ગીર ગાય

વિકિપીડિયામાંથી
ભારતીય ગીર ગાય
ગીર આખલો
બ્રાઝીલમાં ગીર ગોવંશ[૧]

ગીર ગાય એ ભારતીય મૂળની એક ગાય છે. તે દક્ષિણ કાઠિયાવાડમાં જોવા મળે છે. આ ગાય ૧૨-૧૫ વર્ષ જીવે છે અને તેના સમગ્ર જીવનકાળ દરમિયાન ૬-૧૨ વાછરડાં ઉત્પન્ન કરી શકે છે.

વિશેષતાઓ[ફેરફાર કરો]

ગીર ગાય ભારતની એક પ્રસિદ્ધ દુધાળાં પશુની ઓલાદ છે. તે ગુજરાત રાજ્યમાં આવેલા ગીરના જંગલ પ્રદેશ અને મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યના આસપાસના જિલ્લાઓમાં જોવા મળે છે. આ ગાય સારી દુધ ઉત્પાદકતા માટે જાણીતી છે.

આ ગાયના શરીરનો રંગ સફેદ, ઘેરો લાલ અથવા ચોકલેટી ભુરા રંગના ધબ્બા સાથે અથવા ક્યારેક ચમકીલા લાલ રંગમાં જોવા મળે છે . કાન લાંબા હોય છે અને લટકતા રહે છે. તેની સૌથી અનન્ય વિશેષતા છે તેનો બાહ્ય કપાળ પ્રદેશ, જે તેને મજબૂત સૂર્યપ્રકાશ સામેનું કવચ પૂરું પાડે છે. તે મધ્યમ થી મોટા કદમાં જોવા મળે છે. માદા ગીર ગાયનું સરેરાશ વજન ૩૮૫ કિલો અને ઊંચાઈ ૧૩૦ સેમી હોય છે, જ્યારે નર ગીર ગાયમાં સરેરાશ વજન ૫૪૫ કિલો અને ઊંચાઇ ૧૩૫ સેમી હોય છે. તેના શરીરની ત્વચા ખૂબ જ ઢીલી અને લચીલી હોય છે. શીંગડાં પાછળ તરફ વાંકા વળેલા હોય છે.

આ ગાય તેની સારી રોગ પ્રતિકારક ક્ષમતા માટે પણ પ્રસિદ્ધ છે. તે નિયમિત રીતે બચ્ચાં આપે છે. પ્રથમ વેળા ૩ વર્ષની ઉંમરમાં વાછરડાંને જન્મ આપે છે.

ગીર ગાયોમાં આંચળ સારી રીતે વિકસિત થયેલા હોય છે. આ ગાય દૈનિક ૧૨ લીટર કરતાં વધુ દુધ આપે છે. તેના દૂધમાં ૪.૫% ચરબી હોય છે. ગીર ગાયના એક વિયાણમાં સરેરાશ દૂધ ઉત્પાદન ૧૫૯૦ કિલો જેટલું હોય છે. આ દુધાળું પશુ વિવિધ આબોહવા અને ગરમ સ્થાનો પર પણ સરળતાથી રહી શકે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Holy cow! Gir gai goes global via Brazil". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૦.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]