લખાણ પર જાઓ

પંડિતા રમાબાઈ

વિકિપીડિયામાંથી
પંડિતા રમાબાઈ
પંડિતા રમાબાઈ સરસ્વતી
જન્મની વિગત
રમા ડોંગરે

(1858-04-23)23 April 1858
કન્નડ જિલ્લો, મદ્રાસ રાજ્ય, બ્રિટીશ ભારત
મૃત્યુ5 April 1922(1922-04-05) (ઉંમર 63)
મુંબઈ રાજ્ય, બ્રિટીશ ભારત
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
વ્યવસાયસમાજ સેવિકા, નારીવાદી
સક્રિય વર્ષો૧૮૮૫ થી ૧૯૨૨
સંસ્થાપંડિતા રમાબાઈ મુક્તિ મિશન, કેડગાંવ
નોંધપાત્ર કાર્ય
ધ હાઇ કાસ્ટ હિંદુ વુમન
સંતાનોમનોરમા

પંડિતા રમાબાઈ સરસ્વતી (૨૩ એપ્રિલ ૧૮૫૮ – ૫ એપ્રિલ ૧૯૨૨) ભારતીય સમાજ સુધારક હતા. તેઓ મહિલાઓના શિક્ષણ અને ઉત્કર્ષ માટે અગ્રણી હતા. સંસ્કૃત વિદ્વાન તરીકે પંડિતા ખિતાબ મેળવનારા તેઓ પ્રથમ મહિલા હતા.[૧] તેઓ ૧૮૮૯ના કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેનારી ૧૦ મહિલા પ્રતિનિધિઓ પૈકી એક હતા.[૨][૩] ૧૮૯૦ના દશકના ઉત્તરાર્ધમાં તેમણે પુણે શહેરથી ૪૦ માઇલ દૂર પૂર્વમાં કેડગાંવ ખાતે મુક્તિ મિશનની સ્થાપના કરી.[૪][૫]

પ્રારંભિક જીવન અને શિક્ષણ

[ફેરફાર કરો]

પંડિતા રમાબાઈ સરસ્વતીનો જન્મ ૨૩ એપ્રિલ ૧૮૫૮ના રોજ એક મરાઠી બ્રાહ્મણ પરીવારમાં રમાબાઈ ડોંગરે તરીકે થયો હતો. બાદમાં તેમણે ઇંગ્લેન્ડમાં ઇસાઇ ધર્મ અપનાવી લીધો હતો.[૬] તેમના પિતા અનંત શાસ્ત્રી ડોંગરે સંસ્કૃત વિદ્વાન હતા અને તેમણે ઘરે જ રમાબાઈને સંસ્કૃત શીખવ્યું. ૧૮૭૬-૭૮ના ભીષણ દુષ્કાળમાં રમાબાઈના પિતાનું અવસાન થતાં ફક્ત ૧૬ વર્ષની ઉંમરે તેમના ભાઈ શ્રીનિવાસ સાથે સંસ્કૃત શાસ્ત્રોના પાઠ કરતાં કરતાં સમગ્ર ભારતની યાત્રા કરી. વ્યાખ્યાતા તરીકે ખ્યાતિ પામેલા રમાબાઈને કલકત્તા ખાતે વ્યાખ્યાન આપવાનું આમંત્રણ મળ્યું.[૭][૬] ૧૮૭૮માં કલકત્તા વિશ્વવિદ્યાલયે તેમને સંસ્કૃતના વિભિન્ન ક્ષેત્રોમાં તેમના જ્ઞાન અને કાર્ય બદલ પંડિતા અને સરસ્વતી જેવા ખિતાબોથી નવાજ્યા.[૭][૬]

