ગુણસુંદરી (પાત્ર)
ગુણસુંદરી એ ગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી કૃત નવલકથા સરસ્વતીચંદ્રનું પાત્ર છે. આ પાત્ર નવલકથાની નાયિકા કુમુદની માતા છે. ગુણસુંદરીના પાત્રમાં વ્યક્તિ અને કુટુંબના સંબંધને આદર્શ રીતે ઉપસાવતી ગૃહિણીનું આલેખન થયું છે. ચાર ભાગમાં વિસ્તૃત નવલકથાના બીજા ભાગનું નામ આ પાત્રના નામ પરથી ગુણસુંદરીનું કુટુંબજાળ રાખવામાં આવ્યું છે.[૧][૨]
પાર્શ્વભૂમિ
[ફેરફાર કરો]ગોવર્ધનરામે પોતાની નવલક્થા 'સરસ્વતીચંદ્ર'ના ઘણા પાત્રોનું નિર્માણ તેમના જીવન દરમ્યાન પરિચયમાં આવેલા સાચા પાત્રો પરથી કર્યું છે. ગુણસુંદરીનું પાત્ર કોના પરથી રચવામાં આવ્યુ છે એ વિશે ગોવર્ધનરામની સ્ક્રૅપબુક (ગોવર્ધનરામની અંગત ડાયરી)માંથી માહિતી મળે છે. ૧૮૯૧ની એક નોંધમાં તેઓ લખે છે. "મારાં માતુશ્રી અને લલિતા [ગોવર્ધનરામના પત્ની] સમક્ષ મારા સરસ્વતીચંદ્રના બીજા ભાગની હસ્તપ્રત મેં વાંચી ત્યારે મારાં માતુશ્રી કેટલી બધી વાર અને કેટલા બધા ઉમળકાથી લલિતા તરફ વળીને કહેતાં કે 'આ રહ્યાં મારાં ગુણસુંદરી'."[૩]
પરંતુ ત્યારબાદ ૧૮૯૨માં તેઓ સ્ક્રૅપબુકમાં નોંધે છે, "અફસોસ કે તે [લલિતાગૌરી] ગુણસુંદરીની સરખામણીમાં ઘણાં ઓછાં ઊતરે છે. આ આદર્શ નાયિકાનું સૂચન મારાં પત્નીમાંથી મળ્યું છે, પરંતુ એ બે વચ્ચે વિશાળ અને અનુલ્લંઘનીય અંતર છે". જોકે સ્ક્રૅપબુકમાં તેઓ એ પણ નોંધે છે, "મારી પત્ની મારી નાયિકા થવા માટે અતિશય રાંક છે. આ નાયિકાનાં કેટલાક લક્ષણો મારાં માતુશ્રીમાંથી પણ લેવામાં આવ્યાં છે. બીજી ઘણી બાબતોમાં ચિત્ર મૌલિક છે".[૩][lower-alpha ૧]
ચારિત્ર
[ફેરફાર કરો]સરસ્વતીચંદ્રના બીજા ભાગ ગુણસુંદરીનું કુટુંબજાળમાં લેખકે ગુણસુંદરી અને વિદ્યાચતુરની કથા આલેખી છે.[૩]
ગુણસુંદરીનાના બાળલગ્ન થયાં હતાં. તેનો પતિ વિદ્યાચતુર સંસ્કારી, રસજ્ઞ અને વિદ્યારસિક હતો. તે મામાને ત્યાં રહી અભ્યાસ કરતો ત્યારે ગુણસુંદરી એને પત્રો લખતી જેમાં તે દુહા, સાખીઓ, ગરબીઓ વગેરે ઉતારતી. ગુણસુંદરીનો સસરો માનચતુર ક્રોધી અને મિજાજી સ્વભાવનો છે. સાસુ ધર્મલક્ષ્મી સાસુપણું બજાવનારાં છે. પતિની સગવડમાં પતિપ્રેમ, ગૃહકાર્યની વહેંચણીમાં પ્રાવીણ્ય, સહુને અનુકૂળ થવામાં વ્યવહારદક્ષતા, વૈયક્તિક સુખસગવડો પ્રત્યે ઉદાસીનતા વગેરે ગુણો ગુણસુંદરી ધરાવે છે.[૨]
આવકાર
[ફેરફાર કરો]સરસ્વતીચંદ્ર નવલકથાના નારીપાત્રોમાં ગુણસુંદરીનું પાત્ર મહત્ત્વનું માનવામાં આવે છે. વિવેચક રમણલાલ જોશી નોંધે છે: "રાષ્ટ્રની સંસ્કારિતાનું માપ સ્ત્રી છે અને આર્ય સ્ત્રીમાં આત્માના સૌંદર્ય અને ત્યાગનું પ્રાધાન્ય છે એ હકીકત ગુણસુંદરીમાં પ્રબળ રીતે પ્રગટ થયેલી છે. ઉમદા ચારિત્ર એ ગુણસુંદરીની વિશેષતા છે. વાસ્તવમૂર્તિ અને ભાવનામૂર્તિ ગુણસુંદરી ગોવર્ધનરામે આલેખેલું ઉદાત્ત આર્યસ્ત્રીનું મૂર્તિમંત સ્વરૂપ છે".[૨]
ફિલ્મ
[ફેરફાર કરો]સરસ્વતીચંદ્ર આધારિત ૧૯૭૨ની ગોવિંદ સરૈયા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ગુણસુંદરીનો ઘરસંસાર આ પાત્ર પર કેન્દ્રિત છે. આ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો.[૪][૫]
નોંધ
[ફેરફાર કરો]- ↑ "My wife is too poor to be my heroine. Some of the traits of this heroine are also drawn from my mother. In other and many respects the picture is original".
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ટોપીવાળા, ચન્દ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપા. (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ: અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. p. ૧૦૨. OCLC 26636333.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ જોશી, રમણલાલ (૧૯૯૪). "ગુણસુંદરી". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૬ (ગ – ઘો) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૧૧–૫૧૨. OCLC 165216593.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ જોષી, રમણલાલ (૧૯૭૮). ગોવર્ધનરામ: એક અધ્યયન (બીજી આવૃત્તિ). મુંબઈ: એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. પૃષ્ઠ ૧૬૫. OCLC 5334459.
- ↑ "20th National Film Awards". International Film Festival of India. મૂળ માંથી 5 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 26 સપ્ટેમ્બર 2011.
- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014). Encyclopedia of Indian Cinema (Revised આવૃત્તિ). Routledge. પૃષ્ઠ 206. ISBN 978-1-135-94325-7.