પાતગઢ
પાતગઢ અથવા વાઘમ ચાવડાગઢ ચાવડા વંશના શાસન સમયનું ઐતિહાસિક નગર અને પશ્ચિમ કચ્છની રાજધાની હતું. આ ગામના ખંડેરો કચ્છના લખપત તાલુકામાં આવેલા છે. પાતગઢ ગામ કચ્છના નાના રણની પશ્ચિમ બાજુએ આવેલું છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]જૂના શહેર વાઘમ ચાવડાના નગરના ખંડરો અહીં આવેલા છે, જેની લોકવાયકા મુજબ ૧૩મી સદીમાં તેના ભત્રીજાઓ મોડ અને માંડી દ્વારા હત્યા થઇ હતી. આ ગામ નદીના વહેણને સમાંતર બે માઇલ કરતાં વધુ વિસ્તરેલું હતું એમ જણાય છે. અહીંનું મેદાન માંડવીના ખેતર તરીકે ઓળખાય છે, જ્યાં જૂના શહેરની કેટલીક કચેરીઓ આવેલી છે. ગામની દિવાલો, એક બંધનું સ્થળ, જે મોટા તળાવ સાથે જોડાયેલું હતું, હજુ સુધી દેખી શકાય છે. રાખના ઢગલાંઓ અને તૂટેલી તકતીઓ અને વાસણો કુંભારોની ભઠ્ઠીઓનું સૂચન કરે છે. તાંબાના સિક્કાઓ ક્યારેક મળી આવે છે, પરંતુ તે એટલા કાટ ખાયેલા હોય છે કે હાથમાં લેતાં ક્ષીણ થઇ જાય છે. આધુનિક એવા બે મંદિરો આ સ્થળ પર આવેલા છે. કાતેશ્વર મંદિર, ૧૮૨૪માં (સંવત ૧૮૮૧) ક્ષત્રી જેઠા સુંદરજી અને મહેતા વલ્લભજી વડે ફરી બંધાવવામાં આવ્યું હતું. આ મંદિર ૮ ચોરસ ફીટ અને ૨૫ ફીટ ઊંચું છે અને ચાર ચોરસ થાંભલાઓ ધરાવે છે. મંદિરની અંદર શિવલિંગ અને જમણી બાજુ હનુમાનની છબી અને ડાબી બાજુએ ગણપતિની છબી છે. કાલિ માતાનું મંદિર આ સ્થળ પર જ છે, પરંતુ પ્રમાણમાં નાનું છે. આ મંદિર ૧૮૮૮ (સંવત ૧૮૯૫)માં મંછાનાથ નામના પરમહંસ દ્વારા પુન:નિર્માણ કરવામાં આવેલું. તે પશ્ચિમ દિશામુખ ધરાવે છે અને ગર્ભગૃહ અને મંડપ ધરાવે છે. ગર્ભગૃહના છત પર વાઘમ, તેના પુત્ર અને સાત સાંઢોનું ચિત્રણ છે, પરંતુ તે નવગ્રહોનું પણ પ્રતિનિધત્વ કરે છે એમ જણાય છે. કાળકા માતાની મૂર્ત ૨.૫ ફીટ ઊંચી છે અને ચાર હાથામાં ભાલા અને તલવારો ધરાવે છે. એક ભાલો મહિષાસુરના શરીરને આરપાર છે અને તેના પર કાળકા માતાનો એક પગ છે. પ્રવેશદ્વારની સામે બે પથ્થરની મૂર્તિઓ અને જૂના મંદિરના અવશેષો મળ્યા છે, જે મોડ અને મનાઇના કહેવાય છે, જે કચ્છમાં સ્થાયી થયેલા શરૂઆતી વસાહતીઓ હતા. નવી મૂર્તિની બાજુમાં કાલિ માતાની જૂની મૂર્તિ પણ છે અને સિંહ પર સવારી કરતી બીજી એક અન્ય મૂર્તિ પણ બહાર આવેલી છે. મંદિરની બહાર એક કુંડ આવેલો છે, જે ૧૮૩૮માં (સંવત ૧૮૯૫) કાશીગર દ્વારા પુન:નિર્માણ કરવામાં આવ્યો હતો. તે પવિત્ર ગણાય છે અને નજીકના ગામોના લોકો ત્યાં શ્રાદ્ધ માટે અને અસ્થિ વિસર્જન માટે આવે છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૫૨-૨૫૩.
- આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૫૨-૨૫૩. માંથી લખાણ ધરાવે છે.