લખાણ પર જાઓ

ધના ભગત

વિકિપીડિયામાંથી
ધના ભગત
જન્મધોળા ગોદડજી (તા. ઉમરાળા) Edit this on Wikidata

ધના ભગત, ધનો અથવા ધનોજી એ મધ્યયુગના ગુજરાતી સંત કવિ હતા. તેમણે રચેલ ભજન "રામબાણ વાગ્યા હોય તે જાણે" ખૂબ પ્રચલિત છે. []

તેમના જન્મ વિષે વધુ માહિતી ઉપલબ્ધ નથી, પણ ઈ.સ. ૧૯૦૩માં તેમની હયાતી હતી.[] એક અન્ય મત અનુસાર તેમનો જન્મ વિ.સં. ૧૭૯૫માં ધોળાગામમાં કાકડિયા કુળમાં થયો હતો. તેમની માતાનું નામ લાડુબાઈ અને પિતાનું નામ હરિ પટેલ હતું. હરિ પટેલને ત્રણ સંતાનો હતા. બે પુત્રો અને એક પુત્રી. ધના ભગત સૌથી નાના સંતાન હતા.[]

ધના ભગત બાળપણથી જ ઘણાં ધાર્મિક હતા. તેમને આવરી લેતી ઘણી ચમત્કાર ધરાવતી ઘટનાઓ છે. તેમાં બાળપણમાં એક સમયે પિતાને બહાર ગામ જવાનું હોવાથી પ્રભુને થાળ ધરાવવાનું કાર્ય ધના ભગતને સોંપાયું, પણ મૂર્તિએ તો રોટલાનો ભોગ ખાધો નહીં એટલે ધના ભગત રડી પડ્યા અને હઠ લીધી કે પ્રભુ નહીં જમે તો પોતે પણ નહીં ખાય, છેવટે રાત્રે પ્રભુ પોતે તે ભોગ જમવા આવ્યા અને ભૂખ્યા બાળ ધનાએ ભૂખમાં પીડિત અવસ્થામાં પ્રભુના હાથમાં રહેલો અડધો રોટલો ઝૂંટવીને ખાધો.[]

તેમના પત્નીનું નામ ગંગાબાઈ હતું. તેઓ પણ ધાર્મિક વૃત્તિના હતાં. તેમના પુત્રનું નામ દિયાળ ભગત હતું. તેમના ગુરુ કાસમબાવા હતા, તેમણે પીપરાળી ગામે જગ્યા (આશ્રમ જેવું) કરી હતી. કાસમબાવાએ સમાધિ લેતાં તે જગ્યાનો વહીવટ ધના ભગતના હાથમાં આવ્યો.[]

તેમના જીવનને આવરી લેતી એક અન્ય કથા પ્રચલિત છે. તે અનુસાર એક વખત ખેતરમાં રોપવાનું બીયારણ લઈ તેઓ ખેતરે જવા નીકળ્યા. રસ્તે સાધુ સંતો મળ્યા, તેઓ ભૂખ્યા હોવાથી તે બિયારણ તેમણે સંતોને આપી દીધું, પરંતુ ભાઈનો ડર લાગતાં તેમણે થેલીમાં રેતી ભરી રેતી રોપી દીધી. વખત જતાં ખેતરોમાં તુંબડા ઊગી નીકળ્યા. ધનાભગત તે તુંબડામાંથી રામસાગર બનાવડાવી ગામડે ગામડે પહોંચાડવા માંગતા હતા જેથી લોકો ભક્તિ કરે. ભાઈને તે વિચાર ન ગમ્યો અને તેમણે ધના ભગતને ધક્કો માર્યો તેમ કરતાં તુંબડું પડીને ફાટી ગયું અને તેમાંથી ધોળા ઘઉં નીકળ્યા.[]

ધના ભગતની કીર્તિ શિહોરના રાજા વજેસિંહજી પાસે પહોંચી અને તેમણે ધોળાની તે જમીન પરની સર્વ વસુલાત માફ કરી અને ભવિષ્યમાં મદદનું આશ્વાસન આપતો તામ્ર પત્ર આપ્યો હતો.[]

વિક્રમ સંવત ૧૯૦૧ના અષાઢ સુદ પાંચમના દિવસે તેમણે સમાધિ લીધી. તેમની સમાધિ ઉપર મંદિર બાંધવામાં આવ્યું હતું તે સંવત ૧૯૦૫માં પૂર્ણ થયું.[]

"રામબાણ વાગ્યા હોય તે જાણે" એ તેમણે રચેલું ખૂબ પ્રચલિત ભજન છે તે ઉપરાંત તેમણે અલખધારાનું એક પદ, પ્રભુ મહિમાનું એક અન્ય પદ, અને માતાજીની હમચી લખેલી છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ કોઠારી, જયંત; ગાડીત, જયંત, સંપાદકો (૧૯૮૯). ગુજરાતી સાહિત્ય કોષ. ખંડ ૧ (મધ્યકાળ) (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી સાહિત્યપરિષદ. પૃષ્ઠ ૧૯૧.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ "ભક્તિરસમાં ઓળઘોળ ધનાભગતની મીઠી વાણી" (PDF). bombaysamachar.com. મેળવેલ 2018-12-16.[હંમેશ માટે મૃત કડી]