દેવકી-કૃષ્ણ મંદિર, ગોઆ
દેવકી-કૃષ્ણ મંદિર ભારત દેશના ગોઆ રાજ્યના ઉત્તર ગોઆ જિલ્લાના પોન્ડા તાલુકામાં આવેલ મારસેલ નામના નાના શહેરમાં આવેલ છે. મારસેલ ખાતે હિંદુ ધર્મના ૧૫ જેટલાં દેવીદેવતાઓના મંદિરો આવેલ છે. મારસેલ પોન્ડા તાલુકામાં પણજીથી ૧૭ કિલોમીટર જેટલા અંતરે પણજી થી પોન્ડા જતા માર્ગ પર બાણસ્તારી પુલથી ૩ કિલોમીટર દૂર આવેલ છે[૧].
આ મંદિરનું વિશિષ્ટ લક્ષણ એ છે કે આ ભારત દેશમાં એકમાત્ર એવું મંદિર છે, જ્યાં માતા દેવકીની સાથે ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. અહીં મુખ્ય પ્રતિમા દેવકીકૃષ્ણ સાથે ભૂમિકાદેવી, લક્ષ્મી રાવલનાથ, મલ્લિનાથ, કાત્યાયાની, ચોડણેશ્વર અને ધડા શંકરની પ્રતિમાઓ પણ છે, જે મૂળ ચુડામણી ટાપુ (હાલનો શોરાવ ટાપુ) પર સ્થિત હતી.
પોર્ટુગીઝ તપાસ દરમિયાનની સતામણી ટાળવા માટે આ પ્રતિમાઓ બિકોલિમના માયેમ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાંથી મારસેલ ખાતે હાલના મંદિરના સ્થળે ખસેડવામાં આવી હતી.
મંદિરના ગર્ભગૃહ ખાતે કાળા પથ્થરમાંથી કોતરકામ કરી બનાવવામાં આવેલ માતા દેવકી અને ભગવાન કૃષ્ણના બાળસ્વરૂપની સુંદર મૂર્તિ છે.
ઉજવણી
[ફેરફાર કરો]ચાતુર્માસ સિવાયના શુક્લ પક્ષની તેરસના દિવસે પાલખીયાત્રા યોજવામાં આવે છે. રામનવમી અને ગોકુળ અષ્ટમીના તહેવાર પણ મોટા પાયે ઉજવવામાં આવે છે. અહીંનો મુખ્ય તહેવાર માન્ની પૂર્ણિમા (પોષ મહિનાની પૂનમ) છે, જે અહીં ખૂબ ઉત્સાહ અને ઉત્તેજના સાથે ઉજવવામાં આવે છે[૨].
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "देवकी कृष्ण देवूळ". મેળવેલ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮.
- ↑ "Devkikrishna Temple, Marcel". મૂળ માંથી 2018-02-03 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮.