બાલમુકુન્દ દવે

વિકિપીડિયામાંથી
બાલમુકુન્દ દવે
જન્મની વિગત(1916-03-07)7 March 1916
મૃત્યુ28 February 1993(1993-02-28) (ઉંમર 76)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાય
  • કવિ
  • પત્રકાર
પુરસ્કારોકુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૪૮)

બાલમુકુન્દ મણિશંકર દવે (૭ માર્ચ ૧૯૧૬ - ૨૮ ફેબ્રુઆરી ૧૯૯૩) ગુજરાતી ભાષાના કવિ અને પત્રકાર હતા.

તેમનો જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં. મૅટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી. ‘નવજીવન’ માં જોડાયા. ત્યાંથી ત્રણ દાયકે નિવૃત્ત થઈને નવજીવન પ્રકાશિત ‘લોકજીવન’નું સંપાદન કાર્ય કર્યું હતું. ૧૯૪૮માં તેમને કુમાર ચંદ્રક એનાયત થયો હતો.

સર્જન[ફેરફાર કરો]

બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાનાં પ્રભાતિયાં તેમ જ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક અને પ્રેરક સાહિત્યનું વાચન -આ બધાંએ એમના કવિવ્યક્તિત્વને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે; તો એમની કવિતાના ઘડતરમાં બુધસભાએ તેમ જ કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ પણ ફાળો આપ્યો છે. એમના કાવ્યસંગ્રહ ‘પરિક્રમા’ (૧૯૫૫)માં પ્રકૃતિ, પ્રણય અને ભક્તિનાં કાવ્યો-ગીતો છે. પદ્યરૂપોની જેમ એમાં કાવ્યસ્વરૂપોનું પણ વૈવિધ્ય છે. શિષ્ટ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવાનુભૂતિ એમની કવિતાને નિવ્યૉજ મનોહારિતા અર્પે છે. સૌંદર્યલક્ષિતા અને સૌંદર્યબોધ એ કવિધર્મનું આ કવિએ યથાર્થ પરિપાલન કર્યું છે. ‘સહવાસ’ (૧૯૭૬)માં એમનાં કાવ્યોનું વેણીભાઈ પુરોહિતનાં કાવ્યો સાથે સુરેશ દલાલે સંપાદન કર્યું છે. એમના બાળકાવ્યોના ત્રણ સંગ્રહો ‘સોનચંપો’ (૧૯૫૯), ‘અલ્લક દલ્લક’ (૧૯૬૫) અને ‘ઝરમરિયાં’ (૧૯૭૩) પ્રગટ થયા છે. આ ઉપરાંત એમણે પ્રૌઢશિક્ષણ માટે ‘ઘટમાં ગંગા’ (૧૯૬૬) નામે વ્યક્તિચિત્રોની એક પુસ્તિકા લખી છે.

પરિક્રમા (૧૯૫૫)[ફેરફાર કરો]

બાલમુકુન્દ દવેનો, ૧૯૩૮ થી ૧૯૫૫ સુધીના ગાળાની ૧૦૩ કાવ્યકૃતિઓનો સંગ્રહ. ભાવરસ્યાં ચિત્રાંકન, મર્મસ્પર્શી ઊર્મિઆલેખન અને પ્રાસાદિક ને પ્રભાવક અભિવ્યક્તિથી દીપ્ત કાવ્યોનો આ સંગ્રહ ગુજરાતી કવિતામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. એમાંની કવિતા મુક્તક, સૉનેટ, ખંડકાવ્ય, ગીત, ભજન આદિ વિવિધ સ્વરૂપે વહે છે. સંસ્કૃતવૃત્તો જેટલું જ કૌશલ ગેયરચનાઓ પરત્વે પણ કવિ દાખવે છે, ગેયરચનાઓ આપણાં લોકગીતો અને ભજનોના ઢાળમાં થયેલી છે અને એમાં લોકબાની તેમ જ તેનું વાતાવરણ અનુભવાય છે. વિષયવૈવિધ્યની દ્રષ્ટિએ ‘હડદોલા’, ‘બંદો અને રાણી’, ‘નેડો’, ‘હિના’, ‘ભીના વાયરા’ જેવાં ઉલ્લાસમય પ્રણયગીતો છે; ‘સંચાર’, ‘હોડી’, ‘શમણાંનો સથવારો’, ‘એકલપંથી’ જેવી અધ્યાત્મભાવની રચનાઓ છે; તો ‘સુરગંગાનો દીવડો’, ‘ઝાકળની પિછોડી’ જેવાં આસ્વાદ્ય ભજનો છે. ‘નદીકાંઠે સૂર્યાસ્ત’, ‘ચાંદની’, ‘નર્મદા તટે પૂર્ણિમા’ , ‘સાબરમાં ઘોડાપૂર જોઈને’, ‘પરોઢ’ વગેરે પ્રકૃતિદર્શનના મુગ્ધ આનંદનું નિરૂપણ કરતાં કાવ્યો કવિની લાક્ષણિક વર્ણનશક્તિનાં પરિચાયક છે. ‘મોગરો’, ‘આકાશી અસવાર’, ‘શ્રાવણ નીતર્યો’ વગેરે ગીતો પણ એવી પ્રતીતિ કરાવે છે. સંગ્રહનું છેલ્લું કાવ્ય કવિશક્તિનું નિદર્શક છે તેમ આપણાં ગીતોની સમૃદ્ધિની સાબિતીરૂપ છે. ‘તું જતાં’ અને ‘જૂનું ઘર ખાલી કરતાં’ અનુક્રમે પત્ની અને પુત્રના અવસાનથી અનુભૂત સંવેદનને પ્રબળતાથી નિરૂપે છે; તો ‘વીરાંજલિ’, ‘સજીવન શબ્દો’ અને ‘હરિનો હંસલો’ અનુક્રમે ન્હાનાલાલ, મેઘાણી અને ગાંધીજી વિશેની શોકપ્રશસ્તિઓ છે. જહાંગીરના સમયના પ્રસંગનિરૂપણનું ‘બેવડો રંગ’ અને વિદ્યાર્થી અવસ્થાનો ચિતાર આપતું વિનોદમય ‘વડોદરા નગરી’ નિજી વિશેષતાઓથી ધ્યાન ખેંચે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]