને અમુક ચોક્કસ ભાગ્ય આપવા માટે પ્રભુનો આભાર માનીને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ પ્રાર્થનાઓ ઉપરાંત, શ્રદ્ધાળુઓ સમગ્ર દિવસ દરમ્યાન બૅરેકહોટ્સ કહેવાતાં સો કરતાં વધુ આશીર્વચનોનો પાઠ કરતાં હોય છે.[૧૯]

કૃતજ્ઞતા અંગેની ખ્રિસ્તી સંકલ્પનાઓ

[ફેરફાર કરો]

કૃતજ્ઞતા ખ્રિસ્તીના જીવનને ઢાળીને આકાર આપતી હોવાનું કહેવામાં આવે છે. ખ્રિસ્તી સુધારક, માર્ટિન લૂથરે, કૃતજ્ઞતાને "ખ્રિસ્તીના મૂળ અભિગમ" તરીકે વર્ણવી હતી અને તેને આજે પણ "સુવાર્તાના હાર્દ સમી" ગણવામાં આવે છે.[૧૮] એક વ્યક્તિગત ઈશ્વરે તેમનું સર્જન કર્યું છે એમ દરેક ખ્રિસ્તી માનતા હોવાથી, તેમના સર્જનહારની પ્રશંસા કરવા અને તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ખ્રિસ્તીઓને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવે છે. ખ્રિસ્તી કૃતજ્ઞતામાં, પ્રભુને તમામ સારી બાબતોને આપનારા નિઃસ્વાર્થી દાતા તરીકે જોવામાં આવે છે અને તેથી ખ્રિસ્તીઓમાં ઉપકારવશતાનો ભારે ભાવ જોવા મળે છે જે ખ્રિસ્તીઓ વચ્ચે જોડાણનું એક સામાન્ય કારણ બને છે, અને એક અનુયાયીના જીવનનાં તમામ પાસાંઓને આકાર આપે છે. ખ્રિસ્તી ધર્મમાં કૃતજ્ઞતા એ પ્રભુની ઉદારતા પ્રત્યેનો સ્વીકારદર્શક ભાવ છે જે ખ્રિસ્તીઓને તેમના પોતાના વિચારો અને વ્યવહારને એવા આદર્શ અનુસાર ગોઠવવા માટે પ્રેરણા આપે છે.[૨૦] માત્ર એક ભાવુક લાગણીને બદલે, ખ્રિસ્તી કૃતજ્ઞતાને માત્ર ભાવનાઓ અને વિચારોને જ નહીં પણ વ્યવહાર અને કાર્યોને પણ આકાર આપનાર ગુણ તરીકે જોવામાં આવે છે.[૧૮] 17મી સદીના ધર્મપુનરુદ્ધારક ઉપદેશક અને ધર્મશાસ્ત્રી, જ્હોનાથન એડવર્ડ અનુસાર, તેમની અ ટ્રીટાઈઝ કનસર્નિંગ રિલિજિયસ અફેક્શન્સમાં, ઈશ્વર પ્રત્યેના પ્રેમ, કૃતજ્ઞતા અને આભારવશતાને સાચા ધર્મની નિશાનીઓમાંની ગણાવી છે. આ અર્થઘટનના કારણે, ધાર્મિક આધ્યાત્મિકતાના આધુનિક માપદંડોમાં પ્રભુ પ્રત્યેની આભારવશતા અને કૃતજ્ઞતાના મૂલ્યાંકનનો સામેલ કરવામાં આવ્યા છે. ઓલપોર્ટે (1950) સૂચવ્યું હતું કે પુખ્ત ધાર્મિક હેતુઓ કૃતજ્ઞતાની પ્રગલ્ભ ભાવનાઓમાંથી જન્મે છે અને એડવર્ડ્સ(1746/1959)નો દાવો હતો કે પોતાના જીવનમાં પ્રભુની હાજરી શોધવાના સૌથી ચોક્કસ રસ્તાઓમાંનો એક તે કૃતજ્ઞતાની લાગણી છે. સેમ્યુઅલ્સ અને લેસ્ટરે (1985)માં કરેલા એક અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે કૅથલિક નન અને પાદરીઓના એક નાના જૂથના નમૂનામાં, કુલ જુદી જુદી 50 ભાવનાઓમાંથી, તેમણે પ્રભુ પ્રત્યે સૌથી વધુ અનુભવેલી લાગણીઓમાં પ્રેમ અને કૃતજ્ઞતા મોખરે હતા[૧૯]

કૃતજ્ઞતા અંગેની ઈસ્લામિક સંકલ્પનાઓ

[ફેરફાર કરો]

