લખાણ પર જાઓ

જયંત કોઠારી

વિકિપીડિયામાંથી
જયંત કોઠારી
જન્મજયંત સુખલાલ કોઠારી
(1930-01-28)28 January 1930
રાજકોટ, ગુજરાત
મૃત્યુ1 April 2001(2001-04-01) (ઉંમર 71)
અમદાવાદ, ગુજરાત
વ્યવસાયવિવેચક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ
  • એમ.એ.
  • ડિપ્લોમા ઇન લિંગ્વિસ્ટીક્સ
માતૃ શિક્ષણ સંસ્થાધર્મસિંહજી કોલેજ
નોંધપાત્ર સર્જન
  • વાંકદેખા વિવેચનો (૧૯૯૩)
નોંધપાત્ર પુરસ્કારો
  • સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૯૮), અસ્વીકૃત
સહી

જયંત સુખલાલ કોઠારી ગુજરાતના જાણીતા સાહિત્યકાર હતા. તેઓ વિવેચક તથા સંપાદક તરીકે પ્રખ્યાત હતા.

જીવન[ફેરફાર કરો]

એમનો જન્મ રાજકોટ શહેરમાં ૨૮ જાન્યુઆરી, ૧૯૩૦ના દિવસે થયો હતો. તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ રાજકોટ શહેરમાં પૂર્ણ કર્યું. ઈ. સ, ૧૯૪૮માં એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ઈ. સ. ૧૯૫૭માં એમણે ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી સ્નાતક (બી.એ.) અને ઈ. સ. ૧૯૫૯માં અનુસ્નાતક (એમ.એ.) તેમજ ઈ. સ. ૧૯૭૭માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ભાષાવિદ્ (લિંગ્વિસ્ટીક્સનો) ડિપ્લોમા મેળવ્યો હતો.

૧૯૪૯-૫૪ રાજકોટમાં કટલરીની દુકાન. સાથે સાથે રાજકોટમાં રેલવે ક્લેઈમ્સ એજન્ટ. ૧૯૫૯-૬૨ માં અમદાવાદની પ્રકાશ આર્ટસ કોલેજમાં અને ૧૯૬૨ થી આજ સુધી ગુજરાત લૉ સોસાયટીની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૮૦ થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતાં ‘ગુજરાતી સાહિત્યકોશ’ના પ્રથમ ભાગ સાથે સંલગ્ન.

સર્જન[ફેરફાર કરો]

એમણે નટુભાઈ રાજપરા સાથે રહી લખેલો ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ (૧૯૬૦) ગ્રંથ મહત્વનો સંદર્ભગ્રંથ છે. પાશ્ચાત્ય કાવ્યમીમાંસાના અભ્યાસ-નિમિત્તે લખાયેલી બીજા ગ્રંથ ‘પ્લેટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા’ (૧૯૬૯)માં બે ગ્રીક સાહિત્યચિંતકોની કાવ્યવિચારણાની તપાસ છે. પરંતુ ધ્યાનપાત્ર વિવેચક તરીકે એમની પ્રતિષ્ઠા બંધાય છે ‘ઉપક્રમ’ (૧૯૬૯)થી. વિષય તરફ જોવાની સમતોલ દ્રષ્ટિ તથા અભિપ્રાયો પાછળ નિખાલસ અને કડક પરીક્ષણવૃત્તિ એમના આ સંગ્રહમાં ‘પ્રેમાનંદ તત્કાલે અને આજે’, ‘જીવનના વૈભવમાં કળાનો મહેલ’, ‘કાન્તનું ગદ્ય’, ‘નાટકમાં રસ અને ક્રિયા’ જેવા લેખોમાં સહજ ઊપસી આવે છે. પછીના ગ્રંથોમાં લેખકની આ શક્તિઓ વિશેષરૂપે પ્રગટ થતી આવી છે. ‘અનુક્રમ’ (૧૯૭૫)માં પ્રેમાનંદનાં મુખ્ય આઠ આખ્યાનો તેમ જ અખાના ભક્તિવિચાર અને ગુરુવિચાર પરના તથા કેટલીક આધુનિક કૃતિઓ વિશેના અભ્યાસલેખો એમની, મધ્યકાલીન અને અર્વાચીન બંને પ્રકારના સાહિત્યના વિવેચન તરફની ગતિ બતાવે છે. ‘વિવેચનનું વિવેચન’ (૧૯૭૬)માં ‘ગુજરાતી સાહિત્યવિવેચનઃ વળાંકો અને સીમાચિહ્નો’ એ મહત્ત્વના દીર્ઘલેખ ઉપરાંત સાત અદ્યતન વિવેચનગ્રંથોની તપાસ કરતા લેખો છે. ‘અનુષંગ’ (૧૯૭૮)માં ‘સાહિત્યકાર અને સમાજાભિમુખતા’, ‘રુપ અને સંરચના’ એ સિદ્ધાંતચર્ચાના અભ્યાસલેખો છે, તો ‘કલ્પનનું સ્વરુપ’ અનુવાદલેખ છે. ‘વ્યાસંગ’ (૧૯૮૪)માં નિબંધ, ટૂંકીવાર્તા અને એકાંકીના સ્વરૂપ વિશેના મહત્ત્વના લેખો છે.

‘ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ’ (૧૯૭૩) એ ભાષા સાથે ગુજરાતી ભાષાનો વિશદ રીતે પરિચય કરાવતું સારું પાઠ્યપુસ્તક છે.

‘સુદામાચરિત્ર’ (૧૯૬૭), ‘નિબંધ અને ગુજરાતી નિબંધ’ (૧૯૭૬), ‘ટૂંકીવાર્તા અને ગુજરાતી ટૂંકીવાર્તા’ (૧૯૭૭), ‘એકાંકી અને ગુજરાતી એકાંકી’ (૧૯૮૦), ‘કાન્ત વિશે’ (૧૯૮૩), ‘જૈન ગુર્જર કવિઓ’ (૧૯૮૭) ઈત્યાદિ એમના સંપાદન વા સહ-સંપાદનના ગ્રંથો છે.

વિવેચનનું વિવેચન (૧૯૭૬) જયંત કોઠારીના વિવેચનલેખોનો સંગ્રહ છે. અહીં ગુજરાતી સાહિત્યવિવેચનનાં વળાંકો અને સીમાચિહ્નો તપાસવાનું વલણ છે. ઉપરાંત આ જ વલણને લક્ષમાં રાખી અહીં સાત જેટલા વિવેચનગ્રંથોની સમીક્ષા કરવામાં આવી છે. વળી, સ્થાપિત મંતવ્યોમાં ઊહાપોહ કરેલો હોય એવા લેખોનો પણ અહીં સમાવેશ છે. એક રીતે જોઈએ તો, આ ગ્રંથ વિવેચનનો એક નમૂનો છે, જ્યાં વિવેચન પરનું વિવેચન લક્ષ્ય બન્યું છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]