દાળ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ચિત્ર:Tuver ni daal.jpg
તુવેરની દાળ

દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ (પ્રવાહી), ભાત અને શાક (કોરૂ કે રસાવાળું) નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે જ્યારે મગની (ફોતરાવાળી કે મોગર) દાળ અને અડદની દાળ પણ રોટલી, ભાખરી, ચોપડા/પરોઠા કે ભાત સાથે ખવાય છે.


વિવિધ દાળો[ફેરફાર કરો]

તુવેરની દાળ
મગની દાળ
ચણાની દાળ
અડદની દાળ
ચોળાની દાળ
વાલની દાળ
મસૂરની દાળ
મઠની દાળ

વધુ માહિતી[ફેરફાર કરો]

સામાન્યતઃ અડદની દાળ બાજરીના રોટલા સાથે અને મગની દાળ ચોપડા/પરોઠા કે ભાત સાથે ખાવાનો રિવાજ છે. તથા અમુક સમુદાય મસૂરની દાળ પણ ખાય છે.

ચણાની દાળ દૂધી-ચણાની દાળ તરીકે લોકો પસંદ કરે છે જે દાળ અને શાક બન્નેની ગરજ સારે છે. આ ઉપરાંત મગની દાળ અને વાલની દાળ કોરી બનાવવામાં આવે છે જે કઢી કે ફજેતા સાથે ખાવાની મજા જ કંઇક ઔર છે.

તુવેરની દાળ ગુજરાત સીવાય અન્ય પ્રાંતોમાં પણ બને છે, પણ ગુજરાતી દાળ ઉત્તર ભારતમા બનતી દાળ કરતા વધુ પાતળી હોય છે અને તેમાં ગળપણ (ગોળ કે ખાંડ) હોય છે જે તેની વિશેષતા છે. દક્ષીણ ભારતમાં દાળને સાંબર (ગુજરાતીઓ મોટેભાગે તેનો સંભાર એવો ઉચ્ચાર કરે છે) કહે છે. જેમ ગળપણ તેની વિશેષતા છે તે જ રીતે ખટાશ પણ આ દાળની વિશેષતા છે જે અનેક પ્રકરની હોઇ શકે છે, જેમ કે, કોકમ, આંબલી, લીંબુ, કાચી કેરી, વગેરે.

દાળનું ઓસામણ પણ બનાવવામાં આવે છે, જે પ્રમાણમાં ખૂબજ પાતળી દાળ છે, દક્ષીણ ભારતમાં થોડી જુદી રીતે બનતી આવી વાનગીને રસમ કહે છે, જે વધુ પડતું ખાટું બનાવવામાં આવે છે.

બનાવવાની રીત[ફેરફાર કરો]

ગુજરાતી દાળ

ગુજરાતી તુવેરની દાળઃ ૧૫૦ ગ્રામ્ દાળને સારી રીતે ધોઇ લો જેથી તેના પર ચઢાવેલુ દીવેલ પુરેપુરુ નીકળી જાય. થોડા ગરમ પાણીમાં દાળને ૨-૩ કલાક પલાળી રાખો અને પછી પ્રેશર કુકરમાં ૩-૪ સીટી વાગે ત્યાં સુધી બાફી લો. કુકર ઠંડુ પડ્યા પછી, દાળને વલોણી (રવૈયો)થી એકરસ વલોવી નાંખો. આ દાળમા આશરે ૪૦૦ થી ૭૫૦ (આપને જેટલી જાડી કે પાતળી જોઇએ તે પ્રમાણે) મિ.લિ. પાણી, ૧ નાની ચમચી હળદર, ૨ નાની ચમચી ધણાજીરૂ, સ્વાદાનુસાર મીઠુ, ૫૦ ગ્રામ ગોળ અને ૩-૫ કોકમ નાખીને ઉકળવા મુકો. દાળ બરાબર ઉકળવા માંડે એટલે એને એક બાજુ ખસેડી, વઘારીયામાં ૧ મોટી ચમચી તેલ અને અડધી નાની ચમચી રાઈનો વઘાર મુકો. રાઈ તતડે એટલે તેમા એક ચપટી હીંગ, ૫-૭ લીમડાના પાન અને ૨ ચમચી (અથવા સ્વાદ અનુસાર) લાલ મરચું નાખીને તરત જ ઉકાળેલી દાળમાં નાખી દો. હવે દાળને ફરી ૫-૧૦ મિનિટ ઉકળવા દો અને આગ ઉપરથી ખસેડીને ઝીણી સમારેલી કોથમીર ભભરાવીને વાસણને ઢાકી દો, આપની ગુજરાતી દાળ તૈયાર છે. દાળમા કોકમને બદલે અગાઉથી ૫૦ મિ.લિ. ગરમ પાણીમાં પલાળી રાખેલી ૧૦ ગ્રામ આબલીને, નીચોવીને આ પાણી પણ નાખી શકાય, આબલીની દાળ ખાવાની મઝા કઇક ઓર જ છે.

દાળ સાથે જોડાયેલી કહેવતો કે ઉક્તિઓ[ફેરફાર કરો]

દાળમાં કંઇક કાળું છે દાળમાં હાથ નાંખે તો વાડમાં હાથ નાંખે

ઢીલુ દાળ જેવુ છે (ગમે તે લીંગમા ઉપયોગ થાય)