પવિત્ર ઈસ્લામિક ગ્રંથ, કુરાન, કૃતજ્ઞતાના વિચારોથી ભરેલો છે. યહૂદી ધર્મ અને ખ્રિસ્તી ધર્મની પરંપરાઓની જેમ, ઈસ્લામ પણ તેના અનુયાયીઓને દરેક સંજોગોમાં ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા ધરવા અને તેનો આભાર માનવા માટે પ્રોત્સાહિત કરે છે. જે લોકો કૃતજ્ઞ રહે છે તેમને તેનો સારો બદલો મળે છે એ વિચાર પર ઈસ્લામિક બોધ ભાર મૂકે છે. એક પરંપરાગત ઈસ્લામિક ઉક્તિ કહે છે, "સ્વર્ગ માટે જેમને સૌથી પહેલાં પસંદ કરવામાં આવશે તે એ હશે જેમણે હર સંજોગોમાં ઈશ્વરની સ્તુતિ કરી હશે"[૨૧] કુરાનમાં સુરા 14માં એ પણ લખવામાં આવ્યું છે કે જે લોકો કૃતજ્ઞ રહે છે તેમને ઈશ્વર વધુ આપે છે. મહમ્મદ પયંગબરે પણ કહ્યું હતું, "તમને જે સમૃદ્ધિ મળી છે તે માટે કૃતજ્ઞતા ધરાવવી એ તે સમૃદ્ધિ ચાલુ રહે તે માટેનો શ્રેષ્ઠ ઉપાય છે." ઈસ્લામિક આસ્થાએ અનિવાર્ય ગણાવેલી અનેક પ્રથાઓ પણ કૃતજ્ઞતાને પ્રોત્સાહિત કરે છે. ઈસ્લામનો આધારસ્તંભ દરરોજ નમાઝ પઢવા(પ્રાર્થના કરવા)નું કહે છે જે તેના આસ્તિકોને દિવસમાં પાંચ વખત ઈશ્વરની નમાઝ પઢીને તેના સારાપણા માટે તેનો આભાર માનવા માટે પ્રોત્સાહિત કરે છે. રમઝાનના મહિના દરમ્યાન ઉપવાસનો આધારસ્તંભ, આસ્તિકોને કૃતજ્ઞતાની અવસ્થામાં લાવવા માટેના હેતુથી ઊભો કરવામાં આવ્યો છે[૧૯]

કૃતજ્ઞતામાં વૈયક્તિક ભિન્નતા

[ફેરફાર કરો]

કૃતજ્ઞતા પરનું મોટા ભાગનું તાજેતરનું મનોવૈજ્ઞાનિક સંશોધનકાર્ય કૃતજ્ઞતામાં જોવા મળતી વૈયક્તિક ભિન્નતાઓ પર, અને વધુ કે ઓછા કૃતજ્ઞ હોવાનાં પરિણામો પર કેન્દ્રિત રહ્યું છે.[] કૃતજ્ઞતામાં જોવા મળતી વૈયક્તિક ભિન્નતાઓને માપવા માટે ત્રણ માપદંડો વિકસાવવામાં આવ્યાં છે, જેમાંનો દરેક કંઈક અંશે જુદી વિભાવનાઓને તપાસે છે.[૨૨] GQ6[૨૩] લોકો કેટલા અંતરાલે કેટલી વખત અને કેટલી તીવ્રતાથી કૃતજ્ઞતા અનુભવે છે તે અંગેની વૈયક્તિક ભિન્નતાઓને માપે છે. પ્રશંસાનો માપદંડ[૨૪] કૃતજ્ઞતાના 8 જુદાં જુદાં પાસાંઓને માપે છેઃ લોકોની પ્રશંસા, માલમિલકત, વર્તમાન ક્ષણ, કર્મકાંડ, ભીરુતા, સામાજિક સરખામણીઓ, અસ્તિત્વની ચિંતાઓ અને વ્યવહાર, કે જે કૃતજ્ઞતા અભિવ્યક્ત કરતા હોય. GRAT[૨૫] અન્ય લોકો પ્રત્યેની કૃતજ્ઞતા, એકંદર વિશ્વ પ્રત્યેની કૃતજ્ઞતા, અને તમારી પાસે જે નથી તે માટે મનદુઃખના અભાવની મૂલવણી કરે છે. તાજેતરનો અભ્યાસ દર્શાવે છે કે આ દરેક માપદંડ ખરેખર તો જીવન પ્રત્યેના સમાન અભિગમોને જ માપે છે; આ એમ સૂચવે છે કે કૃતજ્ઞતામાં જોવા મળતી વૈયક્તિક ભિન્નતાઓ આ તમામ ઘટકોને સમાવે છે.[૨૨]

આનુભાવિક તારણો

[ફેરફાર કરો]

કૃતજ્ઞતા અને સુખાકારી

[ફેરફાર કરો]

તાજેતરના સંશોધનકાર્યનો વિશાળ હિસ્સો સૂચવે છે કે જે લોકો વધુ કૃતજ્ઞ હોય છે તેઓ વધુ સુખી હોય છે. કૃતજ્ઞ લોકો વધુ ખુશ હોય છે, ઓછા હતાશ, ઓછા તણાવભર્યા, અને તેમનાં જીવન અને સામાજિક સંબંધોથી વધુ સંતુષ્ટ હોય છે[૨૬][૨૭] કૃતજ્ઞ લોકો તેમના વાતાવરણ, અંગત વિકાસ, જીવનનો હેતુ અને આત્મ સ્વીકૃતિ બાબતે પણ વધુ ઊંચું નિયંત્રણ સ્તર ધરાવતા હોય છે.[૨૮] જીવનમાં અનુભવાતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે કૃતજ્ઞ લોકો પાસે વધુ હકારાત્મક રસ્તાઓ હોય છે, તેઓ અન્ય લોકો પાસેથી ટેકો માગે તેવી શક્યતાઓ વધુ હોય છે, તેઓ પોતાના અનુભવનું પુનઃઅર્થઘટન કરે છે અને તેમાંથી વિકસે છે, અને સમસ્યા સાથે કેવી રીતે કામ પાર પાડવું તેનું આયોજન કરવામાં વધુ સમય વ્યતીત કરે છે.[૨૯] વળી કૃતજ્ઞ લોકો કશાકનો પણ સામનો કરવા માટે નકારાત્મક વ્યૂહોનો સહારો ઓછો લે છે, સમસ્યાને ટાળવાના, સમસ્યાને નકારવાના, પોતાની જાતને દોષ આપવાના, અથવા વ્યસનનું શરણ લઈને છટકવાના પ્રયાસો કરે તેવી શક્યતાઓ ઓછી હોય છે.[૨૯] કૃતજ્ઞ લોકો વધુ સારી ઊંઘ મેળવે છે, અને તેનું કારણ કદાચ ઊંઘવા જતા પહેલાં તેઓ ઓછું નકારાત્મક અને વધુ સકારાત્મક વિચારે છે તે હોઈ શકે છે[૩૦].

કૃતજ્ઞતાને કોઈ પણ સ્વભાવગત લાક્ષણિકતાના માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સૌથી મજબૂત કડીઓમાંની એક ગણવામાં આવે છે. અસંખ્ય અભ્યાસો એમ સૂચવે છે કે કૃતજ્ઞ લોકો વધુ આનંદસભર હોય તથા ઓછો તણાવ અને હતાશા અનુભવતા હોય તેવી શક્યતાઓ વધુ છે.[૩૧][૩૨] કૃતજ્ઞતાને લગતા એક અભ્યાસમાં, સહભાગીઓના જીવનની એકંદર ગુણવત્તા સુધારવા માટે ડિઝાઈન કરવામાં આવેલી છ ઉપચારક હસ્તક્ષેપ પરિસ્થિતિઓ(સેલિગ્મૅન et. all., 2005)માંથી એક સહભાગીઓને અવ્યવસ્થિત રીતે આપવામાં આવી.[૩૩] આ પરિસ્થિતિઓમાંથી, "કૃતજ્ઞતા મુલાકાતે" ટૂંકા ગાળામાં સૌથી વધુ અસર નીપજાવી હતી તેવું જોવા મળ્યું હતું, તેમાં સહભાગીઓએ તેમના જીવનમાંથી કોઈકને કૃતજ્ઞતા-પત્ર લખવાનો હતો અને પછી તેને તે પહોંચાડવાનો હતો. આ પરિસ્થિતિથી સહભાગીઓના ખુશી-આનંદના સ્કોરમાં 10 ટકાનો વધારો થયો અને હતાશાના સ્કોરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો, અને આ પરિણામો મુલાકાતના પછી એક મહિના સુધી ટક્યાં હતાં. કુલ છ પરિસ્થિતિઓમાંથી, સૌથી વધુ દીર્ઘકાલીન અસરો "કૃતજ્ઞતા જર્નલ" લખવાના પગલાંમાંથી નીપજી હતી, જેમાં સહભાગીઓને તેઓ જેના માટે કૃતજ્ઞ હોય તેવી ત્રણ બાબતો દરરોજ લખવાનું કહેવામાં આવ્યું હતું. આ સહભાગીઓનો પણ આનંદસભરતાનો સ્કોર વધ્યો હતો અને પ્રયોગ પછી સમયાંતરે તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું તે દરેક વખતે વધતું રહેલું જોવા મળ્યું હતું. ખરેખર તો, સારવાર શરૂ થયાના લગભગ છ મહિનાઓ પછી સામાન્ય રીતે સૌથી મોટા ફાયદાઓ થતા હોય તેવું જોવા મળતું હોય છે. આ કવાયતો એટલી સફળ હતી કે ભલે સહભાગીઓને માત્ર એક અઠવાડિયા સુઘી જ જર્નલ લખવાનું કહેવામાં આવ્યું હતું, પણ ઘણા સહભાગીઓએ અભ્યાસકાર્ય પૂરું થઈ ગયાના લાંબા સમય બાદ પણ જર્નલ લખવાનું ચાલુ જ રાખ્યું હતું. ઈમોન્સ અને મૅકકુલોફ (2003)[૩૪] અને લ્યુબોમિર્સકી et. all (2005)એ આદરેલા અભ્યાસે પણ આવાં જ પરિણામો દર્શાવ્યાં હતાં[૩૨]

