રવિશંકર રાવળ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રવિશંકર રાવળ
Ravrav3.jpg
કલાગુરુ રવિશંકર રાવળ
જન્મની વિગત ૧ ઓગસ્ટ, ૧૮૯૨
ભાવનગર, ગુજરાત, ભારત
મૃત્યુની વિગત ૯ ડિસેમ્બર, ૧૯૭૭
અમદાવાદ, ગુજરાત, ભારત
હુલામણું નામ કલાગુરુ
નાગરીકતા ભારતીય
ખિતાબ રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૦), પદ્મશ્રી (૧૯૬૫)
જીવનસાથી રમાબેન
માતા-પિતા માણેકબા, મહાશંકર રાવળ

વીસમી સદીના મધ્યાંતે જ્યારે ગુજરાતમાં ચિત્રકારની જાણ માત્ર દુકાનોના પાટિયા લખતા ચિતારા તરીકે હતી ત્યારે કલાનુ પુન:પ્રતિષ્ઠાન કરવાનું માન રવિશંકર રાવળને (મિત્રો અને સબંધીઓના રવિભાઈ) ફાળે જાય છે. ચોવીસ વર્ષની વયે તેમને જે. જે. સ્કુલ ઑફ આર્ટ્સનો મેયો ચંદ્રક પ્રદાન થયો, ૧૯૩૦માં સાહિત્યકારોએ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પ્યો, ઇ. સ. ૧૯૩૩માં કવિસમ્રાટ બ.ક.ઠાકોરે ચિત્રકલાને કવિતાની માજણી બેનડી કહી, ઇ. સ. ૧૯૩૬માં ગાંધીજીએ કહ્યું, "મારી છાતી તેમના ચિત્રો જોઈ ઊછળી", આગળ જતાં કાકા કાલેલકરે તેમને ગુજરાતના કલાગુરુના સ્થાને બિરદાવ્યા અને ભારત સરકારે તેમનું પદ્મશ્રીથી બહુમાન કર્યું.

ઇ. સ. ૧૭૨૩ માં ભાવનગરના તોરણ બંધાયા ત્યારથી વસેલા ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો. આપમેળે આગળ વધેલા પિતા રાવ સાહેબ મહાશંકર રાવળ સૌરાષ્ટ્રની એક માત્ર બેંક “ભાવનગર દરબાર બેંક”ના પ્રણેતા હતા, તેમને કલાના સ્રોત રવિભાઈને તેમના બા (માતાજી) માણેકબા પાસેથી મળ્યાં. ઇ. સ. ૧૯૦૯માં તેમના લગ્ન શિવશંકર ત્રવાડીના પુત્રી રમાબેન સાથે થયા. "વીસમી સદી"ના અધિષ્ઠાતા હાજીમહમદ અલારખિયા શિવજી પાસેથી તેમને મૈત્રી અને કલાના પુનરુત્થાનની પ્રેરણા મળ્યાં. રવિભાઈએ એક સિદ્ધહસ્ત ચિત્રકાર, કલામિમાંસક, કલાશિક્ષક, પત્રકાર અને વિચારક તરીકે ગુજરાતને નીચેનો વારસો આપ્યો.

૧. "કુમાર" માસિક

૨. કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ, છગંનલાલ જાદવ, સી નરેન વિગેરે તેમના હાથ નીચે કલાનું શિક્ષણ પામેલા, મશહૂર બનેલા ચિત્રકારો.

૩. તેમના કલાચિત્રોનો સંગ્રહ

૪. ફોટોગ્રાફી અને છાપકામ કલાની શરૂઆત

ઉપલબ્ધિઓ[ફેરફાર કરો]

રવિશંકર રાવળે 'કુમાર' ઉપરાંત અન્ય સામાયિકોમાં કલા વિશેના અનેક લેખો લખ્યા હતા. આ ઉપરાંત કલા વિશે સ્વતંત્ર પુસ્તકો પણ લખ્યાં છે. જેમાં 'અજંતાના કાલમંડપો', 'કલાચિંતન', 'કલાકારની સંસ્કારયાત્રા' અને 'આત્મકથાનક' જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે.

તેઓએ અમદાવાદમાં 'ગુજરાત કલાસંઘ'ની સ્થાપના કરી હતી. તેઓએ 'ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી'ના વાઇસ ચેરમેનના પદને શોભાવ્યું હતું. કલાક્ષેત્રના ધુરંધર એવા રવિશંકરજીને ઇ. સ. ૧૯૩૦ના વર્ષમાં સાહિત્યક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર 'રણજિતરામ સુવર્ણચંદ્રક' એનાયત કરવામાં આવ્યો હતો. ઇ.સ. ૧૯૬૬ના વર્ષમાં શ્રી રવિશંકર રાવળને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

બાળકો માટેના સામાયિક 'ચાંદાપોળી', પ્રસિધ્ધ પુસ્તકો 'કૈલાસમાં રાત્રિ', 'હેમચંદ્રાચાર્ય', 'અખો' તેમ જ 'કનૈયાલાલ મુનશીની પાત્રસૃષ્ટિ'ના ચિત્રો કલાગુરુ રવિશંકર રાવળની ચિત્રકલાના નોંધપાત્ર નમૂનાઓ છે.

