ગુજરાતની પાઘડીઓ

વિકિપીડિયામાંથી
જામનગર ના મહારાજા શ્રી જામ વિભાજી ની પાઘડી

ભારત અને ગુજરાતમાં વિવિધ પંથો અને પંથકો જોવા મળે છે. જે પોતાની સંસ્કૃતિથી ખાસ કરીને તેમના પહેરવેશથી જુદા પડતા જણાય છે. ભારત દેશમાં લગભગ બધા જ વર્ગોમાં પાઘડી પહેરાવાનુ ચલણ હતુ અને લોકો પાઘડીનો આકાર અને તેની બાંધણી જોઈને એની પ્રાદેશિક અને ધંધાકીય ઓળખ કરી લેતા હતા. ગુજરાતમાં પણ પાઘડી પહેરવાની પરંપરા ઘણી જ પ્રચલિત હતી. વર્ષો પૂર્વે ગુજરાતના ગામમાં પણ કોઈ મહેમાન આવતા તો ગામ લોકો તેમના પહેરવેશ, ખાસ કરીને તેમની પાઘડી પરથી ઓળખી લેતા કે તે કયા વાસમાં જતા હશે.

ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાઘડીના નામ અને તેના કેટકેટલાય પ્રકારો જોવા મળે છે. જેમાં પાઘ, પાઘડી, પાઘડલી, સાફો, ફેંટો, માથાનું મોળિયું, મંદિર, ફગ, ફિંગલ, ઉષ્ણીશ, ફાળિયું, તાજ, મુગટ વગેરે નો સમાવેશ થાય છે. પાઘડીઓ રાજા મહારાજાઓ, નવાબો, બાદશાહો, બેગમો, રાજપૂતો, રબારી, ભરવાડો, ચૌધરી, દલિતો, આદિવાસીઓથી માંડીને અનેક જાતિઓ તેમજ પંથોની સંસ્કૃતિ અને શાનનું પ્રતિક છે.

પાઘડી એ માથા પર બાંધીને પહેરવાનું પરિધાન અથવા પહેરવેશ છે. પાઘડી માનવ વસ્ત્રોની સંસ્કૃતિ જેટલી જ પુરાણી છે. પ્રાચીન કાળમાં આદિમાનવો પોતાની ટોળીઓની અલગ ઓળખ માટે પીંછા, ફૂલ, મુગટ જેવું ધારણ કરતા હતા. એ પછી માથાના રક્ષણ, શોભા, નિજી ઓળખ, શાન માટે પાઘડી અસ્તિત્વમાં આવી હોય તેમ જણાય છે. પ્રાચીન વૈદિક સાહિત્યમાંથી પણ પાઘડીના વર્ણનો મળે છે. વર્તમાન સમયમાં પણ ગુજરાતના મેળાઓ, લગ્ન, નવરાત્રીમાં પાઘડી પહેરેલા પુરુષો જોવા મળે છે. જ્યારે ગુજરાતી લોકગીતો, વાર્તાઓ, કહેવતો વગેરેમાં પણ પાઘડીના ઉલ્લેખો થયેલા છે.

ગુજરાતના પરંપરાગત રીતે ઓળખાતા વિવિધ પ્રદેશો જેમ કે કાઠિયાવાડ ખાતે ઓખામંડળ, હાલાર, ઝાલાવાડ, પાંચાળ, બારાડી, નાઘેર, સીમર, મચ્છુકાંઠો, બાબરીયાવાડ, વાળાક અને વાગડ, આભીર દેશ (કચ્છ) ખાતે વાગડ, ગરડો, પાવર, માકવટ, મેઆણી, અબડાસો, મોડાસો, કાંઠી અને પ્રાંથડ, ઉત્તર ગુજરાત ખાતેના ચોરાડ, જતવાડો, નહેર, વઢિયાર, ઢાંઢર, છપ્પન, પાટણવાડો અને દંઢાવ્યદેશ, અમદાવાદ જિલ્લા ખાતે ભાલ, કનેર અને નળકાંઠા, દક્ષિણ તરફના ખંભાતબારું, વાંકળ, સંખેડા, મહુવાણ, કંઠાળ, નીમાડ, ખાનદેશ, મેવાડ, રાજ, મઠોર, ડાંગ અને બાગલાણ પંથકોમાં રહેતી વિવિધ લોકજાતિઓએ પોતાની પ્રાદેશિક સંસ્કૃતિની ઓળખ આપતી પાઘડી પહેરતા હતા.

આ પણ જુઓ[ફેરફાર કરો]