અલબત્ત મનુષ્યની સુખાકારી માટે અનેક ભાવનાઓ અને વ્યક્તિત્વની વિશિષ્ટતાઓ અગત્યની હોય છે, પણ કૃતજ્ઞતા તે સૌમાં અનન્ય રીતે મહત્ત્વની હોઈ શકે છે તેવા પુરાવા પણ મળ્યા છે. પ્રથમ, એક સમાંતર અભ્યાસે દર્શાવ્યું હતું કે જે લોકો વધુ કૃતજ્ઞ હતા તેઓ જીવનના પરિવર્તન તબક્કાઓમાંથી વઘુ સારી રીતે બહાર આવી શક્યા હતા. વિશેષરૂપે, પરિવર્તન પહેલાં જે લોકો વધુ કૃતજ્ઞ હતા, તેઓ ત્રણ મહિના પછી ઓછા તણાવયુક્ત, ઓછા હતાશ અને અન્યો સાથેના તેમના સંબંધમાં વઘુ સંતુષ્ટ હતા.[૩૫] બીજું, હાલના બે અભ્યાસોએ સૂચવ્યું હતું કે મનુષ્યની સુખાકારી સાથે કૃતજ્ઞતાનો અનન્ય સંબંધ હોઈ શકે છે, અને તે વ્યક્તિત્વની અન્ય વિશિષ્ટતાઓ સુખાકારીનાં જે પાસાંઓને સમજાવી શકતી નથી, તેનું સ્પષ્ટીકરણ આપી શકે છે. આ બંને અભ્યાસોએ દર્શાવ્યું હતું કે બિગ ફાઈવ અને જેના પર સૌથી વઘુ અભ્યાસ કરવામાં આવ્યો હતો તે 30 વ્યક્તિત્વ વિશિષ્ટતાઓ કરતાં, કૃતજ્ઞતા વઘુ સારી રીતે સુખાકારી માટેનું સ્પષ્ટીકરણ આપી શકે છે.[૨૬][૨૮]

કૃતજ્ઞતા અને પરોપકારિતા

[ફેરફાર કરો]

કૃતજ્ઞતા વ્યક્તિની પરોપકારી વૃત્તિઓમાં પણ સુધારો લાવતી હોવાનું જોવા મળ્યું હતું. ડૅવિડ દેસ્ટેનો અને મોનિકા બાર્ટલેટ (2010) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં, આર્થિક પરગજુતા સાથે કૃતજ્ઞતા સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. આ અભ્યાસમાં, એક આર્થિક રમતનો ઉપયોગ કરીને, વધેલી કૃતજ્ઞતાની સીધી અસર વધેલા નાણાકીય દાન પર પડી હોવાનું દર્શાવાયું હતું. આ પરિણામો પરથી, આ અભ્યાસ એવું દર્શાવે છે કે સામુદાયિક નફા માટે કૃતજ્ઞ લોકો પોતાનો વૈયક્તિક ફાયદો જતો કરે તેવી શક્યતાઓ વધુ હોય છે (દેસ્ટેનો અને બાર્ટલેટ, 2010). મૅકકુલોફ, ઈમોન્સ, અને ત્સંગ (2002) દ્વારા કરાયેલા એક અભ્યાસે કૃતજ્ઞતા અને તાદાત્મ્યતા, ઉદારતા અને મદદરૂપ થવાની ભાવના વચ્ચે એવા જ સમાન સંબંધો હોવાનું દર્શાવ્યું હતું.[૩૬][૩૭]

કૃતજ્ઞતા વધારવા માટેના હસ્તક્ષેપ

[ફેરફાર કરો]

લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવામાં કૃતજ્ઞતા અત્યંત નિર્ણાયક નીવડે છે એ જોતાં, કૃતજ્ઞતા વધારવા માટેના વિવિધ મનોવૈજ્ઞાનિક હસ્તક્ષેપો વિકસાવવામાં આવ્યા છે.[][૩૮] ઉદાહરણ તરીકે, વૅટકિન્સ અને સાથીઓ[૩૯]એ અનેક વિવિધ કૃતજ્ઞતા કવાયતો અંગે સહભાગીઓનું પરીક્ષણ કર્યું હતું, જેમ કે તેઓ જેમની પ્રત્યે કૃતજ્ઞતા અનુભવતા હોય તેવી કોઈ જીવિત વ્યક્તિ વિશે વિચારવું, તેઓ જેમના માટે કૃતજ્ઞ હોય તેવા કોઈકને પત્ર લખવો, અને તેઓ જેમના માટે કૃતજ્ઞ હોય તેવા કોઈકને પત્ર લખીને તેને પહોંચાડવો. નિયંત્રિત સ્થિતિમાં સહભાગીઓને તેમના બેઠકખંડને વર્ણવવાનું કહેવામાં આવ્યું હતું. જે સહભાગીઓએ કૃતજ્ઞતા કવાયતમાં ભાગ લીધો હતો, તેમણે કવાયત પછી તરત હકારાત્મક ભાવનાના પોતાના અનુભવમાં વધારો થયો હોવાનું દર્શાવ્યું, અને ખાસ કરીને જે સહભાગીઓને પોતે જેમના તરફ કૃતજ્ઞતા ધરાવતા હોય તેવી કોઈ વ્યક્તિ વિશે વિચારવાનું કહેવામાં આવ્યું હતું તેમનામાં આ હકારાત્મક ભાવનાની અસર સૌથી બળવત્તર હતી. આરંભથી જ જે સહભાગીઓ કૃતજ્ઞ વ્યક્તિત્વો ધરાવતા હતા તેમણે આ કૃતજ્ઞતા કવાયતોથી સૌથી વઘુ ફાયદો મેળવ્યાનું દર્શાવ્યું હતું.

