લખાણ પર જાઓ

પ્રક્ષેપણ પદ્ધતિ

વિકિપીડિયામાંથી

પ્રક્ષેપણ પદ્ધતિ અથવા પ્રક્ષેપણ કસોટી (અંગ્રેજી: Projective test) એ મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વના માપન માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓમાંની એક છે. આ પ્રકારની પદ્ધતિઓમાં સંદિગ્ધ, અનિશ્ચિત અથવા અનિયંત્રિત (unstrucured) વસ્તુની રજૂઆત કરવામાં આવે છે, જે એક પડદા તરીકે કામ કરે છે. તેના ઉપર કસોટી કરનાર વ્યક્તિ પોતાની અનભિજ્ઞ ઇચ્છાઓ, ગ્રંથિઓ અને સંઘર્ષો જેવી આંતરિક બાબતોનું પોતાની મરજી મુજબ પ્રક્ષેપણ કરે છે. જોકે, તેમાં વ્યક્તિનો તે વખતનો મનોભાવ અને તાજેતરના અનુભવો પણ થોડિવત્તી અસર કરે છે.[૧]

રૉર્શોક કસોટી, થિમૅટિક એપર્સેપ્સન કસોટી, શબ્દ-સાહચર્ય કસોટી, રોઝેન્ઝિવગ ચિત્ર-વૈફલ્ય કસોટી, મનોનાટ્ય પ્રયુક્તિ વગેરેનો આ પ્રક્ષેપણ પદ્ધતિઓમાં સમાવેશ થાય છે.[૧]

પ્રકારો[ફેરફાર કરો]

પ્રક્ષેપણ પદ્ધતિઓને તેમાં વપરાતા અભિગમોને આધારે પાંચ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે:[૧]

  1. સાહચર્ય (associative) પ્રયુક્તિઓ: જેમાં કસોટી લેનાર વ્યક્તિને શબ્દો, શાહીના ડાઘા કે અન્ય ઉદ્દીપકો પ્રત્યે તેમનાથી, મનમાં તરત ઉદભવતી વિચારપ્રક્રિયાઓને લક્ષમાં લઈ પ્રતિક્રિયાઓ આપવાની હોય છે.
  2. રચનાલક્ષી (construction) પ્રયુક્તિઓ: જેમાં વ્યક્તિને કશાકની રચના કરવાનું કહેવામાં આવે છે; જેમ કે વાર્તા બનાવવી, ચિત્ર દોરવું.
  3. પૂર્તિ (completion) પ્રયુક્તિઓ: જેમાં અર્ધવિકસિત ઉદ્દીપકને પૂરું કરવાનું કહેવામાં આવે છે; જેમ કે અપૂર્ણ વાક્યને પૂર્ણ કરવાં.
  4. પસંદગી અથવા ક્રમાંકન (choice or ordering) પ્રયુક્તિઓ: જેમાં ચિત્રો કે શાહીના ડાઘાવાળી આકૃતિઓમાંથી વ્યક્તિએ પસંદગી કરવાની હોય છે અથવા કોઈક રીતે તેમને ક્રમશ: ગોઠવવાની હોય છે.
  5. ૫ અભિવ્યક્તિ (expressive) પ્રયુક્તિઓ: જેમાં વ્યક્તિ પોતાની જાતને ચોક્કસ રીતે અભિવ્યક્ત કરે છે; જેમ કે આંગલિ વડે રંગવું.

સિદ્ધાંત[ફેરફાર કરો]

પ્રક્ષેપણ પ્રયુક્તિમાં ઉદ્દીપક તરીકે અનેકાર્થી (ambiguous – સંદિગ્ધ) પરિસ્થિતિ એટલા માટે રજૂ કરવામાં આવે છે કે પ્રયોગપાત્ર પોતાના તરંગોને તથા મૂંઝવણોને અજાગૃત રીતે રજૂ કરી દે. એની પાછળનો સિદ્ધાંત એ છે કે અસ્પષ્ટ અથવા અનેકાર્થી પરિસ્થિતિનું અર્થઘટન કરવા જતાં પ્રયોગપાત્ર પોતાના અજાગૃત મનમાં સંચિત વણસંતોષાયેલી વૃત્તિઓ, જરૂરિયાતો, વૈફલ્યો વગેરેને છતાં કરી દે છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ શાહ, જયંતીભાઈ હી. (૧૯૯૯). "પ્રક્ષેપણ પદ્ધતિ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૨ (પ્યા–ફ) (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૯૩–૯૭. OCLC 248968663.
  2. દેસાઈ, કૃષ્ણકાંત ગોપાળજી (૨૦૨૧) [૧૯૭૮]. મનોવૈજ્ઞાનિક માપન (છઠ્ઠી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૪૯૪. ISBN 978-93-8126-562-8.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]