ગોદાવરી પરુલેકર

વિકિપીડિયામાંથી

ગોદાવરી પારુલેકર (૧૯૦૭-૧૯૯૬) એક સ્વાતંત્ર્ય સેનાની, લેખિકા અને સામાજિક કાર્યકર હતા. તેઓ માર્ક્સવાદી અને સામ્યવાદી વિચારધારાઓથી પ્રભાવિત હતા અને તેમણે પોતાનું જીવન ખેડૂતો અને મજૂર વર્ગ માટે લડતા વિતાવ્યું હતું. તેમણે સ્વતંત્રતા સેનાની અને સમાન વિચારધારા ધરાવતા કાર્યકર શામરાવ પરુલેકર સાથે લગ્ન કર્યા.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

ગોદાવરી પરુલેકર (તે સમયે ગોખલે) નો જન્મ ૧૪ ઓગસ્ટ, ૧૯૦૭ ના દિવસે પૂણેમાં થયો હતો.[૨] તેમના પિતા લક્ષ્મણરાવ ગોખલે પ્રખ્યાત વકીલ હતા. તેઓ સ્વાતંત્ર્ય સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેના પિતરાઇ ભાઇ હતા. તેમણે સારું શિક્ષણ મેળવ્યું, કારણ કે તેમનો જન્મ એક સારા પરિવારમાં થયો હતો. તેમણે ફર્ગ્યુસન કૉલેજમાંથી સ્નાતક થયા પછી કાયદાનો અભ્યાસ કર્યો, તેઓ મહારાષ્ટ્રની પ્રથમ મહિલા કાયદા સ્નાતક બની હતી.[૧]

ચળવળ જીવનની શરૂઆત[ફેરફાર કરો]

તેમના કૉલેજના વર્ષોમાં ગોદાવરી અંગ્રેજો સામેના વિદ્યાર્થી આંદોલનમાં સામેલ થયા હતા.[૩] તેમણે વ્યક્તિગત સત્યાગ્રહોમાં ભાગ લીધો હતો અને તે માટે ઈ. સ. ૧૯૩૨ માં તેઓ જેલમાં પણ ગયા હતા. તેમનો પરિવાર અંગ્રેજ શાસનનું સમર્થક હતા આથી તેમનું આ પ્રકરનું જીવન અને વિચારધારા તેમના પરિવાર સાથે બંધ નહોતી બેસતી. આથી તેમણે ઘર છોડ્યું અને મુંબઈ જઈ સમાજસેવામાં જોડાવાનું નક્કી કર્યું. [૧]

ગોદાવરી સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટી નામની સંસ્થામાં જોડાયા. તેઓ આ સંસ્થાના પ્રથમ મહિલા આજીવન સભ્ય હતા. ઈ. સ. ૧૯૩૭ માં તેમણે મહારાષ્ટ્રમાં સાક્ષરતા અભિયાનનું આયોજન કર્યું. ઈ. સ. ૧૯૩૮ માં તેમણે ઘરેલુ કામદારોને મજૂર વર્ગના ભાગ રૂપે સંગઠિત કર્યું. ૧૯૩૮-૩૯ માં તેમણે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ખેડૂતોને સંગઠિત કર્યા.[૧]

તેમને તેમના કામ માટે ઘણી વખત અંગ્રેજોએ જેલમાં ધકેલી હતી. આ જ સમય દરમિયાન તેઓ તેમના પતિ શામરાવ પરુલેકરને મળ્યા હતા. તેઓ પણ સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયાના સભ્ય હતા અને તે જ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન ચલાવી રહ્યા હતા.[૪] ગોદાવરીએ ૧૯૩૯માં શામરાવ પારુલેકર સાથે લગ્ન કર્યા. [૧]

સામ્યવાદી પક્ષમાં જોડાતા[ફેરફાર કરો]

ગોદાવરી અને શામરાવ પરુલેકરની વિચારધારા સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટીની મેળ ખાતી નહોતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, તેઓ માનતા હતા કે અંગ્રેજોના યુદ્ધ પ્રયત્નોને ટેકો આપવાનો ઇનકાર કરવો એ તેમનાથી છૂટકારો મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો છે. કેટલીક વિખવાદો પછી, તેઓએ સંગઠન છોડી દીધું અને ઈ. સ. ૧૯૩૯ માં કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા. તેઓ માનતા હતા કે મજૂર વર્ગ અને ખેડૂતોનું સંગઠન કરવું એ બ્રિટીશ શાસનને ઉથલાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તેઓ માર્ક્સવાદથી પ્રેરિત હતા. સામ્યવાદી પક્ષના નેતાઓ સાથે, તેમણે મુંબઈમાં મજૂર વર્ગની પહેલી યુદ્ધ વિરોધી હડતાલનું આયોજન કર્યું. અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવ્યા છતાં પણ તેમણે આ વિરોધનું નેતૃત્વ કર્યું. તેમને ૧૯૪૦ થી ૧૯૪૨ દરમિયાન જેલમાં પૂરવામાં આવ્યા હતા.[૧]

ખેડૂતો અને આદિવાસીઓ સાથે કાર્ય[ફેરફાર કરો]

ત્યાર બાદ તેમણે પોતાનું ધ્યાન ખેડૂતોને સંગઠિત કરવા તરફ વાળ્યું.[૧] તેઓ અખિલ ભારતીય કિસાન સભામાં સામેલ થયા અને તેની મહારાષ્ટ્ર શાખા, મહારાષ્ટ્ર રાજ્ય કિસાન સભાની સ્થાપના કરી. તે સભાના તેઓ પ્રથમ સંયુક્ત સચિવ હતા. [૫]