સિસરો અનુસાર, "કૃતજ્ઞતા એ માત્ર એક મહાનતમ સદ્ગુણ જ નથી પણ બીજા તમામ સદ્ગુણોની જનની છે." અનેકવિધ અભ્યાસોએ કૃતજ્ઞતા અને માત્ર જે-તે વ્યક્તિ પૂરતી જ નહીં પણ તેમાં સામેલ તમામ વ્યક્તિઓની વધતી સુખાકારી વચ્ચેના સહસંબંધને દર્શાવ્યો છે.[૪૦][૪૧] હકારાત્મક મનોવિજ્ઞાન ચળવળે આ અભ્યાસોનું સ્વાગત કર્યું છે અને એકંદર સુખાકારી વધારવાના પ્રયાસરૂપે, ચળવળમાં કૃતજ્ઞતા વધારવા માટેની કવાયતોને સમાવિષ્ટ કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જો કે ભૂતકાળમાં મનોવિજ્ઞાને કૃતજ્ઞતાની ઘણી ઉપેક્ષા કરી હતી, પણ તાજેતરનાં વર્ષોમાં કૃતજ્ઞતા અને તેની હકારાત્મક અસરો અંગેના અભ્યાસમાં ઘણી પ્રગતિ થઈ છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ 6સ્નીડેર, સી. આર., અને શાન જે. લોપેઝ. હેન્ડબુક ઓફ પોઝિટિવ સાયકોલૉજી. ઓક્સફર્ડ (ઈંગ્લૅન્ડ) ઓક્સફર્ડ યુપી (ઉપ), 2002. પ્રિન્ટ.
  2. ૨.૦ ૨.૧ 9. મૅકકુલોફ, એમ. ઈ., ઈમોન્સ, આર. એ. અને ત્સંગ, જે. (2002). કૃતજ્ઞ સ્વભાવઃ એક વૈચારિક અને આનુભાવિક માહિતી. જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલૉજી, 83, 112-127
  3. ઈમોન્સ, આર. એ. અને ક્રુમ્પ્લર, સી. એ. (2000). એક માનવીય તાકાત તરીકે કૃતજ્ઞતાઃ પુરાવાઓની ચકાસણી. જર્નલ ઓફ સોશિયલ અને ક્લિનિકલ સાયકોલૉજી, 19 , 56-69
  4. સ્મિથ, એ. (1790/1976). ધ થિયરી ઓફ મોરલ સેન્ટિમેન્ટ્સ (6ઠ્ઠી આવૃત્તિ). ઈન્ડિયાનાપોલિસ, આઈએન (IN): લિબર્ટી ક્લાસિસ. (મૂળ પુસ્તક 1790માં પ્રકાશિત).
  5. લિનલી, પી. એ., જોસેફ, એસ., હૅરિંગ્ટન, એસ. અને વૂડ, એ. એમ. (2006). હકારાત્મક મનોવિજ્ઞાનઃ ભૂતકાળ, વર્તમાન અને (સંભવિત) ભવિષ્ય. સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિનધ જર્નલ ઓફ પોઝિટિવ સાયકોલૉજી, 1 , 3-16.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ વૂડ, એ. એમ., જોસેફ, એસ., અને લિનલી, પી. એ. (2007). કૃતજ્ઞતાઃ તમામ સદ્ગુણોની જનની. સંગ્રહિત ૨૦૧૫-૦૭-૩૧ ના રોજ વેબેક મશિન ધ સાયકોલૉજિસ્ટ, 20 , 18-21
  7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ વૂડ, એ. એમ., માલ્ટબી, જે., સ્ટીવાર્ટ, એન., લિનલી, પી. એ., અને જોસેફ, એસ. (2008). કૃતજ્ઞતાનું સામાજિક-જ્ઞાનાત્મક મૉડેલ અને અવસ્થાનાં સ્તરો સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૭ ના રોજ વેબેક મશિન.ઈમોશન, 8 , 281-290.
  8. મૅકકુલોફ, એમ. ઈ., ત્સંગ, જે. અને ઈમોન્સ, આર. એ. (2004). ભાવવિશ્વમાં કૃતજ્ઞતાઃ વૈયક્તિક ભિન્નતાઓ અને દૈનિક ભાવનાત્મક અનુભન સાથે કૃતજ્ઞતાસભર મૂડનાં જોડાણો. જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલૉજી, 86 ,295-309. (ઈલેક્ટ્રોનિક પ્રત) સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન
  9. લૅન, જે., અને એન્ડરસન, એન. એચ. (1976). નૈતિક મૂલ્યાંકનમાં ઈરાદા અને પરિણામનું સંકલન. મેમરી એન્ડ કોગ્નિશન, 4 , 1-5.
