દામોદર બોટાદકર

વિકિપીડિયામાંથી
દામોદર ખુશાલદાસ બોટાદકર
જન્મનવેમ્બર ૨૭, ૧૮૭૦
બોટાદ, ગુજરાત
મૃત્યુસપ્ટેમ્બર ૭, ૧૯૨૪
વ્યવસાયકવિ, શિક્ષક

દામોદર ખુશાલદાસ બોટાદકર (૨૭ નવેમ્બર, ૧૮૭૦ - ૭ સપ્ટેમ્બર, ૧૯૨૪) જેઓ દામોદર બોટાદકર અથવા કવિ બોટાદકર તરીકે જાણીતા હતા, ગુજરાતી કવિ હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ બોટાદમાં થયો હતો અને છ ધોરણ સુધીનો અભ્યાસ ત્યાં જ કર્યો. તેઓ તેરમાં વર્ષે શિક્ષક બન્યા અને કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવસાયો અજમાવેલાં. વેપાર અને વૈદું કર્યાં, પણ તેમાં ફાવેલાં નહીં. ૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ‘પુષ્ટિમાર્ગ પ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું. મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. નાદુરસ્ત તબિયતને લીધે ૧૯૦૭માં વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો.[૧]

સર્જન[ફેરફાર કરો]

એમનું પ્રથમ પ્રકાશન ‘શાહ પ્રણીત લાલસિંહ-સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર’ નામનું નાટક છે. એ જ રીતે ‘ગોકુળગીતા’, ‘રાસવર્ણન’ અને ‘સુબોધ કાવ્યસંગ્રહ’ પણ એમની પ્રારંભિક કૃતિઓ છે. તે પછી કાવ્યોપાસનાના દ્યોતક સંગ્રહો ‘કલ્લોલિની’ (૧૯૧૨), ‘સ્ત્રોતસ્વિની’ (૧૯૧૮), ‘નિર્ઝરિણી’ (૧૯૨૧), ‘રાસતરંગિણી’ (૧૯૨૩) અને મરણોત્તર ‘શૈવલિની’ (૧૯૨૫), 'ચંદન' મળ્યા છે. ‘રાસતરંગિણી’ ના રાસોએ એમને એક નોંધપાત્ર રાસકવિનાં સ્થાનમાન મેળવી આપ્યાં છે. તે જમાનાની ગુજરાતણોને આ રાસોએ ખૂબ ઘેલું લગાડેલું લોકઢાળોનો તેમાં ખૂબીપૂર્વકનો વિનિયોગ થયો છે. ‘શૈવલિની’નાં કાવ્યોની ગુણસંપત્તિ નોંધપાત્ર છે. એમાં પ્રકૃતિ અને ગૃહજીવનના ભાવોને એમણે કાવ્યરૂપ આપ્યું છે. ગ્રામજીવનના પરિવેશના અને એના તળપદા વિષયોના સુચારુ અને મધુર પ્રાસાદિક નિરૂપણે એમને ‘સૌંદર્યદર્શી કવિ’નું બિરુદ અપાવ્યું છે. ગૃહજીવનની ભાવનાનાં કાવ્યો એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન છે. કન્યા, માતા, નણંદ, સાસુ, લગ્નોદ્યતા, ભગિની, નવોઢા, ગૃહિણી, સીમંતિની, પ્રૌઢા-એમ નારીજીવનની જુદી જુદી અવસ્થા અને એના પદને લક્ષ્ય કરીને એનાં અનેકવિધ સુકુમાર સંવેદનોને એમણે મધુર અને પ્રશસ્ય રૂપ આપ્યું છે.

સરેરાશ કક્ષાએ રહેતી કલ્પનાશક્તિ તથા સંસ્કૃતપ્રચુર શૈલી અને કંઈક સીમિત રહેતા વિષયવર્તુળની મર્યાદા છતાં એમના ભાવસમૃદ્ધ રાસો અને ગૃહજીવનનાં કોમળ નિવ્યર્યાજ સંવેદનોનાં કાવ્યો એમનું ચિરંજીવ પ્રદાન છે.

કાવ્યગ્રંથો[ફેરફાર કરો]

કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણીલ,જનની.

