ડો. જે. જે. ચિનોય

વિકિપીડિયામાંથી

ડૉ. જે. જે. ચિનોય (આખું નામ: જમશેદજી જીજીભાઈ ચિનોય) (૧૮ ફેબ્રુઆરી, ૧૯૦૯ – ૧૨ માર્ચ, ૧૯૭૮) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના એક વૈજ્ઞાનિક અને વનસ્પતિશાસ્ત્રી હતા. એમનો જન્મ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતે થયો હતો.

અભ્યાસ[ફેરફાર કરો]

એમણે વર્ષ ૧૯૨૯માં મુંબઈ યુનિવર્સિટી ખાતેથી વનસ્પતિશાસ્ત્રના વિષયમાં ઉચ્ચ વર્ગમાં તેમ જ પ્રથમ નંબર સાથે સ્નાતક (બી.એસસી.) થયા હતા. એમને મુંબઈ યુનિવર્સિટી તરફથી વધુ અભ્યાસ માટે શિષ્યવૃત્તિઓ તથા ફેલોશીપ એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ઇંગ્લેન્ડની રોયલ ઈમ્પીરીયલ કૉલેજમાં વધુ સંશોધનો કરી અને ડૉક્ટરેટનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરી ભારત પાછા આવ્યા હતા.[૧].

કારકિર્દી[ફેરફાર કરો]

દેશમાં પરત આવ્યા બાદ તેઓ ભારતની કેન્દ્રિય કપાસ કમિટીમાં વિજ્ઞાની તરીકે જોડાયા હતા. ૧૯૪૧ના વર્ષમાં તેઓ ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનમાં વનસ્પતિશાસ્ત્રી તરીકે જોડાયા હતા. આ સમય દરમ્યાન દેશને સ્વતંત્રતા મળી અને તેઓ દિલ્હી યુનિવર્સિટી ખાતે વનસ્પતિશાસ્ત્રનાં સંશોધક બન્યા. લગભગ ૨૨ વર્ષના દીર્ઘકાળ સુધી આ સંસ્થામાં કામગીરી બજાવ્યા પછી ૧૯૫૯ના વર્ષમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વનસ્પતિશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા હતા. આ પદ પર સેવા આપતાં તેમણે વનસ્પતિશાસ્ત્રને લગતાં ઘણાં સંશોધનો કર્યા અને દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી હતી. ઇંગ્લેન્ડ, હોલેન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્વિડન જેવા દેશોમાં જૈવિક સંશોધન ક્ષેત્રની મુલાકતો લઈ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્ષ ૧૯૭૪માં તેમને ભારતીય કૃષિ સંશોધન કાઉન્સિલ દ્વારા કૃષિ-સંશોધનક્ષેત્રે બજાવેલ કામગીરી બદલ રફી મહંમદ કીડવાઈ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો[૨].

ડૉ. જમશેદજી ચિનોય પરિશ્રમી અને શિસ્તબધ્ધ વૈજ્ઞાનિક હતા. સાદાઈ અને નમ્રતા જેવા ગુણો ધરાવતા આ વૈજ્ઞાનિક મૃદુ સ્વભાવના અને મીતભાષી હતા. એમણે વનસ્પતિ દેહધર્મવિદ્યાના વિષય પર ઘણાં પુસ્તકો પણ લખ્યા હતાં. એમના કાર્ય અને સ્વભાવને કારણે તેઓ સાથીદારો, સહકાર્યકરો અને વિદ્યાર્થીઓમાં પ્રિય રહ્યા હતા. વનસ્પતિશાસ્ત્રના આ જાણીતા અધ્યાપક અને સંશોધકનું અવસાન ૧૨ માર્ચ ૧૯૭૮ના દિવસે થયું હતું. એમણે અનેક કર્તવ્યનિષ્ઠ શિષ્યોની દેશને ભેટ આપી છે. એમના ખેતીના પાક વિષયક સંશોધનોએ ખેડૂતોને અનેક ગણો પાક લેવામાં સફળતા આપી છે.

સન્માન[ફેરફાર કરો]

તેમના સન્માનમાં વનસ્પતિશાસ્ત્રીઓને ડૉ. જે.જે. ચિનોય સુવર્ણ ચંદ્રક એનાયત કરાય છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "અગ્રણી ભારતીય વનસ્પતિ શાસ્ત્રી : ડો.જે.જે.ચિનોય". ઝગમગ, ગુજરાત સમાચાર. ૨૫ નવેમ્બર ૨૦૧૭. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.
  2. "ડૉ.જે.જે.ચિનોય". રાજેશ્વરી શુક્લા, દાહોદ. ૧૦ મે ૨૦૦૮. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.
  3. "J J Chinoy award for botanist A K Dhawan". oneindia (અંગ્રેજીમાં). મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૭.