લખાણ પર જાઓ

ગંજ-એ-સવાઇ

વિકિપીડિયામાંથી
અંગ્રેજ ચાંચિયા એવેરીનું તેના ૪૬ બંદુક વાળા જહાજ સાથેનું સમકાલિન ચિત્ર

ગંજ-એ-સવાઇ (ફારસી: گنج سواہی, ફારસી: Ganj-i-Sawai કે Gunsway) એ મુઘલ બાદશાહ ઔરંગઝેબનું સશસ્ત્ર ડાઉ (જહાજ) હતું. ફારસી નામ ગંજ-એ-સવાઇનો અર્થ થાય છે અત્યાધિક સંપત્તિ/ખજાનો. ૭ સપ્ટેમ્બર ૧૬૯૫ના રોજ જ્યારે આ જહાજ યેમેનનાં મોચા બંદરેથી સુરત બંદર જઈ રહ્યું હતું ત્યારે અંગ્રેજ ચાંચિયા હેન્રી એવેરીએ જહાજને તેના રખેવાળ (જહાજ) 'ફતેહ મહમ્મદ' સહિત કબ્જે કરી લીધું હતું.

Capture by pirates

[ફેરફાર કરો]

ઓગસ્ટ ૧૬૯૫માં હેન્રી એવેરી તેના ૪૬ તોપવાળા લડાકુ જહાજ 'ફેન્સી' સાથે માન્દેબ ખાડીમાં પહોંચ્યો હતો. ત્યાં પહોંચી ને તેણે ૮ તોપ અને ૪૬ માણસોવાળાં થોમસ ટ્યુનાં 'એમિટી', 'ડોલ્ફિન'માં રિચાર્ડ વૉન્ટ, 'પોર્ટ્સમથ એડ્વેન્ચર'માં જોસેફ ફેરો, 'સુઝન'માં થોમસ વેક અને 'પર્લ'માં વિલિયમ મેઝ એમ અન્ય પાંચ ચાંચિયાઓનો તેમના જહાજો સાથે તેણે સંપર્ક કર્યો અને એક ટુકડી ઊભી કરી હતી. ભારતના સુરત બંદર ભણી જઈ રહેલા ૨૫ મુઘલ વહાણોનો કાફલો તેમના રખેવાળો સાથે રાતના અંધારામાં આ ચાંચિયાટોળકીને થાપ દઈને આગળ નીકળી ગયો હતો પરંતું કોઈક રીતે એ કાફલાથી છૂટા પડી ને પાછળ રહી ગયેલું આ ગંજ-એ-સવાઇ વહાણ એના રખેવાળ 'ફતેહ મહમ્મદ' સહિત ચાંચિયાઓની નજરે ચડી ગયું.

હેન્રી અને એના સાથી ચાંચિયાઓએ 'ફતેહ મહમ્મદ' પર હુમલો કરી દીધો. 'ફતેહ મહમ્મદ' આ અગાઉ 'એમિટી'ના હુમલામાં તેના સરદાર થોમસ ટ્યુને મારી ને વિજયી થયું હતું. એ લડાઈમાંથી થાકી ગયા હોય કે પછી 'ફેન્સી'ની પેલી ૪૬ તોપોના હુમલાએ નબળા પાડી દીધા હોય એવા 'ફતેહ મહમ્મદ'ના ખલાસીઓ 'ફેન્સી'નો પૂરતો સામનો ન કરી શક્યા. પરિણામે હેન્રીના ચાંચિયાઓએ વહાણ કબ્જે કરી લીધું અને એમાંથી તે સમયના £૪૦,૦૦૦ના મૂલ્યનો ખજાનો લૂંટી લીધો.

