જેમ્સ ચૅડવિક

વિકિપીડિયામાંથી
સર જેમ્સ ચૅડવિક
જન્મની વિગત(1891-10-20)20 October 1891
બોલિંગ્ટન, ઇંગ્લેન્ડ
મૃત્યુ24 July 1974(1974-07-24) (ઉંમર 82)
કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડ
રાષ્ટ્રીયતાઇંગ્લિશ
શિક્ષણ સંસ્થા
  • યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટર
  • યુનિવર્સિટી ઑફ કેમ્બ્રિજ
પ્રખ્યાત કાર્ય
  • ન્યુટ્રૉનની શોધ માટે
  • મૅનહટન પ્રૉજેક્ટ
પુરસ્કારોભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (૧૯૩૫)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રભૌતિકશાસ્ત્ર
ડોક્ટરલ સલાહકારઅર્નેસ્ટ રૂથરફર્ડ

સર જેમ્સ ચૅડવિક (૨૦ ઓક્ટોબર ૧૮૯૧ – ૨૪ જુલાઈ ૧૯૭૪) ઈંગ્લીશ ભૌતિકશાસ્ત્રી હતા કે જેમણે મૂળભૂત કણ ન્યુટ્રૉનની શોધ માટે ૧૯૩૫ના વર્ષનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.

જીવન[ફેરફાર કરો]

જેમ્સ ચૅડવિકનો જન્મ ૨૦ ઓક્ટોબર ૧૮૯૧ના રોજ બોલિંગ્ટન, ઇંગ્લેન્ડમાં થયો હતો. તેઓ તેમના પિતા જ્હૉન જોસેફ ચૅડવિકના પ્રથમ સંતાન હતા. જેમ્સનું નામ તેમના દાદાના નામ પરથી પાડવામાં આવ્યું હતું[૧][૨] તેમણે શરૂઆતનો અભ્યાસ માન્ચેસ્ટર ગ્રામર સ્કૂલમાંથી સંપન્ન કર્યો અને ૧૯૧૧માં યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટરમાંથી સ્નાતક થયા અને ત્યારબાદ ૧૯૧૧ થી ૧૯૧૩ દરમ્યાન અર્નેસ્ટ રૂથરફર્ડના માર્ગદર્શન હેઠળ ફિઝિકલ લૅબોરેટરી, માન્ચેસ્ટરમાં રહીને કિરણોત્સર્ગી તત્ત્વોના પરમાણુઓમાંથી બહાર આવતાં વિકિરણોની ઊર્જાના માપન અને તેમના ઉદભવ અંગે સંશોધન કર્યું. ૧૯૧૩માં બર્લિનમાં પ્રો. ગાઈગરના હાથ નીચે રેડિયોસક્રિતા ઉપર તેમને કામ શરૂ કર્યું. બ્રિટિશ નાગરિક હોવાને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન તેમને અનેક મુશ્કેલીઓ નડવા છતાં તેમણે મેક્સ પ્લાન્ક, નર્ન્સ્ટ, માઈટનર જેવા વૈજ્ઞાનિકો સાથે કામ ચાલું રાખ્યું અને મૂળ તત્ત્વોમાંથી બહાર આવતા બીટા-કણોની ઊર્જાનું મૂલ્યાંકન કર્યું. આ અભ્યાસ બીટા-કિરણ સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખાય છે.[૩]

૧૯૩૨માં તેમને રૉયલ સોસાયટીનું સભ્યપદ અને હ્યુજીન્સ ચન્દ્રક પ્રાપ્ત થયાં હતાં. ૧૯૪૫માં તેમને ઉમરાવપદ (નાઇટહૂડ) આપવામાં આવ્યું. ૧૯૪૮માં તેમને લિવરપૂલ છોડી કેમ્બ્રિજમાં ગોન્વિલે કૉલેજનું આચાર્યપદ સંભાળ્યું. તેમના મુખ્ય શોખ માછીમારી અને બાગાયત હતા.[૩] ૨૪ જુલાઈ ૧૯૭૪ના રોજ ઊંઘમાં જ તેમનુ અવસાન થયું હતું.[૪]