  10. ટેસર, એ., ગેટવૂડ, આર., અને ડ્રાઈવર, એમ. (1968). કેટલાક કૃતજ્ઞતા નિર્ધારકો. જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલૉજી, 9 , 233-236.
  11. ગ્રીનબર્ગ, એમ. એસ. (1980). ધ થિયરી ઓફ ઈન્ડેબ્ટ્ડનેસ . કે. જે. ગેર્ગન, એમ. એસ. ગ્રીનબર્ગ અને આર. એચ. વિલ્સ (સંપાદકો) કૃત, સોશિયલ એક્સચેન્જઃ એડવાન્સિસ ઈન થિયરી એન્ડ રિસર્ચઃ ન્યૂ યોર્કઃ પ્લેનુમમાં.
  12. વૅટકિન્સ, પી. સી., શીર, જે., ઓવનીસેક, એમ., અને કોલ્ટ્સ, આસ. (2006). કૃતજ્ઞતાનો ભારઃ કૃતજ્ઞતા અને ઉપકારવશતાને અલગ પાડવી. કોગ્નિશન એન્ડ ઈમોશન, 20 , 217-241.
  13. ત્સંગ, જે. એ. (2006). કૃતજ્ઞતા અને ઋણભાર પર મદદરૂપ હેતુઓની અસરો. મોટિવેશન એન્ડ ઈમોશન, 30 , 199-205.
  14. કૅરી, જે. આર., ક્લિક્વી, એસ. એચ., લેઈગ્ટન, બી. એ., અને મિલ્ટન, એફ. (1976). ગ્રાહકોના હકારાત્મક દૃઢીકરણનું એક પરીક્ષણ. જર્નલ ઓફ માર્કેટિંગ, 40 , 98-100.
  15. રિંડ, બી., અને બોર્ડિયા, પી. (1995). સેવકના "થેન્ક યૂ"ની અસર અને રેસ્ટોરન્ટ બક્ષિસનું વૈયક્તિકરણ. જર્નલ ઓફ અપ્લાઈડ સોશિયલ સાયકોલૉજી, 25 , 745-751.
  16. 5. ઈમોન્સ, રોબર્ટ એ., અને માઈકલ ઈ. મૅકકુલોફ. "હાઈલાઈટ્સ ફ્રોમ ધ રિસર્ચ પ્રોજેક્ટ ઓફ ગ્રેટિટ્યૂડ એન્ડ થેન્કફુલનેસ." વેબ. http://psychology.ucdavis.edu/labs/emmons/ સંગ્રહિત ૨૦૧૦-૦૮-૧૧ ના રોજ વેબેક મશિન
  17. 3. ઈમોન્સ, રોબર્ટ એ., અને ચાર્લી એ. ક્રુમ્પ્લર. "ગ્રેટિટયૂડ એસ એ હ્યુમન સ્ટ્રેન્થઃ અપ્રેઈઝિંગ ધ એવિડન્સ." જર્નલ ઓફ સોશિયલ એન્ડ ક્લિનિકલ સાયકોલૉજી 19.1 (2000): 56-69. પ્રિન્ટ.
  18. ૧૮.૦ ૧૮.૧ ૧૮.૨ 1.ઈમોન્સ, રોબર્ટ એ., અને ટેરેસા ટી. ક્નીઝેલ. "ગિવિંગ ગ્રેટિટયૂડઃ સ્પિરિચ્યુઅલ એન્ડ રિલિજિયસ કોરિલેટ્સ ઓફ ગ્રેટિટયૂડ." જર્નલ ઓફ સાયકોલૉજી એન્ડ ક્રિશ્ચિયાનિટી 24.2 (2005): 140-48. પ્રિન્ટ.
  19. ૧૯.૦ ૧૯.૧ ૧૯.૨ 3. ઈમોન્સ, રોબર્ટ એ., અને ચાર્લી એ. ક્રુમ્પ્લર. "ગ્રેટિટયૂડ એસ એ હ્યુમન સ્ટ્રેન્થઃ અપ્રેઈઝિંગ ધ એવિડન્સ." જર્નલ ઓફ સોશિયલ એન્ડ ક્લિનિકલ સાયકોલૉજી 19.1 (2000): 56-69. પ્રિન્ટ.
  20. 3.ઈમોન્સ, રોબર્ટ એ., અને ચાર્લી એ. ક્રુમ્પ્લર. "ગ્રેટિટયૂડ એસ એ હ્યુમન સ્ટ્રેન્થઃ અપ્રેઈઝિંગ ધ એવિડન્સ." જર્નલ ઓફ સોશિયલ એન્ડ ક્લિનિકલ સાયકોલૉજી 19.1 (2000): 56-69. પ્રિન્ટ.
  21. 2.વૂડ, એલેક્સ, સ્ટીફન જોસેફ, અને એલેક્સ લિનલી. "ગ્રેટિટયૂડ – પેરેન્ટ ઓફ ઓલ વર્ચ્યુઝ." ધ સાયકોલૉજિસ્ટ 20.1 (2007): 18-21. પ્રિન્ટ.
  22. ૨૨.૦ ૨૨.૧ વૂડ, એ. એમ., માલ્ટબી, જે., સ્ટીવાર્ટ, એન., અને જોસેફ, એસ. (2008). કૃતજ્ઞતાની વિભાવના ઘડવી અને તેની એક એકરૂપ વ્યક્તિત્વ વિશિષ્ટતા તરીકે કદર કરવી. સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન પર્સનાલિટી એન્ડ ઈન્ડીવિજ્યુઅલ ડિફરન્સિસ, 44 , 619-630.