રાસતરંગિણી (૧૯૨૩)[ફેરફાર કરો]

બોટાદકરનો ‘કલ્લોલિની’, ‘સ્ત્રોતસ્વિની’ અને ‘નિર્ઝરિણી’ પછીનો ચોથો કાવ્યસંગ્રહ. પૂર્વેના ત્રણ સંગ્રહો વૃત્તબદ્ધ, સંસ્કૃતપ્રચુર અને પંડિતભોગ્ય છે; એની સામે, આ સંગ્રહમાં કવિએ ગરબી જેવા લોકગીતોના ઢાળોમાં સરલ-સ્વાભાવિક અને લોકભોગ્ય અભિવ્યક્તિ સાધી છે. ભવ્યતા સાથેની સુંદરતા દર્શાવતો કવિનો ઉન્મેષ ગૃહજીવનનાં, કુટુંબજીવનનાં અને ખાસ તો સ્ત્રીહૃદયનાં સૂક્ષ્મ દર્શનોમાં જોવા મળે છે. ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ જેવી વિખ્યાત ગરબી અહીં છે. તદુપરાંત, પ્રકૃતિતત્વનાં વર્ણનો ક્યાંક પ્રકૃતિતત્વની આત્મોક્તિરૂપે, તો ક્યાંક કવિના પોતાના નિરૂપણરૂપે મળે છે.

શૈવલિની (૧૯૨૫)[ફેરફાર કરો]

આ બોટાદકરનો કાલાનુક્રમે પાંચમો અને મરણોત્તર કાવ્યસંગ્રહ છે.[૨][૩] ‘રાસતરંગિણી’ પછીનો હોવા છતાં આ સંગ્રહ પહેલાં તૈયાર કરી રાખેલો હોવાથી પ્રકાશકની ગફલતને કારણે ‘ચતુર્થ કાવ્યસંગ્રહ’ ગણાયો છે. નરસિંહરાવની લાંબી પ્રસ્તાવનાનું ‘પુરસ્કરણ’ આ સંગ્રહને મળ્યું છે. બોટાદકરની ઉત્તરાશ્રમની પ્રૌઢિનાં વિવિધ પાસાંઓનો ‘શૈવલિની’માં આવિષ્કાર છે. અન્યોક્તિ અને સ્વભાવોક્તિ જેવી રચનાયુક્તિઓથી કવિ પ્રાચીન સંસ્કૃતિ, ગૃહજીવન અને સમાજજીવનના વિવિધ પ્રસંગો અને ભાવોને આવરી લે છે. અંગ્રેજી ભાષાના સીધા સંપર્કનો અભાવ અને સંસ્કૃત ભાષા પરત્વેનો રૂઢભાવ-આ બે પરિસ્થિતિઓએ એમનાં શૈલી-સ્વરૂપને ઉપસાવ્યાં છે. એમની સંસ્કૃતપ્રચુરશૈલી, અરૂઢ સંસ્કૃત શબ્દો અને સમાસોને બાદ કરતાં, એકંદરે ગૌરવાન્વિત રહી છે. સંસ્કૃત વૃત્તો પરનું પ્રભુત્વ પ્રશસ્ય છે અને એમના પદ્યબંધમાં ચારુતા જોવાય છે. ‘અભિલાષ’ જેવી કવ્વાલીના પ્રકારની એમની છેલ્લી રચના અહીં છે, તો ‘રામાશ્વામેઘ’ જેવી સંપૂર્ણ બોટાદકરશાઈ અને કહેવતોની કક્ષાએ પહોંચતી પંક્તિઓવાળી પ્રસિદ્ધ રચના પણ અહીં છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Datta, Amaresh (1987). Encyclopaedia of Indian Literature: A-Devo. Sahitya Akademi. પૃષ્ઠ 571–572. ISBN 978-81-260-1803-1. મેળવેલ 1 August 2014.
  2. Sisir Kumar Das (1 January 1995). History of Indian Literature: 1911-1956, struggle for freedom : triumph and tragedy. Sahitya Akademi. પૃષ્ઠ 582–. ISBN 978-81-7201-798-9.
  3. Nalini Natarajan; Emmanuel Sampath Nelson (1 January 1996). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ 108–. ISBN 978-0-313-28778-7. મેળવેલ 1 August 2014.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]