૧૮૮૦માં ભાઈના મૃત્યુ બાદ ૧૩ નવેમ્બર ૧૮૮૦ના રોજ રમાબાઈએ બંગાળી વકીલ બિપિન બિહારી દાસ સાથે લગ્ન કરી લીધાં. તેમના પતિ એક બંગાળી કાયસ્થ હતા. તેમના લગ્ન આંતરજ્ઞાતીય અને આંતરક્ષેત્રીય હતા. ૧૮૮૨માં તેમના પતિનું અવસાન થતાં ૨૩ વર્ષીય વિધવા રમાબાઈ તેમની પુત્રી મનોરમા સાથે પુણે ચાલ્યા ગયા. અહીં તેમણે મહિલા શિક્ષણના ઉત્થાન માટે એક સંગઠનની સ્થાપના કરી.[૬][૮]

સામાજિક પ્રવૃત્તિઓ

[ફેરફાર કરો]

પુણે આવ્યા બાદ તેમણે આર્ય મહિલા સમાજ નામના સંગઠનની સ્થાપના કરી. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓની શિક્ષણને ઉત્તેજન આપવું તથા બાળવિવાહના કુરિવાજને અટકાવવાનો હતો. ૧૮૮૨માં ભારત સરકાર દ્વારા શિક્ષણની સ્થિતિનો તાગ મેળવવા લોર્ડ રિપનની આગેવાનીમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિ સમક્ષ પ્રસ્તાવ રજૂ કરતા રમાબાઈએ શિક્ષકોના પ્રશિક્ષણ અને મહિલા સ્કૂલ નિરિક્ષકોની નિયુક્તિની ભલામણ કરી. ઉપરાંત ભારતીય મહિલાઓને તબીબી શિક્ષણમાં પ્રવેશ આપવાની દરખાસ્ત પણ કરી. લોર્ડ ડફરીન દ્વારા શરૂ કરાયેલ મહિલા ચિકિત્સા આંદોલન રમાબાઈની દરખાસ્તનું જ પરિણામ હતું.[૮]

તબીબી પ્રશિક્ષણ શરૂ કરવાના હેતુથી ૧૮૮૩માં તેઓ બ્રિટન ચાલ્યા ગયા. પ્રવાસ દરમિયાન તેમણે ઈસાઈ ધર્મ અંગીકાર કર્યો. ૧૮૮૬માં તેઓ બ્રિટનથી અમેરિકાના પ્રવાસે ગયા. અહીં તેમણે ભારતના પ્રથમ મહિલા ચિકિત્સક આનંદીબાઈ જોશીના સ્નાતક સ્તરના અભ્યાસ દરમિયાન પાઠ્યપુસ્તકોના અનુવાદનું કાર્ય કર્યું. ઉપરાંત સંયુક્ત રાજ્ય અમેરિકા તથા કેનેડામાં વ્યાખ્યાન આપ્યાં.[૯] તેમણે પોતાના એક મહત્ત્વપૂર્ણ પુસ્તક ધ હાઈ કાસ્ટ હિન્દુ વુમન પ્રકાશિત કર્યું. આ તેમનું પહેલું પુસ્તક હતું જે તેમણે અંગ્રેજીમાં લખ્યું હતું. આ પુસ્તક તેમણે ડૉ. આનંદીબાઈ જોશીને સમર્પિત કર્યું હતું. ધ હાઈ કાસ્ટ હિન્દુ વુમન પુસ્તક બાલિકાવધૂ અને બાલ વિધવાઓ સહિત હિન્દુ મહિલાઓના ખાસ કરીને બ્રાહ્મણ મહિલાઓના જીવન અંધકાર વિશે હતું. બ્રિટીશ ભારતમાં મહિલાઓ સાથે થતા અન્યાય અને ઉત્પીડનનો પર્દાફાશ કરવાની પણ માંગ કરી.