આ વિજય પછી હેન્રી 'ગંજ-એ-સવાઇ'ની પાછળ જવા નીકળ્યો, જે એનાથી આગળ નીકળી ગયું હતું અને સુરતથી લગભગ આઠ દિવસ જ દૂર હતું. 'ગંજ-એ-સવાઇ' કાંઈ જેવુંતેવું વહાણ નહોતું, તેમાં ૬૨ તોપો અને નાનાંમોટાં હથીયારધારી ૪૦૦-૫૦૦ સિપાઇઓ[] અને છસો જોટલા અન્ય મુસાફરો હતા. પરંતુ દુશ્મનોની શસ્ત્રવર્ષાને કારણે ધીમેધીમે 'ગંજ-એ-સવાઇ' નબળું પડવા લાગ્યું, ખાસ કરી ને ત્યારે કે જ્યારે તેની એક તોપ ફાટી અને તેના કારણે અમુક સિપાઇઓ મરાયા/ઘવાયા અને વહાણને નુકસાન પણ થયું અને લડવૈયાઓનો જુસ્સો નબળો પડવા લાગ્યો. અધુરામાં પુરી હેન્રીના દળે તોપદોળાથી 'જંગ-એ-સવાઇ'ની મુખ્ય ડોલકાઠી ઉડાવી દીધી. કદમાં મોટું 'ફેન્સી' 'ગંજ-એ-સવાઇ'ની લગોલગ આવી ગયું અને તેમાં રહેલા ૧૧૩ ચાંચિયાઓમાંથી અમુક આ વહાણમાં ચડી આવ્યાં અને વહાણને પોતાના કબ્જામાં લઈ લીધું.

ચાંચિયાઓએ ઘણા દિવસ સુધી વહાણ પર કાળો કેર વરતાવ્યો, તેના બંદી બનાવેલા સિપાઇઓ અને મુસાફરોને મનફાવે તેમ મારી નાખવા માંડ્યા અને વહાણમાં છુપાયેલા ખજાનાનો પત્તો મેળવવા તેમની પર જુલમ ગુજારતા રહ્યા.

'ગંજ-એ-સવાઇ'માંથી લૂટેલા માલનું મૂલ્ય તે સમયે અંદાજે £૩,૨૫,૦૦૦થી £૬,૦૦,૦૦૦ની વચ્ચે હતું જેમાં "આશરે ૫,૦૦,૦૦૦ સોના અને ચાંદીના ટૂકડા અને અસંખ્ય ઝવેરાત, ચાંદીના પ્યાલા, નાના દાગીના, વગેરેનો સમાવેશ થતો હતો"[] ઘણાબધા ચાંચિયાઓ ખાલી હાથે પાછા ફર્યા હતા, કેમકે: થોમસ ટ્યુ મરી ગયો હતો, રિચાર્ડ વૉન્ટ અને થોમસ વેકના વહાણો બહું ધીમાં હતાં જે કારણે તે લડાઈમાં ભાગ જ નહોતા લઈ શક્યા, જોસેફ ફેરો 'ગંજ-એ-સવાઇ' સુધી પહોંચી તો ગયો હતો પણ તેણે આક્રમણમાં ભાગ જ નહોતો લીધો, અને વિલિયમ મેઝ હાજર હતો પણ હેન્રી એવેરીએ તેમને આપેલો લૂટનો હિસ્સો પાછો લઈ લીધો હતો કેમકે 'પર્લ'ના ચાંચિયાઓએ છેડછાડ કરેલા સિક્કાઓ 'ફેન્સી'ના ચાંચિયાઓને આપી તેની સામે માલ ખરિદવાના પ્રયત્નો કર્યા હતા.[] બાકીના વહાણોના કપ્તાનોએ હેન્રીને કહ્યું હતું કે તે લૂટેલો માલ લઈ અને પૂર્વનિર્ધારિત જગ્યાએ જાય અને ત્યાં પહોંચી ને તેઓ એના ભાગ પાડવાના હતા કેમકે 'ફેન્સી' પાસે બધા કરતા વધુ તોપ અને શસ્ત્રસરંજામ હતો. જેવી રાત પડી કે તરત જ હેન્રી અને એના ચાંચિયાઓ બીજાઓને થાપ આપી આખો લૂટેલો ખજાનો લઈ ને પલાયન થઈ ગયા.

