ક્રાંતિ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ક્રાંતિ અથવા રેવોલ્યુશન (અંગ્રેજી: Revolution) એટલે પ્રણાલિકાગત પુરાણી વ્યવસ્થાનો નાશ અને નવી વ્યવસ્થા માટેનું એકાએક પરિવર્તન. ઓક્સફર્ડ શબ્દકોશમાં ક્રાંતિ એટલે 'આમૂલ પરિવર્તન', 'પરિસ્થિતિમાં મહાન પલટો' જેવા અર્થ આપવામાં આવ્યા છે.[૧]

વિવિધ ક્ષેત્રે ક્રાંતિના વિવિધ અર્થો થાય છે. કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ, ઉત્પાદન ક્ષેત્રે ઔદ્યોગિક ક્રાંતિ, સામાજિક ક્ષેત્રે સામાજિક ક્રાંતિ તથા સંચાલન ક્ષેત્રે સંચાલકીય ક્રાંતિ વગેરે પારિભાષિક શબ્દો જે-તે ક્ષેત્રમાં ધરમૂળથી આવેલાં પરિવર્તનને દર્શાવવા માટે પ્રચલિત બન્યા છે.[૨]

ઈતિહાસ[ફેરફાર કરો]

'ક્રાંતિ' (Revolution) શબ્દનો સૌપ્રથમ ઉપયોગ મધ્યયુગના પાછળના ભાગમાં ઇટાલિયન સિટી સ્ટેટ્સમાં થયો હતો. તે સમયે આ શબ્દનો ઉપયોગ ધાર્મિક સુધારણાના અર્થમાં થતો હતો. આ શબ્દ ઈ.સ. ૧૬૦૦ની આસપાસ અંગ્રેજી ભાષામાં પ્રવેશ્યો અને તેનો ઉપયોગ જૂની વ્યવસ્થાનું પુન:સ્થાપન કરવાના અર્થમાં થવા લાગ્યો. ક્રાંતિને મૂળભૂત સામાજિક પરિવર્તન તરીકે ગણવાનો ખ્યાલ અઢારમી સદીમાં ઉદભવ્યો હતો. આજે આ શબ્દ સામાજિક જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં મૂળગામી પરિવર્તન સૂચવવા માટે વપરાય છે. કેટલીક વાર આ શબ્દ રાજકીય સત્તાપલટાના અર્થમાં પ્રયોજાય છે. આમ છતાં, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જીવનમાં પાયાનું પરિવર્તન સૂચવવા માટે 'ક્રાંતિ' કે 'સામાજિક ક્રાંતિ' શબ્દોનો ઉપયોગ સામાજિક વિજ્ઞાનીઓ કરતાં હોય છે.[૩]

ક્રાંતિના પ્રકારો[ફેરફાર કરો]

જ્યારે કોઈ ઘટનાને ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે જ તે ઘટનાની પ્રક્રિયામાં અમુક ચોક્કસ પરિબળોની ભૂમિકા અપેક્ષિત હોય છે. ક્રાંતિના સંદર્ભમાં પ્રક્રિયા ઉપરાંત પરિણામ પણ મહત્ત્વનું લક્ષણ ગણવામાં આવે છે. અમુક પરિણામ આવે તો જ ક્રાંતિ થઈ એમ કહેવાય છે. આથી પ્રક્રિયા અને ઘટના ઉપરાંત તેના પરિણામે શું સિદ્ધ થાય છે તેના આધારે, સમગ્ર ઘટના અને પ્રક્રિયાને ક્રાંતિનું બિરુદ પ્રાપ્ત થાય છે. આમ ક્રાંતિ ચોક્કસ લક્ષવાળું, વિશિષ્ટ પરિબળો ધરાવતું પરિવર્તન છે.[૪]

હેતુ, સ્વરૂપ અને પરિણામોની દ્રષ્ટિએ ક્રાંતિના વિવિધ પ્રકારો પાડવામાં આવ્યા છે. ક્રાંતિનો પ્રકાર તે માનવીના કયા પાસાને સ્પર્શે છે તેની પર આધાર રાખે છે. મુખ્ય પ્રકારો તરીકે રાજકીય ક્રાંતિ અને સામાજિક ક્રાંતિને ગણાવી શકાય. સામાજિક ક્રાંતિમાં ક્રાંતિના બધા જ પ્રકારોનો સમાવેશ થાય છે, કારણ કે ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક કે રાજકીય ક્રાંતિઓ થોડે ઘણે અંશે વહેલા કે મોડા માનવસમાજને સ્પર્શે છે.[૧]

રાજકીય ક્રાંતિ[ફેરફાર કરો]

કોઈ એક દેશના થોડાક લોકો અથવા વિશાળ જનસમુદાય પ્રવર્તમાન રાજતંત્રની સામે વિદ્રોહ કરીને તેમાં સંપૂર્ણ પરિવર્તન લાવે તેને સામાન્યપણે રાજકીય ક્રાંતિ કહેવામાં આવે છે. રાજકીય ક્રાંતિઓ અને રાજકીય બળવાઓ મોટાભાગના દેશોમાં સામાન્યપણે વખતોવખત થતા રહે છે.[૧]

સામાજિક ક્રાંતિ[ફેરફાર કરો]

સામાજિક ક્રાંતિ સર્વગ્રાહી પરિવર્તન લાવનારી ક્રાંતિ છે. તેમાં સમાજની તલસ્પર્શી કાયાપલટ થાય છે. સામાજિક ક્રાંતિ કરવા માટે બળનો કે હિંસાનો ઉપયોગ અનિવાર્ય નથી હોતો. આ પ્રકારની ક્રાંતિમાં સરકારનું સમગ્ર તંત્ર અને સમાજનું સમગ્ર માળખું બદલી નાખવાની નેમ હોય છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ શેઠ, સુરેશ ચી. (૨૦૧૪) [૧૯૮૮]. વિશ્વની ક્રાંતિઓ (ઐતિહાસિક દ્રષ્ટિએ) (પાંચમી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૧–૨. ISBN 978-93-82165-87-1. Check date values in: |year= (મદદ)CS1 maint: Ignored ISBN errors (link)
  2. જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૪૫. ISBN 978-93-85344-46-6. Check date values in: |year= (મદદ)
  3. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન (ચોથી આવૃત્તિ). અમદાવાદ: અનડા બુક ડીપો. જાન્યુઆરી ૨૦૦૧. p. ૨૮. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ)
  4. પટેલ, જયંતિ કે. (નવેમ્બર ૧૯૯૩). "ક્રાંતિ". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૫ (કે – ખ્વા) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૪૬૭–૪૬૮. OCLC 164915270.