લખાણ પર જાઓ

ચી. ના. પટેલ

વિકિપીડિયામાંથી
ચી. ના. પટેલ
જન્મચીમનલાલ નારણદાસ પટેલ
(1918-12-23)23 December 1918
અસારવા, અમદાવાદ, ગુજરાત
મૃત્યુ30 January 2004(2004-01-30) (ઉંમર 85)
વ્યવસાયલેખક, સાહિત્ય વિવેચક અને અનુવાદક
ભાષાગુજરાતી, અંગ્રેજી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોરણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૦)
સહી

ચીમનલાલ નારણદાસ પટેલ અથવા ચી. ના. પટેલ કે સી. એન. પટેલ (૨૩ ડિસેમ્બર ૧૯૧૮ – ૩૦ જાન્યુઆરી ૨૦૦૪) ગુજરાતી ભાષાના લેખક, સાહિત્ય વિવેચક અને અનુવાદક હતા.

તેમનો જન્મ ૨૩ ડિસેમ્બર ૧૯૧૮ના અમદાવાદમાં થયો હતો. ૧૯૪૦માં તેમણે બી.એ. અને ૧૯૪૪માં અંગ્રેજી વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. અઢાર વર્ષ અંગ્રેજીના અધ્યાપક અને કૉલેજ-આચાર્ય. વચ્ચે એક વર્ષ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે કાર્ય કર્યું. ત્યારપછી તેઓ તેવીસ વર્ષ ભારત સરકાર દ્વારા પ્રકાશિત ‘કલેકટેડ વર્કસ ઑવ મહાત્માં ગાંધી’ માં અનુવાદક, ઉપ-મુખ્ય સંપાદક અને માનાર્હ સલાહકાર રહ્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના બત્રીસમાં અધિવેશનમાં વિવેચન વિભાગના પ્રમુખ હતા.

૩૦ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ તેઓ અવસાન પામ્યા હતા.[]

પ્રથમ પુસ્તક ‘અભિક્રમ’ (૧૯૭૫) અને ત્યારપછી પ્રગટ થયેલા અન્ય ગ્રંથોના લેખોમાં ભારતીય અને પાશ્ચાત્ય શિષ્ટ સાહિત્યના પરિશીલનથી તથા એ બંને સંસ્કૃતિના ઐતિહાસિક પ્રવાહો અને જીવનમૂલ્યોની જાણકારીથી સજ્જ એમની દ્રષ્ટિ આ લેખોને તાજગી અર્પે છે. સાહિત્યને આકારલક્ષી દ્રષ્ટિએ ન જોતાં જીવનના વ્યાપક સંદર્ભમાં જોવામાં એમને રસ છે. ‘અભિક્રમ’ માં સાહિત્યમીમાંસા, સાહિત્યિક પ્રશ્નો કે સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી કૃતિઓને આ દ્રષ્ટિથી તપાસવાનો ઉપક્રમ છે. ‘ટ્રેજિડી-સાહિત્યમાં અને જીવનમાં’ (૧૯૭૮)માં પાશ્ચાત્ય સાહિત્ય, ‘રામાયણ’ ‘મહાભારત’, ‘સરસ્વતીચંદ્ર’ તથા ગાંધીજીવનને એમાંથી વ્યક્ત થતાં ટ્રેજિક દર્શનના સંદર્ભમાં તપાસ્યા છે. ‘કથાબોધ’ (૧૯૮૦)માં ગુજરાતી, બંગાળી અને વિદેશી કૃતિઓને એમાં વ્યક્ત થતી ભાવનાઓના સંદર્ભમાં તપાસી છે.

‘ગાંધીજીની સત્યસાધના અને બીજા લેખો’ (૧૯૭૮)માં એક અંગ્રેજી લેખકના ગ્રંથની સમીક્ષારૂપે લખાયેલો પહેલો લેખ, સત્યસાધના ગાંધીજી માટે કેવી રીતે આધ્યાત્મિક ખોજ હતી તેને પ્રતિપાદિત કરતો મહત્વનો લેખ છે. અન્ય લેખોમાં ગાંધીજી અને અરવિંદની જીવનભાવના વચ્ચે રહેલો ભેદ, ગાંધીજીના કાર્યોમાંથી પ્રગટ થતાં એમના જીવનનાં મૂલ્યો વગેરેને સ્પષ્ટ કરવા તરફ લેખકનું લક્ષ રહ્યું છે. ‘ગુજરાતી ગ્રંથકાર’ શ્રેણીમાં લખાયેલી ‘ગાંધીજી’ પુસ્તિકામાં ગાંધીજીનું અક્ષરકાર્ય એમના જીવનવિકાસનું કેવું સૂક્ષ્મ ચિત્ર છે તે બતાવીને ગાંધીજીની ભાષામાં રહેલી સર્જનાત્મકતાને તપાસી છે. ‘મહાત્મા ગાંધી ઈન હિઝ ગુજરાતી રાઈટિંગ્ઝ’ (૧૯૮૧)માં પણ ગાંધીજીના લેખનકાર્યને તેમના જીવનવિકાસના સંદર્ભમાં તપાસ્યું છે. ‘વિચારતરંગ’ (૧૯૮૬)માં સમાજ અને સંસ્કૃતિ, સાહિત્ય, ગાંધીજી વિશેના લેખો ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચન વિભાગનો અધ્યક્ષીય વ્યાખ્યાનલેખ સમાવિષ્ટ છે.

‘વાલ્મીકીય રામકથા’ (૧૯૮૨) એ ‘વાલ્મીકિ રામાયણ’ નો ગુજરાતીમાં એમણે આપેલો સંક્ષેપ છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. શાહ, પ્રકાશ ન. (સપ્ટેમ્બર ૨૦૧૫). દવે, રમેશ ર.; દેસાઈ, પારુલ કંદર્પ (સંપાદકો). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (સ્વાતંત્ર્યોત્તર યુગ - 1). . અમદાવાદ: ક. લા. સ્વાધ્યાયમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૩૬૯–૩૭૩. ISBN 978-81-930884-5-6.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]