'ગંજ-એ-સવાઇ'ની લૂટનો બદલો લેવા માટે ઔરંગઝેબે તેનું સૈન્ય અંગ્રેજો જ્યાંથી મોટો કારોબાર ચલાવતા હતા તેવા પાંચ બંદરો/શહેરોમાં મોકલ્યું, જેમાં બોમ્બે (હાલનું મુંબઇ), સુરત, ભરુચ, આગ્રા અને અમદાવાદનો સમાવેશ થતો હતો. ઔરંગઝેબે અંગ્રેજોનો ભારત સાથેનો બધો જ વહેવાર તદ્દન અટકાવી દીધો અને શરત મૂકી કે જ્યાં સુધી હેન્રી એવેરીની તેણે કરેલા અપરાધ માટે ધરપકડ કરવામાં અને તેને મૃત્યુદંડ આપવામાં ન આવે ત્યાં સુધી ભારત અંગ્રેજો સાથે કોઈ વેપાર કરશે નહી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ નુકસાનની ભરપાઈ કરી આપી ને સંબંધો સાચવી લીધા, કંપનીએ £૩,૫૦,૦૦૦ વિમાની રકમમાંથી વસુલ્યા હતા, જો કે ઔરંગઝેબે ભરપાઈ માટે આના કરતા લગભગ બમણી રકમની માંગણી કરી હતી.[] હેન્રી એવેરીને જોવાની મહેચ્છાને કારણે વિશ્વની પ્રથમ આંતર્રાષ્ટ્રીય શોધખોળ આદરવામાં આવી હતી જેથી હેન્રી અને એના સાથી ચાંચિયાઓને પકડી શકાય, પરંતુ તે લોકો ક્યારેય હાથમાં આવ્યા નહી. પાછળથી તેના છ ચાંચિયાઓ પકડાયા હતા જેમના પર કેસ ચાલ્યો અને તેમને મૃત્યુદંડની સજા પણા થઈ હતી, જો કે એમણે 'ગંજ-એ-સવાઇ'ની કરેલી લૂટ ક્યારેય સાબિત થઈ શકી નહોતી, તેમને થયેલી સજા અન્ય વહાણની લૂટા સબબે હતી.

અન્યત્ર ઉલ્લેખ

[ફેરફાર કરો]

૨૦૧૬માં બહાર પડેલી વિડિયો ગેમ 'અનચાન્ટેડ ૪: અ થિફ્સ એન્ડ' આ ગંજ-એ-સવાઇ પર થયેલા ચાંચિયાઓના હુમલા આધારિત છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  1. Harris, Graham (2002). Treasure and Intrigue: The Legacy of Captain Kidd (અંગ્રેજીમાં). Toronto: Dundurn. પૃષ્ઠ 88. ISBN 9781550024098. મેળવેલ 27 June 2017.
  2. Burgess, Douglas R., Jr. (2014). The Politics of Piracy: Crime and Civil Disobedience in Colonial America (અંગ્રેજીમાં). Lebanon, NH: ForeEdge. પૃષ્ઠ 53. ISBN 9781611685275.
  3. Rennie, Neil (2013). Treasure Neverland: Real and Imaginary Pirates (અંગ્રેજીમાં). Oxford: OUP Oxford. ISBN 9780191668654. મેળવેલ 27 June 2017.
  4. Burgess, Donald, R., Jr. (2009). The Pirates' Pact: The Secret Alliances Between History's Most Notorious Buccaneers and Colonial America (અંગ્રેજીમાં). New York: McGraw Hill. પૃષ્ઠ 143. ISBN 9780071474764.
  • Woodard, Colin (2007). The Republic of Pirates: Being the True and Surprising Story of the Caribbean Pirates and the Man Who Brought Them Down (અંગ્રેજીમાં). Orlando, FL: Houghton Mifflin Harcourt. પૃષ્ઠ 20–23. ISBN 978-0-15-101302-9.
  • Botting, Douglas (1978). The Seafarers: The Pirates (અંગ્રેજીમાં). Time-Life Books. પૃષ્ઠ 82–83.