સામાજિક પરિવર્તન

વિકિપીડિયામાંથી

સામાજિક પરિવર્તનસમાજમાં આવતું પરિવર્તન છે.[૧] સામાજિક દરજ્જા, ભૂમિકા નિયમો, સામાજિક સંસ્થાઓ વગેરેમાં જોવા મળતા વ્યાપક અને પ્રમાણમાં સ્થાયી ફેરફારોને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે.[૨]

સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે, અને તે દરેક સમાજમાં દરેક સમયે અપવાદ વગર જોવા મળે છે. જુદાં જુદાં સમાજમાં પરિવર્તનના કારણો જુદાં જુદાં હોઈ શકે છે અને એ મુજબ તે સમાજની ગતિ અને દિશા નક્કી થાય છે; પણ પરિવર્તન વગરનો કોઈ સમાજ જોવા મળતો નથી. સમાજના લોકો પણ પરિવર્તન ઈચ્છતા હોય છે, આથી કેટલાક કિસ્સાઓમાં આયોજિત પ્રયાસો દ્વારા પરિવર્તન લાવવામાં આવે છે.[૧]

વ્યાખ્યા[ફેરફાર કરો]

કિંગ્સલે ડેવિસ સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપતા નોંધે છે કે, "સામાજિક સંગઠનમાં એટલે કે, સમાજની રચના અને કાર્યમાં થતા ફેરફારો એટલે સામાજિક પરિવર્તન." ડેવિસ સામાજિક પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તનનો એક ભાગ ગણે છે. એટલે કે, સાંસ્કૃતિક પરિવર્તનો પૈકી જે પરિવર્તનો સામાજિક સંગઠનમાંથી ઉદભવે છે અને સામાજિક સંગઠન ઉપર અસર કરે છે, તે સાંસ્કૃતિક પરિવર્તનો સામાજિક પરિવર્તન છે. રોબર્ટ મોરિસન મેકાઈવર અને ચાર્લ્સ હંટ પેજના મત અનુસાર "સામાજિક સંબંધોના ગુંફનમાં થતા ફેરફારોને જ સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે."[૩] મેકાઈવર અને પેજ સામાજિક સંબંધોને એક જાળ તરીકે વર્ણવે છે. એટલે એમના અભિપ્રાય મુજબ મનુષ્યોના પારસ્પરિક સંબંધોમાં થતા ફેરફારને જ સામાજિક પરિવર્તન કહી શકાય.[૪]

વિદ્વાનો સામાજિક પરિવર્તનના ખ્યાલનો મર્યાદિત અર્થ કરી તેને સાંસ્કૃતિક પરિવર્તનના ખ્યાલથી અલગ પાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કેટલાક વિદ્વાનો સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન વચ્ચે ભેદ ન કરતાં બન્ને શબ્દોનો સમાન અર્થ કરે છે.[૪][lower-alpha ૧]

નોંધ[ફેરફાર કરો]

  1. સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ વધારે વ્યાપક છે. સંસ્કૃતિની કોઈ પણ શાખા અથવા પ્રશાખામાં આવતા ફેરફારો, જેવા કે કળા, વિજ્ઞાન, ટેક્નોલોજી, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, નીતિમત્તા તેમજ સામાજિક સંગઠનમાં થતા ફેરફારોનો સમાવેશ સાંસ્કૃતિક પરિવર્તનમાં કરી શકાય. ઉદાહરણ તરીકે, મજૂરો અને નોકરિયાત વર્ગના લોકો યુનિયન દ્વારા સંગઠિત થઈને માલિકો સાથે પોતાના વેતન તથા કામ અંગેના પ્રશ્નોનો નિકાલ લાવે તે સામાજિક પરિવર્તન છે. જ્યારે ગુજરાતી કવિતામાં 'ડોલન શૈલી'નું આગમન, ચિત્રકળાક્ષેત્રે 'મોડર્ન આર્ટ' નામથી ઓળખાતી નવી શૈલીનો પ્રવેશ તેમજ વસ્ત્રાભૂષણમાં અને મકાનોના બાંધકામની રચનામાં થયેલા મહત્ત્વના ફેરફારો એ સાંસ્કૃતિક પરિવર્તનનાં ઉદાહરણો છે. સંસ્કૃતિનો કોઈ પણ અંશ સમાજથી તદ્દન અલિપ્ત તો નથી જ, પરંતુ એવું બની શકે કે સામાજિક તંત્રને કોઈ પણ રીતે પ્રભાવિત કર્યા વગર સંસ્કૃતિમાં ફેરફાર આવે.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ત્રિવેદી, નલિની કિશોર (જાન્યુઆરી ૨૦૦૮). "સામાજિક પરિવર્તન". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૩ (સા – સૈ) (પ્રથમ આવૃત્તિ). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૯૯–૧૦૧. OCLC 552369153. Unknown parameter |publication-location= ignored (મદદ)
  2. જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૮૫–૧૮૬. ISBN 978-93-85344-46-6.
  3. શાહ, એ. જી.; દવે, જગદીશ કે. (જાન્યુઆરી ૨૦૦૧). આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન (ચોથી આવૃત્તિ). અમદાવાદ: અનડા બુક ડીપો. પૃષ્ઠ ૨–૩.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ઝવેરી, મહેન્દ્ર કૃષ્ણલાલ (૧૯૭૭). સામાજિક પરિવર્તન: Social Change (Sociological Analysis) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી. પૃષ્ઠ ૯.