ત્યારબાદ તેમણે પોતાનું જીવન થાણેમાં વારલી સમુદાયના સંઘર્ષમાં સમર્પિત કર્યું, [૬] તેઓને શ્રીમંત જમીનદારો દ્વારા બળજબરીથી અને બંધનમાં રાખી મજૂરી કરાવવામાં આવી હતી. વારલી મહિલાઓ જમીનદારોના બળાત્કારનો ભોગ બની રહી હતી, મેલીવિદ્યા અને હત્યાના આરોપ તેમના પર મૂકવામાં આવતા હતા. તેમણે તેમના પતિ શામરાવ સાથે મળીને ૧૯૪૫ થી ૧૯૪૭ દરમિયાન વારલી આદિવાસી વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું.[૪] તેમણે તેમના પુસ્તક જેવ્હા માણુસ જાગા હોતો (જ્યારે માણસ જાગે છે) માં તે સમયે ચાલતી ગતિવિધિઓનું દસ્તાવેજીકરણ કર્યું હતું.

આઝાદી પછી પણ ગોદાવરી વારલી અને આદિવાસીઓના હકો માટે લડતા રહ્યા. તેમણે શામરાવ સાથે મળીને ઈ. સ. ૧૯૬૧માં આદિવાસી પ્રગતિ મંડળ ની સ્થાપના કરી હતી. [૧]

થાણે જિલ્લામાં સીપીઆઈ (એમ) ની સ્થાપના[ફેરફાર કરો]

થાણેની કમ્યુનિસ્ટ પાર્ટી ૧૯૬૪ માં ભાંગી ગઈ. થાણે જિલ્લામાં લગભગ આખી પાર્ટી, પારુલેકરની આગેવાની હેઠળ, અનિશ્ચિતપણે સીપીઆઇ (એમ) ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) હેઠળ આવી ગઈ . શામરાવ અને ગોદાવરી બંને મહારાષ્ટ્રના આ પાર્ટીના ૧૬૩ નેતાઓમાં હતા, જે તે સમયે જેલમાં હતા. શામરાવ અને ગોદાવરી રાજ્ય સચિવાલય માટે ચૂંટાયા હતા.[૧]

પછીનું જીવન[ફેરફાર કરો]

ઈ. સ. ૧૯૬૫ માં શામરાવના મૃત્યુ પછી, ગોદાવરીએ સીપીઆઈ (એમ) નું નેતૃત્વ ચાલુ રાખ્યું. ઈ. સ. ૧૯૮૬ માં, તે અખિલ ભારતીય કિસાન સભાની પ્રથમ મહિલા અધ્યક્ષ બની. [૫]

૮ ઑક્ટોબર ૧૯૯૬ ના રોજ તેમનું નિધન થયું. [૧]

લેખિન કૃતિઓ[ફેરફાર કરો]

ગોદાવરીએ તેમના સંઘર્ષોને તેના પુસ્તકોમાં લખ્યા છે. તેમનું સૌથી પ્રખ્યાત પુસ્તક છે જેવ્હા માણુસ જાગા હોતો (જ્યારે માણસ જાગૃત થાય છે).[૩] તે ૧૯૭૦ માં પ્રકાશિત થયું હતું, અને ૧૯૭૨ માં તેને સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો હતો. તેણે જવાહરલાલ નેહરુ એવોર્ડ અને સોવિયેટ લેન્ડ એવોર્ડ પણ જીત્યો. અંગ્રેજી અને જાપાનીઝ સહિત ઘણી ભાષાઓમાં તેનું ભાષાંતર કરવામાં આવ્યું છે.

તેમના અન્ય પુસ્તકો છે:

૧. આદિવાસી રીવોલ્ટ : ધ સ્ટોરી ઑફ વારલી પીસન્ટસ્ ઇન સ્ટ્રગલ

૨. 'બંદીવાસાચી આઠ વર્શ' (જેલના આઠ વર્ષ) [૧]

પુરસ્કારો અને માન્યતા[ફેરફાર કરો]

ગોદાવરીને ભારતમાં શોષિત અને પછાત લોકો માટેની તેમની સેવા બદલ લોકમાન્ય તિલક એવોર્ડ અને સાવિત્રીબાઈ ફુલે એવોર્ડ આપવામાં આવ્યો હતો.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ ૧.૧૦ ૧.૧૧ Dhawale, Ashok (2007). "Godavari Parulekar: A Centenary Tribute" (PDF). The Marxist.
  2. Javalgekar, Aishwarya (2017-08-09). "Godavari Parulekar: A Life Of Activism | #IndianWomenInHistory". Feminism in India. મેળવેલ 2017-08-20.
  3. ૩.૦ ૩.૧ Datta, Amaresh (1988). Encyclopaedia of Indian Literature (અંગ્રેજીમાં). Sahitya Akademi. ISBN 9788126011940.
  4. ૪.૦ ૪.૧ Forbes, Geraldine; Forbes, Geraldine Hancock (1999-04-28). Women in Modern India (અંગ્રેજીમાં). Cambridge University Press. ISBN 9780521653770.
  5. ૫.૦ ૫.૧ "80 Years and Fighting: All India Kisan Sabha in Today's Moments of Agrarian Distress". SabrangIndia (અંગ્રેજીમાં). 2016-04-18. મૂળ માંથી 2017-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-20.
  6. "RAS | The Kisan Sabha and Adivasi Struggles in Thane District after 1947". ras.org.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-20.