  23. મૅકકુલોફ, એમ. ઈ., ઈમોન્સ, આર. એ., અને ત્સંગ, જે. (2002). કૃતજ્ઞ સ્વભાવઃ વિભાવના અને આનુભાવિક માહિતી. જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલૉજી, 82 , 112-127.
  24. એડ્લર, એમ. જી., અને ફાગલી, એન. એસ. (2005). પ્રશંસાઃ મૂલ્ય શોધમાં વ્યક્તિગત ભિન્નતાઓ અને વ્યક્તિગત સુખાકારીના એક અનન્ય ભવિષ્યવેત્તાના તરીકે. જર્નલ ઓફ પર્સનાલિટી, 73 , 79-114.
  25. વૅટકિન્સ, પી. સી., વૂડવાર્ડ, કે., સ્ટોન, ટી., અને કોલ્ટ્સ, આર. એલ. (2003). કૃતજ્ઞતા અને આનંદઃ કૃતજ્ઞતાના એક માપદંડનો વિકાસ અને વ્યક્તિગત સુખાકારી સાથે તેનો સંબંધ. સોશિયલ બિહેવિયર એન્ડ પર્સનાલિટી', 31 , 431-451.
  26. ૨૬.૦ ૨૬.૧ વૂડ, એ. એમ., જોસેફ, એસ., અને માલ્ટબી, જે. (2008). PersonalPages. સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૮ ના રોજ વેબેક મશિનManchester.ac.uk સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન, કૃતજ્ઞતા જીવનના સંતોષને અજબ રીતે ભાખે છેઃ ફાઈવ ફેસેટ્સ મૉડેલનાં ક્ષેત્રો અને પાસાંઓ ઉપરાંત તેની વર્ધમાન પ્રમાણભૂતતા. પર્સનાલિટી એન્ડ ઈન્ડીવિજ્યુઅલ ડિફરન્સિસ, 45 , 49-54.
  27. કાશદન, ટી. બી., ઉસવેટ્ટ, જી., અને જુલિયન, ટી. (2006). વિયેતનામ યુદ્ધના યૌદ્ધાઓમાં કૃતજ્ઞતા અને સુખવાદ તથા આત્મોત્કર્ષવાદી સુખાકારી. બિહેવિયર રિસર્ચ એન્ડ થેરાપી, 44, 177-199.
  28. ૨૮.૦ ૨૮.૧ વૂડ, એ. એમ., જોસેફ, એસ., અને માલ્ટબી (2009). ગ્રેટિટયૂડ પ્રેડિક્ટ્સ સાયકોલૉજિકલ વેલબિઈંગ અબોવ ઘ બિગ ફાઈવ ફેસેટ્સ. સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન પર્સનાલિટી એન્ડ ઈન્ડીવિજ્યુઅલ ડિફરન્સિસ, 45, 655-660.
  29. ૨૯.૦ ૨૯.૧ વૂડ, એ. એમ., જોસેફ, એસ., અને લિનલી, પી. એ. (2007).કોપિંગ સ્ટાઈલ એઝ એ સાયકોલૉજિકલ રિસોર્સ ઓફ ગ્રેટફુલ પિપલ. સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન જર્નલ ઓફ સોશિયલ એન્ડ ક્લિનિકલ સાયકોલૉજી, 26, 1108–1125.
  30. વૂડ, એ. એમ., જોસેફ, એસ., લોયડ, જે., અને અટ્કિન્સ, એસ. (2009). ગ્રેટિટયૂડ ઈન્ફ્લુઅન્સિસ સ્લીપ થ્રૂ ધ મિકેનિઝમ ઓફ પ્રિ-સ્લીપ કોગ્નિશન્સ. (નિદ્રા-પૂર્વેની કોગ્નિશન વ્યવસ્થા થકી કૃતજ્ઞતા નિદ્રાને પ્રભાવિત કરે છે.) સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન જર્નલ ઓફ સાયકોમોમેટિક રિસર્ચ, 66, 43-48
  31. 10. મૅકકુલોફ, એમ. ઈ., ત્સંગ, જે. અને ઈમોન્સ, આર. એ. (2004). ભાવવિશ્વની મધ્યે કૃતજ્ઞતાઃ વૈયક્તિક ભિન્નતાઓ અને દૈનિક ભાવનાત્મક અનુભવ સાથે કૃતજ્ઞતાસભર મૂડનાં જોડાણો. જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલૉજી, 86, 295-309.
  32. ૩૨.૦ ૩૨.૧ 2. વૂડ, એલેક્સ, સ્ટીફન જોસેફ, અને એલેક્સ લિનલી. "ગ્રેટિટયૂડ- પેરેન્ટ ઓફ ઓલ વર્ચ્યુઝસ (કૃતજ્ઞતા – તમામ સદ્ગુણોની જનની)." ધ સાયકૉલોજિસ્ટ 20.1 (2007): 18-21. પ્રિન્ટ.