સવિશેષ પરિચય[ફેરફાર કરો]

રાવળ રવિશંકર મહાશંકર (૧-૮-૧૮૯૨, ૯-૧૨-૧૯૭૭) : આત્મકથાલેખક, પ્રવાસલેખક. જન્મ ભાવનગરમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. ૧૯૧૦માં મૅટ્રિક. મુંબઈની આર્ટ સોસાયટીમાં પાંચ વર્ષના ચિત્રકલાના અભ્યાસમાં ઉત્તીર્ણ થતાં ૧૯૧૬માં મેયો મૅડલ. હાજી મોહમ્મદ અલારખિયાના સંપર્કથી પ્રેરાઈને ૧૯૨૪માં અમદાવાદમાં ‘કુમાર’ કાર્યાલયની સ્થાપના અને તેનું સંચાલન. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વડોદરામાં માનાર્હ કલા-અધ્યાપક. કલાપ્રવૃત્તિ માટે ગુજરાત વિદ્યાસભા દ્વારા ૧૯૩૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૫માં ભારત સરકારનો પદ્મશ્રી ખિતાબ. ૧૯૭૦માં લલિતકલા અકાદમીના ફેલો. અમદાવાદમાં અવસાન.

જાપાન અને ઉત્તરભારત તથા કુલુમનાલીની કલાયાત્રાનું વર્ણન કરતું ‘કલાકારની સંસારયાત્રા’ (૧૯૪૭) તથા વિયેના અને મોસ્કોની વિશ્વશાંતિ પરિષદ નિમિત્તે કરેલી વિદેશયાત્રાના અનુભવો નિરૂપતું ‘મેં દીઠાં નવાં માનવી’ (૧૯૫૬) એમનાં પ્રવાસપુસ્તકો છે. ગુજરાતી કલા અને સંસ્કૃતિની વિકાસરેખા નિરૂપતી એમની આત્મકથા ‘આત્મકથાનક’ (૧૯૬૭) પણ નોંધપાત્ર છે.

એમણે અવનીન્દ્રનાથ, જમનબાબુ, બુરાકામી અને કાર્ટૂનિસ્ટ શંકર જેવા કલાવિદો વિશેના ચરિત્રલેખોનો સંગ્રહ ‘કલાકારની કલમે’ (૧૯૫૬) અને ‘ભારતની સંસ્કૃતિના પૂજક જેમ્સ કઝીન્સ’ (૧૯૫૯) જેવાં પુસ્તકો આપ્યાં છે. ઉપરાંત એમણે અજંતાની શિલ્પચિત્રસમૃદ્ધિનું નિરૂપણ કરતું, રંગીન ચિત્રોથી યુક્ત પુસ્તક ‘અજંતાના કલામંડપો’ (૧૯૩૬) ઉપરાંત કલાનું સ્વરૂપ, તેનું મહત્વ અને મૂલ્ય સમજાવતાં કલાવિષયક લખાણો અને ભાષણોનો સંગ્રહ ‘કલાચિંતન’ (૧૯૪૭) તેમ જ ‘સોળ સુંદર ચિત્રો’ (૧૯૨૫) જેવાં કલાવિવેચનો પણ આપ્યાં છે.

ગુજરાતી સાહિત્ય પરિષદના કરાંચીમાં મળેલા અધિવેશનમાં કલા વિભાગના પ્રમુખ તરીકે આપેલું વ્યાખ્યાન ‘ચિત્રસૃષ્ટિ’ (૧૯૩૭), મુનશી ષષ્ઠિપૂર્તિ નિમિત્તે દોરેલાં તેમની કથાસૃષ્ટિનાં પાત્રોનાં કાલ્પનિક રંગીન ચિત્રો ‘ક. મા. મુનશીની પાત્રસૃષ્ટિ’ (૧૯૫૩), ચરોતર ચિત્રશિક્ષક સંઘ અયોજિત વિદ્યાર્થી ચિત્રપ્રદર્શનના ઉદઘાટન નિમિત્તે કરેલ પ્રવચન ‘ચિત્રશિક્ષા’ (૧૯૩૯) વગેરે એમનું તદ્વિષયક પ્રકીર્ણ પ્રદાન છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]