૧૮૯૬માં ભીષણ દુષ્કાળની પરિસ્થિતમાં રમાબાઈએ બળદગાડાઓના કાફલા સાથે મહારાષ્ટ્રના ગામેગામનો પ્રવાસ કર્યો તથા હજારો બાળકો, બાલવિધવાઓ, અનાથ તેમજ નિરાધાર મહિલાઓને બચાવી તેમને શારદા સદન અને મુક્તિ ખાતે આશ્રય આપ્યો. સાત ભાષાઓ પર પ્રભુત્ત્વ ધરાવતા રમાબાઈએ મૂળ હિબ્રૂ અને ગ્રીક ભાષામાંથી બાઈબલનો અનુવાદ તેમની માતૃભાષા મરાઠીમાં કર્યો હતો.[૭]

૧૯૦૦ની સાલ સુધીમાં મુક્તિ મિશનમાં લગભગ ૧૫૦૦ નિવાસી અને હજારથી પણ વધુ પશુઓ હતા. વિધવા, અનાથ, નેત્રહિન સહિત ઘણા જરૂરિયાતમંદ લોકસમૂહો માટે આવાસ, શિક્ષણ, વ્યાવસાયિક પ્રશિક્ષણ વગેરે ઉપલબ્ધ કરાવવા માટે પંડિતા રમાબાઈ મુક્તિ મિશન આજે પણ સક્રિય છે.[૧૦]

પુરસ્કાર અને સન્માન

[ફેરફાર કરો]
૧૯૮૯ની ભારતીયટપાલ ટિકિટ પર રમાબાઈ
 • ભારતની સંસ્થાનવાદી બ્રિટીશ સરકાર દ્વારા તેમની સામુદાયિક સેવાઓ બદલ ૧૯૧૯માં કેસર-એ-હિંદ પદકથી સન્માનિત કરવામાં આવ્યા.[૧૧]
 • ભારતીય મહિલાઓની ઉન્નતિ માટે તેમના યોગદાન બદલ ૨૬ ઓક્ટોબર ૧૯૮૯ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.[૧૨]
 • મુંબઈના ગામાદેવી વિસ્તારમાં સ્થિત હ્યુજ રોડથી નાના ચોક સુધીનો માર્ગ પંડિતા રમાબાઈ માર્ગ તરીકે જાણીતો છે.[૧૩]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
 1. "Women's History Month: Pandita Ramabai". Women's History Network. 11 March 2011.
 2. Kollanoor, Greger. "Indian Christianity and National Movements". Cite journal requires |journal= (મદદ)
 3. "Short Biography of Ramabai". 25 May 2015. મૂળ માંથી 7 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 13 ફેબ્રુઆરી 2020.
 4. Ramabai Sarasvati (Pandita); Pandita Ramabai (2003). Pandita Ramabai's American Encounter: The Peoples of the United States (1889). Indiana University Press. પૃષ્ઠ 29–30. ISBN 0-253-21571-4.
 5. Anne Feldhaus (29 January 1998). Images of Women in Maharashtrian Society. SUNY Press. પૃષ્ઠ 205. ISBN 978-0-7914-3660-8.
 6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ Khan, Aisha (14 November 2018). "Overlooked No More: Pandita Ramabai, Indian Scholar, Feminist and Educator". The New York Times.
 7. ૭.૦ ૭.૧ ૭.૨ "Intl' Christian Women's History Project & Hall of Fame". Icwhp.org. મેળવેલ 15 May 2015.
 8. ૮.૦ ૮.૧ "Sarla R. Murgai". Utc.edu. મૂળ માંથી 6 જાન્યુઆરી 2019 પર સંગ્રહિત. મેળવેલ 15 May 2015.
 9. Jayawardena, Kumari (1995). The white woman's other burden: Western women and South Asia during British colonial rule. New York: Routledge. પૃષ્ઠ 56. ISBN 978-0-415-91104-7.
 10. "Untold Tale of Revival: Pandita Ramabai | Grace Valley Christian Center". Gracevalley.org. મેળવેલ 15 May 2015.
 11. Butler (1922), p. 83
 12. "Indian Postage Stamps 1947–2000". Department of Posts, Ministry of Communications, Government of India. મૂળ માંથી 21 જાન્યુઆરી 2021 પર સંગ્રહિત. મેળવેલ 9 એપ્રિલ 2019.
 13. Thale, Siddharaj (14 ઓગસ્ટ 2017). "Road in Mumbai named after woman who started Arya Mahila Samaj". The Indian Express. મેળવેલ 9 એપ્રિલ 2019.