સંશોધન[ફેરફાર કરો]

૧૯૨૩માં ચૅડવિક કૅવેન્ડિશ લૅબોરેટરી ફૉર એક્સપરિમેન્ટલ ફિઝિક્સના ઉપનિયામક નિમાયા. ત્યાં તેમણે રૂથરફર્ડ સાથે પરમાણુકેન્દ્રો ઉપર આલ્ફા-કણ પ્રતાડનનો અભ્યાસ કર્યો. તેમને જોયું કે બેરિલિયમના કેન્દ્ર ઉપર આલ્ફા-કણોનો મારો ચલાવવામાં આવે ત્યારે તેમાંથી એક એવું વિકિરણ ઉદભવે છે જે હાઈડ્રોજન-સમૃદ્ધ પૅરેફિનમાંથી પ્રોટોન મુક્ત કરે છે. તેમણે દર્શાવ્યું કે, આ વિકિરણ ન્યુટ્રૉન નામના, પ્રોટૉન કરતાં ૧.૦૦૬૭ ગણા ભારે અને વીજભારવિહીન કણોનું બનેલું છે. ૧૯૧૫ થી ૧૯૩૩ના ગાળામાં રૂથરફર્ડ સાથેનાં સંશોધનો વડે તેમણે સિદ્ધ કર્યું કે: પરમાણુઓનું કૃત્રિમ રૂપાંતરણ શક્ય છે, તત્વના પરમાણુની ત્રીજ્યાનો અંદાજ કાઢી શકાય છે, અને પરમાણુના કેન્દ્રમાં પ્રોટૉન ઉપરાંત ન્યુટ્રૉન નામનો પણ કણ આવેલો છે. ન્યુટ્રૉનની શોધ ઘણી અગત્યની સાબિત થઈ. તે વીજભારવિહીન કણ હોવાથી પરમાણુ કેન્દ્રના વિભેદન અને પરખ માટે ઘણો અસરકારક છે. ન્યૂટ્રૉનના ઉપયોગથી પરમાણુ વિખંડનની અને કેન્દ્રીય ભઠ્ઠીઓની શોધ થઈ.[૩]

૧૯૩૫ થી ૧૯૪૮નાં વર્ષોમાં તેઓ યુનિવર્સિટી ઑફ લિવરપૂલમાં પ્રાધ્યાપક રહ્યા, તે દરમ્યાન પ્રતાડન માટે આલ્ફા કણોને બદલે સાયક્લોટ્રૉન જેવા કણ-પ્રવેગકો દ્વારા મળતા અત્યંત વેગવાળા વીજભારિત કણોનો ઉપયોગ કરી ઊંચા પરમાણુભાર ધરાવતાં તત્ત્વોનું વિખંડન તેમને શક્ય બનાવ્યું. ૧૯૪૩માં પરમાણુબૉમ્બ વિકસાવવા માટેના મૅનહટન પ્રૉજેક્ટમાં અમેરિકન ટુકડીના નેતા એનરિકો ફર્મી હતા, જ્યારે અમેરિકા ગયેલી બ્રિટિશ ટુકડીના નેતા ચૅડવિક હતા. આ પ્રૉજેક્ટના ફળસ્વરૂપે ૧૯૪૫માં પરમાણુબૉમ્બ તૈયાર થયો જેના ઉપયોગથી જાપાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવી પડી અને વિશ્વયુદ્ધ સમાપ્ત થયું.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Falconer, Isobel (૨૦૦૪). "Chadwick, Sir James (1891–1974)". The Oxford Dictionary of National Biography. doi:10.1093/ref:odnb/30912.
  2. "James Chadwick - Biographical". Nobelprize.org. ૨૧ મે ૨૦૧૪. મેળવેલ ૧૧ મે ૨૦૧૮.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ દવે, એસ. જી; શર્મા, રાજેશ (૧૯૯૪). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૬. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૭૨-૨૭૩.
  4. Brown, Andrew (૧૯૯૭). The Neutron and the Bomb: A Biography of Sir James Chadwick. Oxford University Press. પૃષ્ઠ ૩૬૦-૩૬૩. ISBN 978-0-19-853992-6.