દુર્ગારામ મહેતાજી

વિકિપીડિયામાંથી
દુર્ગારામ મહેતાજી

દુર્ગારામ મંછારામ મહેતાજી (૨૫ ડિસેમ્બર ૧૮૦૯ – ૧૮૭૬) એક ગુજરાતી સમાજ-સુધારક હતા. તેઓ ગુજરાતમાં સમાજસુધારાના આદ્ય પ્રવર્તક ગણાય છે. તેઓએ પોતાના સાથીઓ સાથે મળીને સુરતમાં માનવ ધર્મસભાની સ્થાપના કરી હતી. મહીપતરામ રૂપરામ નીલકંઠે તેમનું જીવનચરિત્ર મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર (૧૮૭૯) શિર્ષક હેઠળ લખેલ છે.

જીવન[ફેરફાર કરો]

દુર્ગારામનો જન્મ સુરત ખાતે ૨૫ ડિસેમ્બર ૧૮૦૯ના રોજ[૧] વડનગરા નાગર જ્ઞાતિના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ સુરત ખાતે લીધુ હતું અને ત્યારબાદ મુંબઈમાં નેટિવ એજ્યુકેશન સોસાયટીમાં તાલીમ લઈને ત્યાંથી પાછા ફરી ૧૮૨૬માં સુરતમાં તેઓ શિક્ષક બન્યા હતા.[૨] [૩]

મહીપતરામ રૂપરામ નીલકંઠ પરદેશ જઈને આવ્યા ત્યારે, દુર્ગારામે તેમની સાથે બેસીને ભોજન કર્યું હતું. તેથી તેમને નાત બહાર મૂકવામાં આવ્યા હતા.[૨]

મહીપતરામે તેમનું જીવનચરિત્ર મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર (૧૮૭૯) શિર્ષક હેઠળ લખેલ છે જે દુર્ગારામની રોજનીશી પર આધારિત છે.[૨]

સમાજસુધારાની પ્રવૃત્તિ[ફેરફાર કરો]

મુંબઈના વસવાટ દરમિયાન તેમના ઉપર પોતાના સમયના સુધારકોના વિચારોની અસર પડી હતી. પોતાના સમયના સફળ શિક્ષક અને સારા વિદ્વાન તરીકેની પ્રતિષ્ઠા તેમણે મેળવી હતી. તેમને સમાજસુધારાનિ પ્રેરણા રણછોડદાસ ગિરધરભાઈ ઝવેરી પાસેથી મળી હતી. તેઓ મેલી વિદ્યા તથા જંતરમંતરના કટ્ટર વિરોધી હતા તથા વિધવાવિવાહની તરફેણમાં તેમણે અનેક ભાષણો કર્યાં હતા. દાદોભા પાંડુરંગ તેમની સુધારક-પ્રવૃત્તિના મુખ્ય ટેકેદાર હતા. તેમણે ૨૨ જૂન ૧૮૪૪ના રોજ સુરતમાં માનવ ધર્મસભા નામની સંસ્થા સ્થાપી હતી. આ સભાનો મુખ્ય ઉદ્દેશ નાતજાતના ભેદભાવો દૂર કરી વિધવાવિવાહને ઉત્તેજન આપવાનો હતો.[૨]

દુર્ગારામે ૧૦ ફેબ્રુઆરી ૧૮૪૩ના રોજ દાદોભા પાંડુરંગના સૂચનો સહિત માનવ ધર્મસભાના સાત મૂળભૂત સિદ્ધાંતો રચ્યા, જે નીચે મુજબ હતાં:[૨][૪]

  1. સૃષ્ટિનો સર્જનહાર પરમેશ્વર એક જ છે;
  2. બધા મનુષ્યોની જાતી એક છે;
  3. બધા મનુષ્યોનો એક જ ધર્મ છે. પરન્તુ પોતપોતાના અલગ ધર્મ માનવા તે એમનો અભિગમ છે.
  4. માણસને ગુણોથી ઓળખી શકાય, તેના કુળ પરથી નહિ;
  5. વિવેકને અનુસરીને દરેક માણસે પોતાનાં કર્મો કરવાં;
  6. ઈશ્વરની કૃપા મેળવવા માટે ભક્તિ કરવી
  7. સત્યનો જ બોધ આપવો.

ઈ.સ. ૧૮૪૬માં દાદોબા પાંડુરંગની બદલી મુંબઈ ખાતે થતા અને ત્યારબાદ ૧૮૫૦માં દુર્ગારામની બદલી રાજકોટ ખાતે થતા માનવ ધર્મસભાની પ્રવૃત્તિ વધારે ચાલી શકી નહિ. ૧૮૬૦માં નિવૃત્ત થઈને દુર્ગારામ સુરત પાછા ફર્યા. તેઓ દર અઠવાડીયે ગુજરાતમિત્ર અખબારમાં વિવિધ વિષય પર લેખો લખતા હતા. તેમણે વિધુર થયા બાદ કોઈ વિધવા સાથે નહિ, પરંતુ એક કુમારિકા સાથે લગ્ન કર્યાં હતા. તે પછી તેમણે વિધવાવિવાહનો પ્રચાર બંધ કર્યો હતો. આ કાર્યની તેમના સમર્થક, પ્રશંસક અને ચરિત્રલેખક મહિપતરામે પણ ટીકા કરેલ છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. વર્મા, શારદાપ્રસાદ (1943). દુર્ગારામ મહેતાજી અને બીજાં નાટકો. સુરત: યુગાન્તર કાર્યાલય. પૃષ્ઠ 4.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ શુક્લ, જયકુમાર ર. (January 2002). "મહેતાજી, દુર્ગારામ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૫ (મ – મા) (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૦૦–૫૦૧. OCLC 248968453.
  3. ત્રિવેદી, નવલરામ (1974). સમાજસુધારાનું રેખાદર્શન. અમદાવાદ: ગુજરાત વિદ્યાસભા. પૃષ્ઠ 16–18. OCLC 20951178.
  4. Raval, R. L. (1986). "Social Environs and Refom Movement in 19th Century Gujarat : The Case of Durgaram Mehtaji". Proceedings of the Indian History Congress. 47 (VOLUME I): 591-598. JSTOR 44141608.(લવાજમ જરૂરી)

પૂરક વાચન[ફેરફાર કરો]