  33. 11.સેલિગ્મૅન, એમ. ઈ. પી., સ્ટીન, ટી. એ., પાર્ક, એન. અને પિટરસન, સી. (2005). હકારાત્મક મનોવિજ્ઞાનની પ્રગતિઃ હસ્તક્ષેપોની આનુભાવિક પ્રમાણભૂતતા. અમેરિકન સાયકોલૉજિસ્ટ, 60, 410-421.
  34. 9.મૅકકુલોફ, એમ. ઈ., ઈમોન્સ, આર. એ., અને ત્સંગ, જે. (2002). કૃતજ્ઞ સ્વભાવઃ વિભાવના અને આનુભાવિક માહિતી. જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલૉજી, 83, 112-127
  35. વૂડ, એ. એમ., માલ્ટબી, જે., ગિલેટ, આર., લિનલી, પી.એ., અને જોસેફ, એસ. (2008). સામાજિક સમર્થન, તણાવ, અને હતાશાના વિકાસમાં કૃતજ્ઞતાની ભૂમિકાઃ બે સમાંતર અભ્યાસો. સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન જર્નલ ઓફ રિસર્ચ ઈન પર્સનાલિટી, 42 , 854-871.
  36. 7. દેસ્ટેનો, ડેવિડ, અને મોનિકા બાર્ટલેટ. "ગ્રેટિટયૂડ એઝ અ મોરલ સેન્ટિમેન્ટઃ ઈમોશન ગાઈડેડ કોઓપરેશન ઈન ઈકોનોમિક એક્સચેન્જ (નૈતિક લાગણી તરીકે કૃતજ્ઞતાઃ આર્થિક વિનિમયમાં ભાવનાથી દોરિત સહકાર)." સાયકાર્ટીકલ્સ (PsycARTICLES). એપ્રિલ. 2010. વેબ. 9 એપ્રિલ. 2010. <http://csaweb116v.csa.com.proxy.library.vanderbilt.edu/ids70/view_rec[હંમેશ માટે મૃત કડી] rd.php?id=2&recnum=2&log=from_res&SID=lvn78o4qht7j6g7k7o2l05 nv1&mark_id=search%3A2%3A0%2C0%2C10>
  37. 5.ઈમોન્સ, રોબર્ટ એ., અને માઈકલ ઈ. મૅકકુલોફ. "કૃતજ્ઞતા અને આભારવશતાના સંશોધન પ્રોજેક્ટની મુખ્ય વિગતો." વેબ. http://psychology.ucdavis.edu/labs/emmons/ સંગ્રહિત ૨૦૧૦-૦૮-૧૧ ના રોજ વેબેક મશિન
  38. ઈમોન્સ, આર. એ. અને મૅકકુલોફ, એમ. ઈ. (2003). બોજા વિરુદ્ધ આશીર્વાદોની ગણતરીઃ રોજિંદા જીવનમાં કૃતજ્ઞતા અને વૈયક્તિક સુખાકારીની પ્રાયોગિક તપાસ. જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલૉજી, 84 , 377-389. (ઈલેક્ટ્રોનિક પ્રત) સંગ્રહિત ૨૦૦૯-૦૩-૧૮ ના રોજ વેબેક મશિન
  39. વૅટકિન્સ, પી. સી., વૂડવાર્ડ, કે., સ્ટોન, ટી., અને કોલ્ટ્સ, આર. એલ. (2003). કૃતજ્ઞતા અને આનંદઃ કૃતજ્ઞતાના એક માપદંડનો વિકાસ અને વ્યક્તિગત સુખાકારી સાથે તેનો સંબંધ. સોશિયલ બિહેવિયર એન્ડ પર્સનાલિટી, 31 , 431-452.
  40. 10.મૅકકુલોફ, એમ. ઈ., ત્સંગ, જે. અને ઈમોન્સ, આર. એ. (2004). ભાવવિશ્વની મધ્યે કૃતજ્ઞતાઃ વૈયક્તિક ભિન્નતાઓ અને દૈનિક ભાવનાત્મક અનુભવ સાથે કૃતજ્ઞતાસભર મૂડનાં જોડાણો. જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાયકોલૉજી, 86, 295-309.
  41. 7. દેસ્ટેનો, ડેવિડ, અને મોનિકા બાર્ટલેટ. "ગ્રેટિટયૂડ એઝ અ મોરલ સેન્ટિમેન્ટઃ ઈમોશન ગાઈડેડ કોઓપરેશન ઈન ઈકોનોમિક એક્સચેન્જ (નૈતિક લાગણી તરીકે કૃતજ્ઞતાઃ આર્થિક વિનિમયમાં ભાવનાથી દોરિત સહકાર)." સાયકાર્ટીકલ્સ (PsycARTICLES). એપ્રિલ.2010. વેબ. 9 એપ્રિલ 2010. <http://csaweb116v.csa.com.proxy.library.vanderbilt.edu/ids70/view_rec[હંમેશ માટે મૃત કડી] rd.php?id=2&recnum=2&log=from_res&SID=lvn78o4qht7j6g7k7o2l05 nv1&mark_id=search%3A2%3A0%2C0%2C10>

ઢાંચો:Emotion-footer