છગન જાદવ

વિકિપીડિયામાંથી

છગનલાલ જાદવ (૧૯૦૩-૧૯૮૭) એ ભારતના એક ગુજરાતી ચિત્રકાર હતા અને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના ઉપપ્રમુખ હતા.[૧][૨]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

૧૯૦૩માં ઉત્તર ગુજરાતના કડી પાસેના નાના ગામમાં એક હરિજન કુટુંબમાં તેમનો જન્મ થયો હતો.[૨] કોચરબની અંત્યજ રાત્રિશાળામાં તેઓ વાડજથી પગપાળા ચાલીને જતા જ્યાં તેઓએ શિક્ષક પરીક્ષિતલાલ મજમુદાર જોડેથી અક્ષરજ્ઞાન મેળવ્યું.[૩][૧] ગાંધીજીએ તેમની મિલની નોકરી છોડાવી અને ગુજરાત વિદ્યાપીઠમાં પટાવાળા તરીકે રાખ્યા જ્યાં તેમની "ક્ષમતાનું ગાંધીજી સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતા હતા."[૧]

ચિત્રકળા[ફેરફાર કરો]

પદ્ધતિસરની તાલીમ ન લીધી હોવા છતાં, તેમની લગન જોઈને ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠમાંથી તેમને શિષ્યવૃત્તિ અપાવી હતી.[૧] ગાંધીજીની ભલામણથી છગનલાલ જાદવનો અભ્યાસ વિદ્યાપીઠના કનુભાઈ દેસાઈ હેઠળ શરૂ થયો.[૧] ત્યારબાદ બાપુએ જાદવની ઓળખાણ કલાગુરુ રવિશંકર રાવળ જોડે કરાવી; આ મુલાકાતને ડૉ. રિઝવાન કાદરી "ટર્નિંગ પોઇન્ટ" ગણાવે છે.[૧] રવિશંકર રાવળે "તેમની સર્જનશક્તિ પારખી, છગનલાલને વધુ સર્જનાત્મક શિક્ષણ મળી રહે તે હેતુસર મિલ ઉદ્યોગના પિતામહ રણછોડલાલ છોટાલાલના પ્રપૌત્ર પર ગ્રજાપ્રસાદ તેમજ શેઠ શાંતિલાલ મંગળદાસ પાસેથી શિષ્યવૃત્તિ અપાવી."[૧] એના પછી જાદવ ઇંદૌર અને લખનૌ ગયા અને ત્યાં કલાકાર બૅંકના સંપર્કમાં આવ્યા અને તેમની જોડે ઘણા લેન્ડસ્કેપ કર્યા.[૨]

છગનલાલ જાદવ દાંડી સત્યાગ્રહ સમયે ગાંધીજીની "અરૂણોદય ટુકડી"ના સદસ્ય હતા અને તેથી તેમને ગાંધીજીની "છ યાદગાર ક્ષણોના રેખાંકનની તક મળી હતી."[૧] જાદવે દાંડીકૂચનું જીવંત ચિત્ર આલેખનથી સંપૂર્ણ દસ્તાવેજીકરણ કર્યું હતું; એમણે ગાંધીજી સિવાય અન્ય પદયાત્રીઓ તથા બીજા રાષ્ટ્રીય નેતાઓનાં પણ રેખાચિત્રો દોર્યાં અને કેટલાક રેખાચિત્રોની નીચે નેતાઓના હસ્તાક્ષર પણ લીધા.[૧] ૫મી મે ૧૯૩૦ના રોજ ગાંધીજીના કરાડીથી ધરપકડ થઈ અને તેમની સાથે છગનલાલને પણ ૩ મહિના જેલની સજા થઈ.[૧]

પ્રારંભમાં વાસ્તવદર્શી ચિત્રો દોરનારા તેઓએ પાછળથી આધુનિક ચિત્રકળામાં પ્રદાન કર્યું.[૨] તેમણે કાશ્મીર જઈ દૃશ્યચિત્રોનું પણ સર્જન કર્યું હતું.[૨] તેમનાં પ્રખ્યાત ચિત્રોમાં 'શોકધારા', 'પ્રકાશ', 'પ્રતિ', 'ગુનાહિતા', 'વિશ્વસ્વરૂપ', 'નિર્ણયની ક્ષણો', અને 'મંગલપ્રભાત'નો સમાવેશ થાય છે.[૩] ગુજરાત લલિતકલા અકાદમીના તેઓ ઉપપ્રમુખ હતા અને અકાદમીએ તેમનું સમ્માન કર્યું હતું. તેમણે આશરે ૨૦ જેટલાં વૈયક્તિક ચિત્રપ્રદર્શનો યોજ્યાં હતાં.[૨]

અંતિમ જીવન[ફેરફાર કરો]

તેઓ શ્રી અરવિંદ અને માતાજીના અનુયાયી હતા અને તેમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતા હતા.[૨] ૧૨મી એપ્રિલ ૧૯૮૭ના રોજ ૮૪ વર્ષની વયે તેમનું અવસાન થયું.[૩]

લોકપ્રિય સંસ્કૃતિમાં[ફેરફાર કરો]

ડૉ. રિઝવાન કાદરીએ જાદવનાં રેખાંકનોનું "અન્સીન ડ્રૉઇંગ્સ ઑફ દાંડીયાત્રા" પુસ્તક રૂપે સંકલન કર્યું છે.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦૦ ૧.૦૧ ૧.૦૨ ૧.૦૩ ૧.૦૪ ૧.૦૫ ૧.૦૬ ૧.૦૭ ૧.૦૮ ૧.૦૯ "દાંડીકૂચની ચિત્રાત્મક રજૂઆત". ગુજરાત સમાચાર. મેળવેલ 2020-11-19.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ વ્યાસ, રજની. ગુજરાતની અસ્મિતા. અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃ: ૧૯૮
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "'દાંડીયાત્રાનો ખજાનો 'ગુજરી બજાર'માં મળ્યો'". BBC News ગુજરાતી. મેળવેલ 2020-11-19.