ટી.એ.ટી

વિકિપીડિયામાંથી

ટી.એ.ટી (અંગ્રેજી: Thematic apperception test) એ મનોવિજ્ઞાનમાં વપરાતી એક પ્રક્ષેપણાત્મક કસોટી છે. આ કસોટી હાર્વર્ડ સાઈકોલૉજિકલ ક્લિનિકના ડૉ. હેન્રી મરે અને મૉર્ગને ૧૯૩૮માં રચી હતી. વ્યક્તિના વ્યક્તિત્વનું માપન કરવા આ કસોટી વ્યાપક રીતે વપરાય છે.[૧] આ કસોટીને અંત:ચૈતસિક સંપ્રત્યક્ષ કસોટી પણ કહેવામા આવે છે.[૨]

કસોટી[ફેરફાર કરો]

સામગ્રી[ફેરફાર કરો]

આ કસોટીમાં તદ્દન સ્પષ્ટ નહિ કે તદ્દન અસ્પષ્ટ નહિ એવાં દસ ચિત્રોની ત્રણ શ્રેણી હોય છે. કોઈ પણ એક વ્યક્તિને એમાંથી સામાન્ય રીતે દસ અને વધુમાં વધુ વીસ ચિત્રો બતાવવામાં આવે છે. એમાંનું એક કાર્ડ તદ્દન કોરું હોય છે, બાકીનાં ૧૯ કાર્ડમાં જીવનની જુદી જુદી પરિસ્થિતિઓનાં દ્રશ્યો ચિતરેલાં હોય છે. એમાંનાં સાત ચિત્રો પુરુષો અને સ્ત્રીઓ માટે જુદાં જુદાં હોય છે, જ્યારે બે ચિત્રો બાળકો અને પુખ્ત વ્યક્તિઓ માટે જુદાં જુદાં હોય છે.

પ્રક્રિયા[ફેરફાર કરો]

કસોટી આપનાર વ્યક્તિએ દરેક દ્રશ્ય જોઈને વાર્તા કહેવાની હોય છે. આપેલ દ્રશ્યમાં હમણાં શુ બની રહ્યું છે, એની પહેલાં શું બન્યું હતું, હવે પછી શું બનશે તેમજ દ્રશ્યના વિવિધ પાત્રોને કેવા વિચારો અને લાગણીઓ થાય છે તેનું વર્ણન અને અર્થઘટન જોનાર વ્યક્તિએ કરવાનું હોય છે.

મર્યાદાઓ[ફેરફાર કરો]

આ કસોટી તીવ્ર મનોવિકૃતિના દર્દીઓ માટે વાપરવી અયોગ્ય છે. કેટલીક વાર ઉત્તર આપનાર વ્યક્તિઓ ચિત્રોનું માત્ર વર્ણન કરીને અટકી જાય છે, તેનું અર્થઘટન કરતા નથી. કેટલાક લોકો ચિત્રો જોઈને પોતાના ભૂતકાળની સ્મૃતિઓમાં સરી પડે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. દવે, ચંદ્રાંશુ (૧૯૯૭). "ટી.એ.ટી". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૮. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૪૩–૧૪૪. OCLC 164810484.
  2. પરીખ, બી. એ. (૨૦૧૪). મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને સિદ્ધાંતો. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૫૩૯.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]